શત્રુઘ્ન પુત્રી સોનાક્ષીનું ‘ખામોશ!’
ક્લેપ એન્ડ કટ..! -સિદ્ધાર્થ છાયા
‘ફિલ્મીજગત અને વિવાદને એકેમેક વીના જરાય ન ચાલે.’ દરરોજ કોઈને કોઈ નવો વિવાદ જન્મ લે. ઘણીવાર તો બોલિવૂડના ઘેર વિવાદ ‘બિન બુલાયે મહેમાન’ ની જેમ પધારે અને વધુ ચાલે તો કોઈની પથારી ફેરવી પણ નાખે. આવો જ એક ૨૦૧૯ના વર્ષનો વિવાદ પોતાને હજી પણ ભીષ્મ પિતામહ માનતા મુકેશ ખન્નાએ ફરીથી ખડો કરી દીધો છે.
વાત એમ બની હતી કે ૨૦૧૯માં ‘કૌન બનેગા કરોડપતિના’ એક એપિસોડમાં સોનાક્ષી સિન્હા મહેમાન બનીને આવી હતી. બચ્ચનબાબુએ સોનાક્ષીને ‘લક્ષ્મણજી માટે કોણ સંજીવની લાવ્યું હતું?’ એ પ્રકારનો પ્રશ્ર્ન પૂછ્યો હતો. આ સરળ પ્રશ્ર્નનો જવાબ સોનાક્ષી આપી ન શકી પછી તો સોશિયલ મીડિયામાં મીમ્સનો વરસાદ વરસ્યો હતો.
એ ઘટનાને મુકેશ ખન્નાએ હાલમાં ફરીથી યાદ કરીને કહ્યું કે સોનાક્ષી આટલો સરળ જવાબ ન આપી શકી એ પાછળ પિતા શત્રુઘ્ન સિન્હાનો નબળો ઉછેર જવાબદાર છે… પત્યું! વિવાદને તેડું તો હોય જ નહીં. પિતાને નાહકના ચર્ચામાં લાવવા માટે અને એ પણ છ વર્ષ પછી, પુત્રી સોનાક્ષી તો મુકેશભાઈ પર રીતસર તૂટી જ પડી. સોનાક્ષીએ પોતાની લાંબીલચક ઇન્સ્ટા સ્ટોરીમાં ઘણું બધું લખી નાખ્યું, જેનો સાર એ કે સોનાક્ષીએ વાયા મુકેશ ખન્ના પોતાના રામાયણ વિષેના ‘કહેવાતા’ અજ્ઞાન અંગે પોતાના ટીકાકારોને ‘ચૂપ રહેવા’ કહી દીધું છે.
સોનાક્ષીએ કહ્યું છે કે જે કહેવું હોય તે મને કહો, મારા પિતાને વચ્ચે લાવવાની કોઈ જ જરૂર નથી. મારા પિતાએ મને-અમને -સંતાનોને અત્યંત સારી રીતે ઉછેર્યાં છે…ખામોશ!
માંડ માંડ બચ્યા એક વિલન નામે શક્તિ કપૂર…
હાલમાં ઉત્તર પ્રદેશના બિજનોરમાં એક ગેંગ વિષે ચર્ચા ચાલી છે. થોડા દિવસ અગાઉ એક્ટર મુશ્તાક ખાન, પેલા ‘મેરી એક ટાંગ નકલી હૈ’વાળાનું અપહરણ થયું હતું, પરંતુ કોઈ રીતે મુશ્તાકભાઈ આ ગેંગના સકંજામાંથી છટકીને ભાગી ગયા હતા. આવું જ સ્ટેન્ડ અપ કોમેડિયન સુનીલ પાલ સાથે પણ થયું હતું. સુનીલ પાલે તો છુટકારા માટે અમુક રકમ પણ આપવી પડી હતી.
