બાંગ્લાદેશના નગુણા શાસકો, ભારતની મદદથી તમારું અસ્તિત્વ છે…
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
બાંગ્લાદેશને હમણાં ભારતવિરોધી વા ઉપડેલો છે એટલે ભારત કંઈ પણ કરે તેને વાકું જ પડી જાય છે. તાજો દાખલો બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય દિને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પોસ્ટ સામે ઉઠાવેલો વાંધો છે. બાંગ્લાદેશે ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ ભારતની મદદ થી પાકિસ્તાનથી આઝાદી મેળવી હતી તેથી બાંગ્લાદેશમાં સ્વતંત્રતા દિવસને વિજય દિવસ તરીકે ઊજવવામાં આવે છે.
બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય દિને મોદીએ સોમવારે સોશિયલ મીડિયા એક્સ પર ૧૯૭૧ના યુદ્ધ વિશે પોસ્ટ કરી હતી. મોદીએ યુદ્ધમાં જીવ ગુમાવનારા સૈનિકોનાં બલિદાનને યાદ કરીને ભારતની જીતમાં તેમના યોગદાનને મહત્ત્વપૂર્ણ ગણાવતાં લખેલું કે, આજે, વિજય દિવસ પર, અમે ૧૯૭૧માં ભારતની ઐતિહાસિક જીતમાં યોગદાન આપનારા બહાદુર સૈનિકોની હિંમત અને બલિદાનનું સન્માન કરીએ છીએ. તેમના નિ:સ્વાર્થ સમર્પણ અને અતૂટ સંકલ્પે આપણા રાષ્ટ્રનું રક્ષણ કર્યું અને આપણને ગૌરવ અપાવ્યું. આ દિવસ તેમની અસાધારણ બહાદુરી અને તેમની અટલ ભાવનાને શ્રદ્ધાંજલિ છે. તેમનું બલિદાન પેઢીઓને કાયમ પ્રેરણા આપશે અને આપણા રાષ્ટ્રના ઈતિહાસમાં ઊંડે સુધી જડિત રહેશે.
મોદીની પોસ્ટમાં કશું ખોટું નથી કેમ કે બાંગ્લાદેશને આઝાદ કરાવવામાં ભારતીય સૈનિકોએ સક્રિય ભૂમિકા ભજવી હતી અને ૧૬૦૦ ભારતીય જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાને ભારત પોતાની આંતરિક બાબતમાં દખલ કરે છે એવું કહીને હુમલો કર્યો પછી ભારતે તેનો જડબાતોડ જવાબ આપીને પાકિસ્તાનને પછાડ્યું હતું એ જોતાં ભારત માટે ૧૯૭૧નું યુદ્ધ ભારતનું પોતાનું યુદ્ધ હતું પણ બાંગ્લાદેશે તેની સામે પણ વાંધો લીધો છે.
બાંગ્લાદેશના કાયદા સલાહકાર આસિફ નઝરુલે ૧૯૭૧ની જીતમાં ભારતીય સૈનિકોના યોગદાનને માન આપીને ૧૬મી ડિસેમ્બરને વિજય દિવસ તરીકે ઉજવતી પીએમ મોદીની સોશિયલ મીડિયા પોસ્ટ સામે વળતી પોસ્ટ કરી છે.
નઝરુલે ફેસબુક પર પોસ્ટ મૂકીને ડહાપણ ડહોળ્યું છે કે, ૧૬મી ડિસેમ્બર બાંગ્લાદેશનો વિજય દિવસ છે અને બાંગ્લાદેશ ભારપૂર્વક કહે છે કે બાંગ્લાદેશની જીતમાં ભારત માત્ર એક સાથી હતો, અને તેનાથી વધુ કંઈ નહોતો તેથી હું મોદીની વાતનો સખત વિરોધ કરું છું. બાંગ્લાદેશના કટ્ટરવાદીઓ અને ભારત વિરોધીઓએ નઝરૂલની વાતમાં ટાપસી પૂરાવી છે તેમાં બાંગ્લાદેશી સોશિયલ મીડિયા પર ભારત વિરોધી માહોલ થઈ ગયો છે.
