ગાંધીનગરટોપ ન્યૂઝ

પાક નુકસાનઃ ગુજરાત સરકારે દોઢ મહિનામાં 7.15 લાખ ખેડૂતને બેંક ખાતામાં સહાય ચૂકવી

ગાંધીનગર: રાજ્યના ખેડૂતો પર ચાલુ વર્ષે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં વરસેલા ભારે વરસાદી સંકટથી અનેક ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું હતું. વરસાદ બાદ રાજ્ય સરકારે તાત્કાલિક સર્વે કરીને અસરગ્રસ્ત ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું.

આ અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે દાવો કર્યો છે કે માત્ર દોઢ મહિનાના સમયગાળામાં જ રાજ્ય આશરે 7.15 લાખથી વધુ ખેડૂતોને કુલ રૂ. 1372 કરોડથી વધુ સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવી દેવામાં આવી છે.

187.37 કરોડની સહાય ચૂકવાઈ

ગત જુલાઈ માસમાં થયેલા ભારે વરસાદમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવા માટે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું.

આપણ વાંચો: ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, શિયાળુ પાકના વાવેતર માટે સરકાર આપશે સિંચાઈ માટે પાણી…

આ માટે 30 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર દરમિયાન ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં મળેલી અરજીઓ પૈકી 1.22 લાખથી વધુ ખેડૂતોને નિયમો અનુસાર મળવાપાત્ર સહાય ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વધારાની રૂ. 42.85 કરોડ સહાયને મળીને કુલ 187.37 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

20 જિલ્લા માટે ખાસ કૃષિ રાહત પેકેજ

આ ઉપરાંત ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ દરમિયાન થયેલા ભારે વરસાદમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, તાપી, કચ્છ, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરુચ, જૂનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુરને મળી કુલ 20 અસરગ્રસ્ત જિલ્લાઓ માટે પણ ખાસ કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું.

ખાસ કૃષિ રાહત પેકેજની સહાય પણ ચૂકવી

તે ઉપરાંત ખાસ કૃષિ રાહત પેકેજ માટે અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી પણ 25 ઓકટોબરથી 10 નવેમ્બર સુધી અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં મળેલી અરજીઓ પૈકી 5.93 લાખથી વધુ ખેડૂતોને મળવાપાત્ર સહાય ઉપરાંત વધારાની રૂ. 271.15 કરોડ સહાય મળી કુલ રૂ. 1184.66 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. માત્ર દોઢ મહિનામાં જ સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવી છે તેમ કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button