મેટિનીસ્પેશિયલ ફિચર્સ

ધ લૉંગેસ્ટ નાઈટ: ઈસ રાત કી સુબહ નહીં!

ફિલ્મનામા -નરેશ શાહ

ખૂંખાર ગુનેગાર કે ગેંગ લીડરને છોડાવવા માટે એના સાગરીતો જમીન-આસમાન એક કરી દે એ આપણા ‘કર્મા’ (ડો. ડેંગ-અનુપમ ખેર) સહિતની અનેક ફિલ્મોમાં જોયું છે.

‘નેટફ્લિક્સ’ પર હિન્દી ભાષામાં પણ જોવા મળતી સ્પેનિશ વેબસિરિઝ ‘ધ લોંગેસ્ટ નાઈટ’ નો આ જ થીમ છે. ‘ધ લોંગેસ્ટ નાઈટ’ (લાંબી કાળરાત્રિ) પ્રથમ એપિસોડથી જ તમને એક ગજબનાક મૂંઝવણમાં નાખી દે છે.

એ અલગ મૂંઝવણ યા સિક્રેટ જ આ વેબસિરીઝનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. માથાભારે ડોન કે ગેંગસ્ટર ઝડપાયો હોય તો એને પોલીસની ચૂંગાલમાંથી છોડાવવા માટે જીવલેણ જંગ એના ગુર્ગાઓ કરે એ સમજી શકાય તેવી વાત છે, પણ ‘ધ લોંગેસ્ટ નાઈટ’ના આરંભે જ પોલીસ એક સિરિયલ કિલરને ઝડપી લે છે.
પચાસેક વરસના લાગતા આ સિરિયલ કિલરને બધા ‘મગરમચ્છ’ તરીકે ઓળખે છે.

સિમોન નામનો આ મગરમચ્છ એવો ક્રૂર છે કે ગમે તેવા જુવાન છોકરા-છોકરીને રહેંસી શકે છે અને મગરમચ્છ જાલિમ તો એવો છે કે એ અધમૂઈ યુવતીને ય જીવતી દફન કરી દેવાનું કઠણ કલેજું ધરાવે છે… એણે આ રીતે અગિયાર જેટલી હત્યા કરી નાખી છે.

એક ગુપ્ત માહિતીના સહારે સ્પેનિશ પોલીસને સિમોન ઉર્ફે મગરમચ્છનો અતોપતો મળી જાય છે. પગેરું પકડતી પોલીસ એને પકડવા આવી રહ્યાની સૂચના પણ સિમોનને મળી જાય છે, પરંતુ…આ મગરમચ્છના કપાળ પર ચિંતાની લકીર પણ ઊપસતી નથી.

પોલીસથી ભાગવાની બદલે એ ઘરમાં જ રહે છે. પોલીસ એનું નિવાસસ્થાન ઘેરી વળે છે ત્યારે ઘરનું મેન ડોર ખોલીને મગરમચ્છ આત્મસમર્પણ કરે છે. ઝડપી લીધેલા સિરિલય કિલર સિમોનને સ્પેનની જડબેસલાક એવી બારુકા જેલ અને સારવાર કેન્દ્રમાં લઈ જવાનો આદેશ મળે છે.

આ જેલના સારવાર કેન્દ્રમાં ખૂંખાર કેદીઓ અને માનસિક બીમાર ગુનેગારોને સારવાર માટે રાખવામાં આવ્યા છે. ક્રિસમસ હોવાથી પત્નીથી અલગ રહેતા આ જેલના વોર્ડન હ્યુગોએ પોતાની બે દીકરી અને આઠ વરસના પુત્રને પાર્ટી માટે બોલાવ્યા છે, પરંતુ…સિરિયલ કિલર મગરમચ્છને આ જેલમાં લાવવામાં આવી રહ્યો હોવાથી એણે ક્રિસમસ પાર્ટી કેન્સલ કરવી પડી છે તેથી મોટી દીકરી માતા પાસે જવા નીકળી જાય છે.

હ્યુગો બે બાળકને લઈને જેલમાં પહોંચે છે. સિરિયલ કિલરને ‘જમા લેવાની’ ફોર્માલિટી પૂરી કરીને તે બંને બચ્ચાંને પાર્ટી માટે લઈ જવાનો છે.

બારુકાની જેલમાં પહોંચેલા મગરમચ્છનો વોર્ડન હેડ હ્યુગો સાથે આમનો સામનો થાય છે ત્યારે મગરમચ્છ એને કહે: ‘હ્યુગો, આજની રાત બહુ લાંબી પુરવાર થવાની છે, તમારે બધા માટે!’

‘ધ લોંગેસ્ટ નાઈટ’ના પ્રથમ એપિસોડની પ્રથમ પંદર જ મિનિટ પૂરી કરો ત્યારે આટલું ચિત્ર તમારી સામે સ્પષ્ટ થાય છે, પરંતુ વોર્ડન હેડ હ્યુગો ચકિત છે કે સિરિયલ કિલરને એના નામની ખબર કેવી રીતે પડી?

એ જ વખતે બારુકાની જેલને ઘેરી લઈને લાઈટ તેમજ મોબાઈલ સિગ્નલ જામ કરી દેવામાં આવે છે. જેલ ફરતે ઊભેલા હથિયારધારીઓની એક જ ડિમાન્ડ છે: ‘મગરમચ્છને અમારા હવાલે કરી દો તો અમે શાંતિથી ચાલ્યા જઈશું!’

જેની કોઈ ગેંગ નથી કે સાગરિત નથી અને જે ઠીક લાગે એને રહેંસી નાખે છે એવા આ સિમોનને જેલમાંથી ભગાવી જવાવાળું કોણ છે? બીજા દિવસે સિમોનનું જજ સામે સ્ટેટમેન્ટ લેવાનું છે, પણ એ વાત કોને ખટકે છે? શું કામ? સિમોન ઉર્ફે મગરમચ્છને છોડાવવા માટે વોર્ડન હેડ હ્યુગો મદદરૂપ બને એ માટે (મા પાસે જવા નીકળેલી) મોટી દીકરીનું અપહરણ કોણે અને શા માટે કર્યું? સૌથી અગત્યનો સવાલ! એક સિરિયલ કિલર માટે આટલા ધમપછાડા શા માટે?

આ પણ વાંચો…ઘર- પરિવાર અને બિઝનેસમાં સમૃદ્ધિ ખેંચીને લાવશે ઘરમાં રાખેલી આ એક મૂર્તિ…

‘ધ લોંગેસ્ટ નાઈટ’ એક સ્પેનિશ થ્રીલર છે એટલે તેના સર્જકો કે અભિનેતાની વાતો કરવી એ અર્થ વગરનો વ્યાયામ છે, પરંતુ એટલું ખરું કે સિરીઝ એકદમ ટાઈટ છે. ડિરેક્ટર ઓસ્કાર પેડરાઝાએ યા સિરિયલ કિલર તરીકે લૂઈસ સેલેજોને એવી ઠંડી ક્રૂરતા સાથે દેખાડ્યો છે કે ખરેખર ખૌફ જાગે.

ટૂંકમાં અચૂક જોવા જેવી પરફેક્ટ થ્રીલર. ‘ધ લોંગેસ્ટ નાઈટ’ની બીજી સિઝન પણ અત્યારે શૂટ થઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button