આ ગેંગની મોડસ ઓપરેન્ડી એવી હોય છે એ એક્ટર્સને પ્રોગ્રામમાં હાજર રહેવા માટે આમંત્રણ આપે છે. આ હાજરી બદલ એમને મોટીમસ રકમ અને આવવા-જવાનું ફ્લાઈટનું ભાડું-હોટલ ખર્ચ, વગેરે પણ ઓફર કરવામાં આવે છે. આ બધું જોઇને એક્ટર ભોળવાઈ જાય અને પછી ઉત્તર પ્રદેશના કોઈ એરપોર્ટ પર ઊતરે એટલે એમને હોટેલ કે પ્રોગ્રામના સ્થળે લઇ જવાના બહાને કિડનેપ કરી લેવામાં આવે ને ખંડણી ઓકાવવામાં આવે..
શક્તિ કપૂર સાથે આવું બનતા બનતા રહી ગયું. એક પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન બનવા માટે પાંચ લાખ રૂપિયાની ઓફર થઇ, જે શક્તિ કપૂરે સ્વીકારી, પરંતુ એની એડવાન્સ માટેની મોટી રકમની માગણીએ એને બચાવી લીધા.
પેલી ગેંગના માણસે જે રીતે આ રકમ ચૂકવવાની આનાકાની કરી તેનાથી શક્તિ કપૂરને શંકા ગઈ અને પોલીસ ફરિયાદ કરી. બદલામાં બિજનોરની પોલીસે આ ગેંગના લીડર રાહુલ સૈનીની ધરપકડ કરી અને તેની પાસેથી ૧ લાખ જેટલી રકમ પણ જપ્ત કરી છે. શક્તિ કપૂરે જો એડવાન્સ રકમ ઓછી માગી હોત કે સાવ ન માગી હોત તો આ ‘આઉ’ એકટરનું શું થાત ? !
‘હનુમાન પ્રિય’ અક્ષય કુમારની ‘વાનર સેવા’ અક્ષય કુમાર ફક્ત ઐતિહાસિક પાત્રોને ફરીથી જીવંત કરવામાં જ નથી માનતો, પરંતુ સેવાકાર્યમાં પણ એટલો જ પ્રવૃત્ત છે. રામ જન્મભૂમિ અયોધ્યામાં આશરે ૧,૨૫૦ વાનરો છે. હવે પ્રભુ શ્રી રામ અને વાનરોનો શો સંબંધ છે એ તો આપણે જાણીએ જ છીએ. રામની આ ભૂમિમાં આટલા બધા વાનરોની સંભાળ રાખનારી અમુક સેવાભાવી સંસ્થાઓ જરૂર છે પરંતુ તેમનું કાર્ય પૂરતું નથી.
આથી અક્ષય કુમારે અયોધ્યાની એક સેવાભાવી સંસ્થા ‘અંજનેય સેવા ટ્રસ્ટ’ સાથે હાથ મેળવ્યા છે. હવે આ બંને અયોધ્યાના વાનરો માટે પૌષ્ટિક આહારની વ્યવસ્થા કરશે. આમ થવાથી વાનરોએ અયોધ્યાના ખૂણેખૂણે જઈને ખોરાક શોધવા માટે તોફાન કરવાની જરૂર નહીં પડે. અક્ષય કુમાર અને ટ્રસ્ટવાળા વાનરોને જે ખોરાકમાં કેળાં આપશે તેની છાલ ગાયને ખવડાવશે, આમ અહીં ‘ઝીરો વેસ્ટ’નો કોન્સેપ્ટ પણ અમલમાં આવશે. અક્ષય કુમારે આ પ્રયાસને ‘એક છોટી સી કોશિશ’ કહીને સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.
કટ એન્ડ ઓકે.. ‘મને હવે ડર લાગે છે કે હું આ પ્રોજેક્ટને ન્યાય આપી શકીશ કે નહીં?’ (મહાભારત પર ફિલ્મ બનાવવાના પ્રયાસ શરૂ કરી ચૂકેલા આમિર ખાને હાલમાં આ વાત પત્રકારો સાથે શેર કરી છે.)