ગુજરાતમાં NRI ડિપોઝીટ સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં 1 લાખ કરોડ પાર, ગત વર્ષ કરતાં 14 ટકાનો વધારો
અમદાવાદઃ વિશ્વમાં યુદ્ધના માહોલ વચ્ચે ભારતીય શેરબજારમાં રેકોર્ડ બ્રેક તેજી છવાયેલી રહેતા દેશના લોકોએ જંગી રોકાણ કર્યું હતું. એટલું જ નહીં એનઆરઆઈ લોકો પણ રોકાણ કરવા મુદ્દે આકર્ષિત થયા હતાં. ગુજરાતમાં એનઆરઆઈ ડિપોઝિટનો આંક એક લાખ કરોડ પાર કરી ગયો છે.
સ્ટેટ લેવલ બેંકર્સ કમીટીના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં એનઆરઆઈઓની થાપણ સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં જ એક લાખ કરોડને પાર થઈ ગઈ હતી. જે ગત વર્ષની સરખામણીએ 14 ટકાનો વધારો સૂચવે છે. ચાલુ વર્ષે એનઆરઆઈ ડિપોઝીટનો આંકડો 1.01 લાખ કરોડ થયો છે તે ગત વર્ષે 89057 કરોડ હતો.
આ પણ વાંચો: NRIને પરણીને વિદેશ સ્થાયી થયેલી 5000થી વધુ મહિલાઓની ફરિયાદો મળી: વિદેશ મંત્રાલય
સ્ટેટ લેવલ બેંકર્સ કમીટીના સીનીયર અધિકારીએ કહ્યું કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે એનઆરઆઈઓ દ્વારા વધુ નાણા મોકલવામાં આવ્યા છે તે પાછળ અનેકવિધ કારણો જવાબદાર છે. વિશ્વસ્તરે અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો હોવાને કારણે ભારતીયોએ સુરક્ષા માટે પણ ભારતમાં નાણાં રાખવાનો વ્યુહ અપનાવ્યો છે. આ સિવાય રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રોમાં પણ રોકાણ નોંધાયું છે.
આ પણ વાંચો: વિદ્યાર્થીઓ માટે રાહત: મેડીકલ અને ડેન્ટલ માટે NRI કવોટામાં પણ પ્રવેશ અપાશે
ભારતીય શેરબજાર સપ્ટેમ્બર સુધી જોરદાર તેજીમાં જ હતુ ત્યારે એનઆરઆઈ દ્વારા જબરદસ્ત રોકાણ આવ્યું હતું. જેથી ભારતમાં એનઆરઆઈને ભરોસો હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. સંપતિ વધારવા માટે તેઓ ભારતમાં રોકાણ વધી રહ્યા છે. એસોસીએશન ઓફ નેશનલ એકસચેંજ મેમ્બર્સ ઓફ ઈન્ડિયાના ડાયરેકટર વૈભવ શાહે કહ્યું કે કોરોના બાદ ભારતીય શેરબજારે જોરદાર રિટર્ન આપ્યુ છે અને આવનારા વર્ષોમાં પણ આવી જ આશા સેવાઈ રહી છે.
વૈશ્વિક અર્થતંત્ર સંકટથી ઘેરાયેલુ છે. યુદ્ધ અને તનાવનો માહોલ છે ત્યારે ભારતમાં રોકાણ સુરક્ષિત હોવાનુ માનવા ઉપરાંત રીટર્ન પણ મળવાના આશાવાદથી એનઆરઆઈના રોકાણ વધારી રહ્યા છે. મુખ્યત્વે મ્યુચ્યુઅલ ફંડ મારફતે ઈન્વેસ્ટમેન્ટમાં વધારો થઈ રહ્યો છે.