અલંગથી સરતાનપરના દરિયામા ઓઇલ ઢોળાયા બાદ માછીમારી ઠપ્પઃ અલંગના પ્લોટને આપી નોટીસ
ભાવનગરઃ ભાવનગર જિલ્લાના અલંગ શિપ બ્રેકીંગ યાર્ડને લઈ અનેકોનેક વખત પર્યાવરણને નુકશાન કરતી વસ્તુઓ વહાવી દેવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠતી આવી છે. તળાજાના સરતાનપર બંદરના દરિયા કિનારે સહિત બારેક કી.મી ના દરિયાઈ વિસ્તારમા ચાર દિવસ પહેલા કાળા કલરનું જામેલું પ્રવાહી કિનારે અને પાણીમા દરિયો ખેડવા ગયેલા માછીમારોને જોવા મળ્યું હતુ. એ કેમિકલના કારણે અનેક માછીમારની જાળને નુકશાન થવાની સાથે દરિયાઈ જીવ સૃષ્ટિ અને પર્યાવરણને નુકશાન થયું હતું.
અલંગ શિપ બ્રેકીંગ યાર્ડને લઈ અનેકોનેક વખત દરિયાઈ જીવ,પશુ પંખી અને પર્યાવરણ ને નુકશાન કરતી વસ્તુઓ ગેરકાયદેસર રીતે વહાવી દેવામાં આવતી હોવાની ફરિયાદો છતાંય જવાબદાર અધિકારીઓ ની બે જવાબદારી ના પાપે અલંગ થી સરતાનપર સુધીના કિનારે અને દરિયાઈ પાણીમા કાળા કલરના કેમિકલ ના કારણે માછલીઓ અને પંખીઓ મરી રહ્યા છે. માછીમારોની જાળપણ નકામી થઈ ગઈ છે.
તપાસનીશ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ
આ ઘટનાના અહેવાલને પગલે તળાજા મામલતદાર,જીપીસીબી તથા અન્ય તપાસનીશ એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બે જ દિવસની તપાસમા ભાવનગર સ્થિત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ વિભાગે શોધી કાઢ્યું હતું કે, આ કાળા કલરનું કેમિકલ અલંગ પ્લોટ નં.૩૫ માંથી આવેલું છે. સત્તાવાર સુત્રોએ કહ્યું હતું કે, પ્લોટ નં.35ને નોટીસ આપીને ત્રણ દિવસમા જવાબ આપવા માટે હુકમ કરવામાં આવ્યો છે. વડી કચેરીએ તૈયાર કરેલો રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે.
આ બનાવ કઈ રીતે બન્યો અને ક્યાં પ્રકારનું કેમિકલ છે તેના જવાબમાં તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે, પ્લોટ 35માં જહાજ બાજુમા પડેલ જહાજ સાથે ટક્કર થતા એન્જીન ગાળાનું ઓઇલ વહી ગયું હતું. ત્રણ દિવસમા ઢોળાયેલા ઓઇલ મુદ્દે સંચાલક જવાબ રજૂ કરે ત્યારબાદ આગળની કાર્યવાહી થશે.
માછીમારીને અસર
બીજીબાજુ માછીમારોની વેદના હતી કે, દોઢસોથી વધુ બોટ ધારકોને આર્થિક રીતે મોટું નુકસાન જઇ રહ્યું છે. ત્રણ દિવસથી માછીમારી કરવા જઇ શકાય તેમ નથી, માછલીઓ મળી રહી નથી. હજુ વીસેક દિવસ સુધી માછીમારી વ્યવસાયને તકલીફ પડશે તેવો અંદાઝ લગાવાઈ રહ્યો છે. માછીમારોની લાખો રૂપિયાની કિંમતની દરિયામાં બિછાવેલ જાળોને નુકશાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.