બોલો, કલ્યાણમાં નજીવા કારણોસર સસરાએ જમાઈ પર કર્યો એસિડ એટેક
મુંબઈઃ ભારતમાં એસિડ એટેકના ઘણા કિસ્સાઓ બને છે. થોડા સમય પહેલા આ વિષયને લઈને એક ફિલ્મ પણ આવી હતી. મહારાષ્ટ્રના કલ્યાણમાં નજીવા કારણસર સસરાએ જમાઈ પર એસિડ એટેક કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
અહીં, નજીવા કારણોસર ગુસ્સે થયેલા સસરાએ તેના નવા પરણેલા જમાઈ પર એસિડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં જમાઈ ગંભીર રીતે ઘાયલ થયો હતો, ત્યાર બાદ તેને કલ્યાણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઘટના બાદથી સસરા ફરાર છે. બજારપેઠ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઇબાદ ફાળકે તેના પરિવાર સાથે કલ્યાણ પશ્ચિમમાં રહે છે. એક મહિના પહેલા ઇબાદના લગ્ન આ જ વિસ્તારમાં રહેતા ઝકી ખોટાલની પુત્રી સાથે થયા હતા. લગ્ન બાદ ઇબાદ હનીમૂન માટે કાશ્મીર જવા માંગતો હતો અને તેની તૈયારીઓ પણ કરી હતી. પરંતુ સસરા ઝકી ખોટાલે તેમના જમાઈને કાશ્મીર નહીં પરંતુ નમાઝ માટે મક્કા અને મદીના જવા કહ્યું. આ બાબતને લઈને સસરા ઝકી અને જમાઈ ઈબાદ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો હતો. ઝકી એ વાતે નારાજ હતો કે એનો જમાઈ તેની વાત સાંભળતો નથી.
આ પણ વાંચો : દક્ષિણ મુંબઈના ત્રણ મોકાના પ્લોટ માટે પાલિકા ફરી ટેન્ડર બહાર પાડશે
બુધવારની રાત્રે લગભગ 8 વાગ્યે ઇબાદ કલ્યાણના લાલ ચોકી વિસ્તારમાંથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન નારાજ ઝકી રિક્ષામાં ઈબાદ પાસે આવ્યો અને ઈબાદ કંઈ સમજે તે પહેલા તેના પર એસિડ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈબાદ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
ઘટના બાદ ઈબાદને કલ્યાણની એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટના બાદ આરોપી સસરા ઝકી ખોટાલ ડરી ગયો અને ત્યાંથી ભાગી ગયો હતો. આ મામલે બજારપેઠ પોલીસે કેસ નોંધીને સસરાની શોધ શરૂ કરી છે.