અશ્વિનનું હોમ-સ્વીટ-હોમઃ ઘરઆંગણે સર્વશ્રેષ્ઠ વિજેતા અને હવે ઘરે પરિવાર પાસે પાછો આવી ગયો
ભારતના વિજયોમાં અશ્વિનની 300 વિકેટનો વિક્રમઃ સ્પિન-લેજન્ડના નામે બીજા ઢગલાબંધ રેકૉર્ડ છે
ચેન્નઈઃ તામિલનાડુનું ચેન્નઈ શહેર અઠવાડિયાથી ખેલકૂદમાં બે રીતે સૌથી ચર્ચામાં છે. ગુરુવાર, 12મી ડિસેમ્બરે ચેન્નઈનો 18 વર્ષનો ટીનેજ ચેસ સુપરસ્ટાર ડી. ગુકેશ ચીનના ડિન્ગ લિરેનને હરાવીને ચેસ જગતનો સૌથી યુવાન વર્લ્ડ ચૅમ્પિયન બન્યો હતો. બુધવાર, 18મી ડિસેમ્બરે ચેન્નઈના રવિચન્દ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અચાનક જ નિવૃત્તિ લઈ લીધી હતી. ગુકેશ સિંગાપોરથી વિશ્વ વિજેતાપદની ટ્રોફી લઈને ચેન્નઈ પાછો આવ્યો છે, જ્યારે સ્પિન-લેજન્ડ અશ્વિને રિટાયરમેન્ટ લઈને હોમ-ટાઉન ચેન્નઈમાં પુનરાગમન કર્યું છે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર: રોહિત-વિરાટ અશ્વિનમાંથી પ્રેરણા લે તો સારું
જોકે અહીં આપણે માત્ર અશ્વિનની જ વાત કરીશું. એક જાણીતી ક્રિકેટલક્ષી વેબસાઇટના આંકડા-આધારિત અહેવાલ મુજબ અશ્વિન માટે બે રીતે હોમ-સ્વીટ-હોમનું સમીકરણ બન્યું છે. એક તો તે 2011ની સાલમાં ટેસ્ટમાં ડેબ્યૂ કર્યા પછી ઘરઆંગણે એકેએક ટેસ્ટ (65 ટેસ્ટ) રમ્યો છે જેમાંથી 47 ટેસ્ટમાં ભારતે વિજય મેળવ્યો છે. બીજું, અશ્વિન હવે હોમમાં એટલે કે ઘરે પરિવાર પાસે પાછો આવી ગયો છે અને હવે રિટાયરમેન્ટ પછી માર્ચ-મે દરમ્યાન માત્ર આઇપીએલમાં જ રમવાનો હોવાથી વર્ષો પછી ઘરે પરિવાર સાથે મહિનાઓની મોજ માણશે.
આ પણ વાંચો: અશ્વિને જ્યારે ઇન્ડોર નેટમાં સપોર્ટ સ્ટાફના દરેક પાસે બોલિંગ કરાવી…
અશ્વિને કુલ 765 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી હતી તેમ જ કુલ મળીને 4,400 જેટલા રન બનાવ્યા હતા. ટેસ્ટ-ક્રિકેટમાં તેણે છ સેન્ચુરી ફટકારી હતી તેમ જ તેના નામે 23 સિક્સર તથા 399 ફોર પણ લખાઈ છે.
અજબ અશ્વિનના ગજબના આંકડા પર એક નજર….
(1) આર. અશ્વિન 2011માં ટેસ્ટમાં ડેબ્યૂ કર્યા બાદ (બુધવાર, 18મી ડિસેમ્બર 2024 સુધીમાં) કુલ 106 ટેસ્ટ રમ્યો. એમાંથી 65 ટેસ્ટ એવી હતી જે ભારતમાં રમાઈ હતી. અશ્વિન ડેબ્યૂ બાદ ઘરઆંગણે તમામ (65) ટેસ્ટ રમ્યો છે. એમાંથી 47 ટેસ્ટમાં ભારતે વિજય માણ્યો છે. ભારતીય ક્રિકેટર્સમાં ઘરઆંગણે ટેસ્ટ-ક્રિકેટ રમીને સૌથી વધુ હોમ ટેસ્ટમાં વિજય માણ્યો હોય એમાં સચિન બાવન જીત સાથે પ્રથમ છે અને અશ્વિન 47 જીત સાથે બીજા નંબરે છે. ત્રીજા નંબરે કોહલી (39 જીત), ચોથા નંબરે પુજારા (38 જીત) અને પાંચમા નંબરે રવીન્દ્ર જાડેજા (35 જીત) છે.
(2) અશ્વિન ઘરઆંગણે તમામ (65) ટેસ્ટ રમ્યો એ બાબતમાં માત્ર ઇંગ્લૅન્ડનો ઍલિસ્ટર કૂક 89 ટેસ્ટ સાથે તેનાથી આગળ છે. અશ્વિને આ 65 ટેસ્ટમાં કુલ 383 વિકેટ લીધી છે જે ભારતીય બોલર્સમાં વિક્રમ છે.
(3) અશ્વિને ટેસ્ટમાં 537 વિકેટ લીધી હતી એ સાથે તે ભારતીયોમાં અનિલ કુંબલે (619) પછી બીજા નંબરે છે. વિશ્વભરમાં સૌથી વધુ ટેસ્ટ-વિકેટ લેનારાઓમાં અશ્વિન સાતમા સ્થાને છે. તેની આગળના છ સ્થાને મુરલીધરન (800), શેન વૉર્ન (708), જેમ્સ ઍન્ડરસન (704), કુંબલે (619), સ્ટુઅર્ટ બ્રૉડ (604) અને ગ્લેન મૅકગ્રા (563) છે.