ભારતને આ બકવાસ વાતોથી કોઈ ફરક પડતો નથી પણ બાંગ્લાદેશના હાલના શાસકો કેટલા નગુણા છે તેનો આ પુરાવો છે. શેખ હસીનાના સમયમાં બાંગ્લાદેશના વિજય દિવસની ઉજવણીમાં ભારતના યોગદાનને પ્રેમથી યાદ કરાતું અને ભારતીય સૈનિકોને શ્રધ્ધાંજલિ આપીને બાંગ્લાદેશની આઝાદીમાં તેમણે આપેલા યોગદાનને યાદ કરીને આભાર વ્યકત કરાતો. હસીના સત્તા પરથી હટ્યાં એ સાથે જ એ બધું બાજુ પર રહી ગયું ને ભારત માત્ર સાથી બનીને રહી ગયું.
જો કે તેનાથી ઈતિહાસ બદલાવાનો નથી. ભારત ના હોત તો બાંગ્લાદેશ હજુય પૂર્વ પાકિસ્તાન હોત ને પાકિસ્તાનની લશ્કરની એડી તળે સબડતું હોત, પાકિસ્તાની લશ્કરના અત્યાચારો સહન કરતું હોત. બાંગ્લાદેશની આઝાદી માટે હથિયાર ઉઠાવનારી મુક્તિબાહિની ભારતની દેન હતી. ભારતે તેને મદદ ના કરી હોત ને સીધો પાકિસ્તાની લશ્કર પર હુમલો કરીને તેને ખોખરું ના કર્યું હોત તો મુક્તિબાહિનીની બાંગ્લાદેશને આઝાદ કરાવવાની તાકાત જ નહોતી. આ ઈતિહાસ છે ને નઝરુલ જેવા લખોટાઓના કહેવાથી એ ઈતિહાસ બદલાવાનો નથી.
બાંગ્લાદેશીઓ ભલે આ ઈતિહાસ ભૂલાવી દેવા માગતા હોય પણ ભારતીયોએ આ ઈતિહાસ યાદ રાખવો જોઈએ કેમ કે બાંગ્લાદેશને આઝાદ કરાવવામાં ભારતે ભજવેલી ભૂમિકા આઝાદ ભારતના સુવર્ણ પ્રકરણોમાંથી એક છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧માં લડાયેલું યુદ્ધ ૧૩ દિવસ ચાલ્યું હતું. પાકિસ્તાના ૩જી ડિસેમ્બર, ૧૯૭૧ના આક્રમણ સાથે યુદ્ધ શરૂ થયું ને ભારતે ૧૬મી ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ ઢાકા પર કબજો કરીને યુદ્ધનો અંત લાવી દીધો. ૩મી ડિસેમ્બર ૧૯૭૧ના રોજ સાંજે ૦૫:૪૦ વાગ્યે પાકિસ્તાની વાયુસેનાનાં સેબર જેટ્સ અને સ્ટાર ફાઇટર્સ વિમાનો ભારતીય સીમાં ઘૂસીને બોમ્બમારો શરૂ કરીને સત્તાવાર રીતે યુદ્ધનું એલાન કરી દીધું હતું. પાકિસ્તાની એરફોર્સે પઠાણકોટ, શ્રીનગર, અમૃતસર, જોધપુર અને આગ્રા સહિત દેશમાં ૧૧ લશ્કરી હવાઈ મથકોને નિશાન બનાવીને બોમ્બમારો કરતાં ભારતે પણ વળતો પ્રહાર કરીને ૧૩ દિવસમાં તો પાકિસ્તાનના ગાભા કાઢી નાંખ્યા.
ભારત આ યુદ્ધમાં સામેલ થયું કેમ કે ભારતે પાકિસ્તાનના બાંગ્લાભાષીઓને મદદ કરી હતી. પશ્ચિમ પાકિસ્તાન (હાલનું પાકિસ્તાન)માં પંજાબી અને સિંધીઓની સત્તા હતી તેથી પાકિસ્તાનના શાસકો બંગાળીઓના વિરોધને લશ્કરી તાકાતની મદદથી કચડવા મથ્યા કરતા હતા પણ લોકોની લાગણીને કચડી નાખવી શક્ય નહોતી. ભૂરાંટા થયેલા લશ્કરી સરમુખત્યાર યાહ્યાખાને બંગાળીઓ પર અત્યાચારો કરવા માંડ્યા. સામે શેખ મુજીબુર રહેમાને પણ લોકોને પૂરી તાકાતથી લડવાનું એલાન કરતાં બંગાળીઓ રસ્તા પર ઉતર્યા ને પ્રચંડ આંદોલન ઊભું થયું.
