ભુજ

પડોશીઓ પર આંધળો વિશ્વાસ કરતા પહેલા કચ્છનો આ કિસ્સો વાંચી લેજો

ભુજઃ પહેલો સગો પાડોશીના ન્યાયે આપણે આસપાસના લોકો સાથે સારો સંબંધ કેળવીએ તે જરૂરી છે, પરંતુ પૈસાની લેતીદેતી કે અન્ય કોઈ બાબતે પાડોશી સાથે સંબંધો રાખવામાં તકેદારી રાખવી જોઈએ. આ વાતને સાચો સાબિત કરતો એક કિસ્સો કચ્છમાં બન્યો છે.

કચ્છના માંડવી તાલુકાના મોટા ભાડિયાના ભેજાબાજ દંપતીએ ગામમાં રહેતી વિવિધ મહિલાઓનો વિશ્વાસ કેળવીને લગ્નપ્રસંગમાં પહેરવાના બહાને સોનાના ઘરેણાં મેળવી લઈને તેના પર ગોલ્ડ લોન કરાવીને રોકડી કરી લીધી હોવાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે.

મોટા ભાડિયામાં રહેતી ૩૦ વર્ષીય લાંછબાઈ લક્ષ્મણ હરિ માલમ (ગઢવી) એ બનાવ અંગે ફળિયામાં રહેતી દેવલ મધુડા (ગઢવી) અને તેના પતિ નાથા નારાણ મધુડા સામે કોડાય પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત શ્રાવણ માસમાં લાંછબાઈના ઘરે આવેલી દેવલે પોતાની બહેનની દીકરીના લગ્ન પ્રસંગે પહેરવા માટે સોનાના દાગીના માંગી એક અઠવાડિયામાં પાછાં આપી દેશે તેમ જણાવ્યું હતું. મહિલા પર ભરોસો કરીને ફરિયાદીએ તેને ૪.૨૫ લાખના મૂલ્યના વિવિધ પ્રકારના ૭ ઘરેણાં પ્રસંગમાં પહેરવા પૂરતાં આપ્યાં હતાં.

આપણ વાંચો: અંજારમાં નિઃસંતાન દંપતીના ઘરમાંથી પરિચિત મહિલાએ ચોર્યાં ૯.૩૦ લાખના ઘરેણાં !

અઠવાડિયા પછી ફરિયાદીએ દેવલ પાસે દાગીના પરત માંગતા તેણે નાણાંની જરૂર ઊભી થઈ હોઈ પતિએ તે દાગીના માંડવીમાં ગોલ્ડ ફાઈનાન્સમાં ગીરવે મૂકીને લોન મેળવી હોવાનું જણાવી પૈસાની સગવડ થયે બનતી ઝડપે દાગીના છોડાવીને પાછા આપી દેશે તેવો વાયદો કર્યો હતો.

ત્યારબાદ છેલ્લા એક માસથી અચાનક આ દંપતી ગામમાંથી પલાયન કરી ગયા હતા. ફરિયાદીએ ગામમાં રહેતી મોટી બહેન નાગશ્રી નાગાજણ ગઢવીને દેવલ અંગે પૂછપરછ કરતાં નાગશ્રીએ જણાવ્યું કે નવરાત્રીમાં પ્રસંગમાં પહેરવાના નામે દેવલ તેની પાસેથી ૩.૧૫ લાખની કિંમતના પાંચ દાગીના લઈ ગઈ અને પાછળથી તેના પતિના નામે ગીરવે મૂકીને ગોલ્ડ લોન મેળવી લીધી હોવાનું જણાવ્યું હતું.

આપણ વાંચો: રાપરમાં એક સાથે આઠ મંદિરોના તાળાં તૂટયા! ઘરેણાં-દાનપેટી ચોરાઇ: ભાવિકોમાં રોષ…

ફરિયાદીએ પોતાના સગાં-વહાલાં અને ગામના અન્ય લોકોને પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તેની ફોઈના દીકરાની પત્ની ખીમશ્રી ખેંગાર ગઢવી પાસેથી પણ આવું બહાનું કરીને દેવલે એક લાખના ઘરેણાં લઈ જઈને ગોલ્ડ લોન મેળવી લીધી છે.

દેવલે આ જ બહાને ગામમાં રહેતા દેવલબેન નારાણ થરીયા (ગઢવી) પાસેથી ૩.૫૦ લાખના મૂલ્યની ૭ તોલાની સોનાની ચાર બંગડી મેળવી ગોલ્ડ લોન મેળવી લીધી છે. તો, નાગઈબેન માણેક ગઢવી પાસેથી પચાસ હજારના મૂલ્યના દાગીના અને રોશનબેન અસલમ હુસેન જુણેજાની ૨૫ હજારની પોંચી મેળવીને તેના પર ગોલ્ડ લોન મેળવી રોકડી કરી ગઈ છે.

ફરિયાદીએ સ્વજનો સાથે માંડવી જઈ તપાસ કરતાં જાણવા મળ્યું છે કે, દેવલે તેના પતિના નામે ૧૨.૬૫ લાખના દાગીના ગીરવે મૂકીને લોન મેળવી રોકડી કરી લીધી હતી!.

ગામની અન્ય ઘણી મહિલાઓ પણ દેવલની છેતરપિંડીનો ભોગ બની છે. પોલીસે ગુનો નોંધી રિયલ લાઈફના ‘બંટી ઔર બબલી’ દેવલ અને તેના પતિને શોધવા તપાસ હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button