ઇલેક્ટ્રિક વ્હીકલ્સ સેક્ટરમાં 5 કરોડથી વધુ નોકરીનું સર્જન થશેઃ ગડકરીએ કર્યો મોટો દાવો
નવી દિલ્હીઃ ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ્સનું બજાર ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આજે કહ્યું હતું કે દેશના ઈલેક્ટ્રિક વ્હીકલ્સ સેક્ટરમાં 2023 સુધીમાં લગભગ 5 કરોડ નોકરીઓનું સર્જન થશે.
ગડકરીએ જણાવ્યું હતું કે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના બજારની ક્ષમતા 2030 સુધીમાં 20 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની સંભાવના છે. પીટીઆઈના અહેવાલ અનુસાર, કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું હતું કે 2030 સુધીમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ફાઈનાન્સ માર્કેટનું કદ 4 લાખ કરોડ રૂપિયાની આસપાસ હશે.
આ પણ વાંચો: ઓટોમોબાઈલ સેક્ટરને દિવાળીઃ એક મહિનામાં પાંચ લાખથી વધુ કાર વેચાઈ…
એક રિપોર્ટ અનુસાર, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીએ કહ્યું હતું કે ભારતમાં 40 ટકા વાયુ પ્રદૂષણ ટ્રાન્સપોર્ટ સેક્ટરને કારણે થાય છે. ભારત 22 લાખ કરોડ રૂપિયાના અશ્મિભૂત ઇંધણની આયાત કરે છે, જે એક મોટો આર્થિક પડકાર છે.
ઇંધણની આ આયાત આપણા દેશમાં ઘણી સમસ્યાઓ ઊભી કરી રહી છે. ગડકરીના જણાવ્યા અનુસાર, સરકાર ગ્રીન એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે કારણ કે ભારતનો 44 ટકા વીજળીનો વપરાશ સૌર ઊર્જામાંથી થાય છે.
ગડકરીએ કહ્યું હતું કે અમે આપણા હાઇડ્રો પાવર પછી સૌર ઉર્જા, ગ્રીન એનર્જી, ખાસ કરીને બાયોમાસમાંથી ઉર્જા ઉત્પાદનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યા છીએ. સૌર ઉર્જા એ આપણા બધા માટે એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે.
આ પણ વાંચો: આવી ગઇ દેશની નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી, ભારત ઈલેક્ટ્રિક વાહનો બનાવશે
તેમણે કહ્યું હતું કે ભારતમાં ઈલેક્ટ્રિક બસોની અછત છે. આપણા દેશને એક લાખ ઈલેક્ટ્રીક બસોની જરૂર છે, પરંતુ આપણી ક્ષમતા 50,000 બસોની છે. તે કંપનીઓને વિનંતી કરે છે કે તેમની ફેક્ટરીનું વિસ્તરણ કરવાનો આ યોગ્ય સમય છે.
સાથે જ ગડકરીએ ઓટોમોબાઈલ કંપનીઓને ઈલેક્ટ્રિક વાહનોની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન કરવા પણ જણાવ્યું હતું. ગડકરીએ કહ્યું કે જ્યારે તેમણે 2014માં પરિવહન મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે ભારતના ઓટોમોબાઈલ ઉદ્યોગનું કદ 7 લાખ કરોડ રૂપિયા હતું.
આજે ઓટોમોબાઈલ સેક્ટરનું કદ 22 લાખ કરોડ રૂપિયા છે. આપણે વિશ્વમાં ત્રીજા નંબર પર છીએ. આપણે જાપાનને પાછળ છોડી દીધું છે. અમેરિકાના ઓટોમોબાઈલ ઉદ્યોગનું કદ 78 લાખ કરોડ રૂપિયા છે ત્યારબાદ ચીન (47 લાખ કરોડ રૂપિયા) અને ભારત (22 લાખ કરોડ રૂપિયા) છે.