ગેટવે ઓફ ઈન્ડિયા દુર્ઘટનાઃ ભાઇને શોધવા હૉસ્પિટલના ધક્કા ખાવા ભાઈ બન્યો લાચાર
મુંબઈ: ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે નૌકાદળની અને ફેરી બોટ ‘નીલ કમલ’ વચ્ચે બુધવારે થયેલી ટક્કર બાદ બે વ્યક્તિ હજી પણ ગુમ છે ત્યારે જોગારામ ભાટી (૬૦) આ દુર્ઘટના બની ત્યારથી પોતાના ભાઇની શોધ માટે એક હૉસ્પિટલથી બીજી હૉસ્પિટલમાં ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે. બે દિવસથી તેઓ સુતા પણ નથી.
મુંબઈના રહેવાસી હંસરામ ભાટી (૪૩) રાજસ્થાનથી આવેલા તેમના સંબંધીઓ સાથે એલિફન્ટાની ગૂફા ફરવા જઇ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસ તપાસ માટે કોલાબા પોલીસ સ્ટેશન આવેલા જોગારામે પત્રકારોને જણાવ્યું હતું કે મારો ભાઇ મલાડમાં રહે છે અને ઇમિટેશન જ્વેલરીનું કામ કરે છે. હંસરામનો સાળો પ્રવીણ રાઠોડ અને તેની પત્ની નીતુ રાજસ્થાનથી આવ્યા હતા. તેઓને મુંબઈ ફરાવવા માટે હંસરાજ લઇ ગયા હતા. બુધવારે બપોરે બે વાગ્યે તેઓ ગેટવે ઓફ ઈન્ડિયા પહોંચ્યા હતા અને એલિફન્ટા જવા માટે ફેરી કરી હતી.
અકસ્માત બાદ બચાવ કાર્ય દરમિયન પ્રવીણ અને નીતુએ રાજસ્થાનમાં તેમના સંબંધીઓને આ દુર્ઘટના અંગે ફોન પર વાત કરી હતી. ‘રાજસ્થાનથી મને આ વિશે જણાતા હું ગેટવે ઓફ ઈન્ડિયા પર સાંજે ૪.૧૫ કલાકે પહોંચ્યો હતો. પ્રવીણ અને તેની પત્ની બચી ગયા, પણ મારો ભાઇ ગુમ હતો’, એમ જોગારામે જણાવ્યું હતું.
સરકારી નોકરીની માગણી
મૃતકોમાં સામેલ ગોવંડીના દીપક વાકચુરે (૫૦)ના સંબંધીએ મૃતકોના પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની માગણી કરી હતી. તેણે દાવો કર્યો હતો કે મૃતકનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો ત્યારે તેને પહેરેલી સોનાની ચેન ગાયબ હતી. કોલાબા પોલીસે આ અંગે તેમને ફરિયાદ નોંધાવવાની સલાહ આપી છે.