(4) અશ્વિને 37 વખત ટેસ્ટના દાવમાં પાંચ કે વધુ વિકેટ લીધી હતી. એકમાત્ર મુથૈયા મુરલીધરન (67) તેનાથી આગળ છે.
(5) ઘરઆંગણે અશ્વિને 29 વખત એક ઇનિંગ્સમાં પાંચ કે વધુ વિકેટ લીધી હતી. વિશ્વમાં ફક્ત મુરલીધરન (45) તેનાથી આગળ છે.
(6) ઘરઆંગણે જીતી હોય એવી ટેસ્ટ મૅચોમાં અશ્વિનની વિકેટનો આંકડો 303 છે. એકમાત્ર મુરલીધરન (305 વિકેટ) તેનાથી આગળ છે.
(7) બૅટિંગની બાબતમાં અશ્વિન બે રીતે વિદેશી ખેલાડીના વિશ્વ વિક્રમથી જરાક જ પાછળ છે. ટેસ્ટમાં અશ્વિને છમાંથી ચાર સેન્ચુરી બૅટિંગના આઠમા કે એનાથી નીચલા નંબરે રમીને ફટકારી હતી. ભૂતપૂર્વ કિવી કૅપ્ટન ડેનિયલ વેટોરી પાંચ સદી સાથે તેનાથી એક ડગલું આગળ છે. અશ્વિને સેન્ચુરીવાળી છમાંથી ચાર ટેસ્ટમાં પાંચ કે વધુ વિકેટ પણ લીધી હતી. ફક્ત ઇંગ્લૅન્ડનો ઇયાન બૉથમ પાંચ સદી સાથે તેનાથી એક ડગલું આગળ છે.
(8) અશ્વિનની કુલ 106 ટેસ્ટમાં ભારત 61 ટેસ્ટમાં વિજયી થયું હતું. ફક્ત સચિન (72 ટેસ્ટમાં વિજય) અને કોહલી (62 ટેસ્ટમાં વિજય) તેનાથી આગળ છે.
(9) અશ્વિનની હાજરીવાળી ટેસ્ટ મૅચોમાંથી 57.55 ટકા ટેસ્ટમાં ભારતનો વિજય થયો હતો. એ રીતે વિશ્વમાં તે છઠ્ઠા નંબરે છે. તેનાથી આગળ જે ખેલાડીઓ છે એમાં હેડન (68.93 ટકા), મૅકગ્રા (67.74 ટકા), લૅન્ગર (66.67 ટકા), પૉન્ટિંગ (64.29 ટકા) અને શેન વૉર્ન (563.45 ટકા)નો સમાવેશ છે.
(10) અશ્વિનની 537માંથી 374 વિકેટ ભારતે જીતેલી ટેસ્ટ મૅચોમાં નોંધાઈ હતી. એ રીતે તે ભારતીયોમાં મોખરે અને વિશ્વમાં પાંચમા સ્થાને છેઃ વૉર્ન (510), મુરલીધરન (438), મૅકગ્રા (414) અને જેમ્સ ઍન્ડરસન (384).
(11) ભારત જેમાં જીત્યું હોય એવી ટેસ્ટ-મૅચોમાં અશ્વિનની 300 વિકેટ સામેલ છે અને તે એકમાત્ર ભારતીય બોલર છે જેના 300 શિકાર ભારતે જીતેલી મૅચોમાં સામેલ છે.
(12) ભારતે જીતી હોય એવી ટેસ્ટ-મૅચોમાં અશ્વિને 31 વખત પાંચ કે વધુ વિકેટની સિદ્ધિ મેળવી હતી જે ભારતીય રેકૉર્ડ છે. વિશ્વમાં એકમાત્ર મુરલીધરન (41 વખત) તેનાથી આગળ છે.
(13) અશ્વિનની 537માંથી 69.65 ટકા વિકેટો ભારતના વિજયવાળી ટેસ્ટ મૅચોમાં સામેલ હતી. માત્ર મૅકગ્રા (73.53 ટકા), બે્રટ લી (72.58) અને શેન વૉર્ન (72.03) તેનાથી આગળ છે.
(14) અશ્વિનની છમાંથી પાંચ સેન્ચુરી એવી ટેસ્ટમાં હતી જેમાં ભારતનો વિજય થયો હતો. છઠ્ઠી ટેસ્ટ ડ્રૉમાં પરિણમી હતી.
(15) અશ્વિન ટેસ્ટમાં 11 વખત મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર જીત્યો હતો. તે મુરલીધરન સાથે આ સંયુક્ત વિશ્વવિક્રમ ધરાવે છે.
(16) અશ્વિને 200 ટેસ્ટ ઇનિંગ્સમાં 54 વખત ભારત વતી બોલિંગની શરૂઆત કરી હતી અને 180 વિકેટ લીધી હતી.
(17) અશ્વિને 537માંથી 268 ટેસ્ટ વિકેટ લેફ્ટ-હૅન્ડ બૅટર સામે લીધી હતી જે વિશ્વવિક્રમ છે. જેમ્સ ઍન્ડરસન (221) તેના બાદ બીજા સ્થાને છે. અશ્વિને 269 વિકેટ રાઇટ-હૅન્ડ બૅટર સામે લીધી હતી.
(18) અશ્વિને કુલ 765 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી હતી અને ભારતીયોમાં ફક્ત અનિલ કુંબલે (953 વિકેટ) તેનાથી આગળ છે.