આ આંદોલનને કચડી નાખવા ૨૫મી માર્ચ, ૧૯૭૧ના રોજ યાહ્યાખાને લશ્કરને છૂટો દોર આપી દીધો. બંગબંધુ શેખ મુજિબુર રહેમાનની ધરપકડ કરવામાં આવી. બાંગ્લા પ્રજા પર પાકિસ્તાની લશ્કરે બેફામ અત્યાચાર શરૂ કર્યા. મુજિબુરના સમર્થકોને ખતમ કરવા પાકિસ્તાની લશ્કરે ઓપરેશન સર્ચલાઈટ શરૂ કર્યું.
મુજિબુર રહેમાનના સમર્થકોએ પાકિસ્તાની લશ્કરના અત્યાચારો સામે બંગાળીઓનું રક્ષણ કરવા હથિયાર ઉઠાવ્યાં. ૧૦મી એપ્રિલે બાંગ્લાદેશમાં પ્રોવિઝનલ ગવર્નમેન્ટ રચાઈ. આ સરકારે મોહમ્મદ અતાઉલ ગોની ઉસ્માનીને કમાન્ડર બનાવીને મુક્તિ બાહિની રચી. મુક્તિ બાહિની બાંગ્લાદેશની આઝાદી માટે રચાયેલું લશ્કર જ હતું.
પૂર્વ પાકિસ્તાન પાકિસ્તાનનો ભાગ હતું તેથી ભારત સીધી રીતે દખલગીરી કરી શકે તેમ નહોતું તેથી ઈન્દિરાએ મુત્સદીગીરી વાપરીને મુક્તિ બાહિનીને પાછલા બારણે મદદ કરવા માંડી. મુક્તિ બાહિનીએ ગેરીલા સ્ટાઈલમાં હુમલા કરીને પાકિસ્તાની લશ્કરની ઊંઘ હરામ કરી નાખી. છ મહિના સુધી મુક્તિ બાહિનીને મદદ કરીને ભારતીય લશ્કરે પાકિસ્તાની લશ્કરને પરેશાન કરી દીધું એટલે જનરલ યાહ્યાખાનની ધીરજ ખૂટી. તેણે ડિસેમ્બર મહિનામાં ભારત પર હુમલો કરવાની મોટી ભૂલ કરી નાખી ને ભારતીય લશ્કરે આ તક ઝડપી લીધી.
પાકિસ્તાને હુમલાની શરૂઆત પૂર્વ તથા ઉત્તરના મોરચે હુમલાથી કરી. ભારતને ભિડવવા પાકિસ્તાને પશ્ચિમ સરહદ પર પણ હુમલો કરી દીધો. પાકિસ્તાની લશ્કરે ગુજરાત સરહદે પણ હુમલા કર્યા. પાકિસ્તાનના સેબર જેટ્સે કચ્છમાં નેપામ બોમ્બ પર બોમ્બ ઝીંકવા માંડ્યા. ભારતે જડબાતોડ જવાબ આપીને પાકિસ્તાનને આક્રમણને છિન્નભિન્ન કરી નાખ્યું.
આ પણ વાંચો…પુતિન યુક્રેન સાથે સમજૂતી માટે તૈયાર! ટ્રંપ સાથે ફોન પર વાત કરી
ભારતીય લશ્કરે પાકિસ્તાન એરફોર્સના આક્રમણને મારી હઠાવ્યા પછી બાંગ્લાદેશ તરફ કૂચ શરૂ કરી. ૧૬મી ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ ઢાકા પર કબજો કરીને ભારતે પાકિસ્તાની લશ્કરને હરાવ્યું. પાકિસ્તાની લશ્કરના કમાન્ડર જનરલ નિયાઝીએ ભારતના જનરલ જગજીતસિંહ અરોરા સામે ૯૩ હજાર સૈનિકા સાથે શરણાગતિ સ્વીકારી એ સાથે જ આ યુદ્ધ સમાપ્ત થઈ ગયું.
ભારત માટે આ બહુ મોટી જીત હતી ને એ માટે ગર્વ અનુભવવાનો ભારતને પૂરો અધિકાર છે. બાંગ્લાદેશ ભલે ઉપકાર પર અપકાર કરીને ભારતને ખાલી સાથી ગણાવે પણ એ સાથી ના હોત તો આજે બાંગ્લાદેશ પણ ના હોત એ વાસ્તવિકતાને કોઈ બદલી નહીં શકે.