પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ૧૧ આતંકવાદી ઠાર
પેશાવરઃ પાકિસ્તાની સુરક્ષા દળોએ ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ત્રણ અલગ-અલગ ઓપરેશનોમાં ૧૧ આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ માહિતી અધિકારીઓએ આપી હતી. પાકિસ્તાન સશસ્ત્ર દળોની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ(આઇએસપીઆર) અનુસાર આ ઓપરેશન ૧૭ અને ૧૮ ડિસેમ્બરના રોજ પ્રાંતના વિભિન્ન વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ પ્રથમ ઓપરેશન ટાંક જિલ્લામાં હાથ ધરાયું હતું.
ઓપરેશન દરમિયાન સાત આતંકીઓ માર્યા ગયા હતા. બીજું ઓપરેશન ઉત્તર વજીરિસ્તાન જિલ્લાના દત્તા ખેલમાં હાથ ધરાયું હતું, જ્યાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. મોહમંદ જિલ્લામાં વધુ બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયાર અને દારૂગોળો પણ મળી આવ્યો છે.
આ પણ વાંચો : બનાસકાંઠાનું મસાલી બન્યું દેશની સરહદ પરનું પ્રથમ સોલાર ગામ, પાકિસ્તાન માત્ર આટલું જ છે દૂર…
સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સિક્યોરિટી સ્ટડીઝ(સીઆરએસએસ) દ્વારા જારી કરાયેલા એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં ૨૦૨૪ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં(જુલાઇ-સપ્ટેમ્બર) આતંકવાદી હિંસા અને આતંકવાદ વિરોધી અભિયાનોમાં થનારા મોતમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે, જેમાં હિંસામાં ૯૦ ટકાનો વધારો થયો છે.
સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન નોંધાયેલી ૩૨૮ ઘટનાઓમાં નાગરિકો, સુરક્ષા કર્મચારીઓ અને ગુનેગારો સહિત કુલ ૭૨૨ લોકો માર્યા ગયા હતા. જ્યારે ૬૧૫ લોકો ઘાયલ થયા હતા. આમાંથી લગભગ ૯૭ ટકા મૃત્યુ ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં થયા છે. જે એક દાયકામાં સૌથી વધુ ટકાવારી છે. તેમજ આ પ્રાંતોમાં આતંકવાદી હુમલાઓ અને સુરક્ષા દળોની કાર્યવાહીની ૯૨ ટકાથી વધુ ઘટનાઓ નોંધવામાં આવી હતી.