સુરતમાં બ્રેઈનડેડ વ્યક્તિના મૃત્યુ બાદ સાત લોકોને આપ્યું જીવતદાન
સુરત: અંગદાનનું મહત્વ હવે ધીમે ધીમે લોકોમાં સમજાતું થઈ ગયું છે અને તેનાથી અનેક લોકોના જીવનમાં પરીવર્તન પણ આવ્યા છે. ગઇકાલે સુરતમાં બ્રેઈન ડેડ વ્યક્તિના હૃદય, કિડની, લીવર અને આંખોનું દાન કરીને સાત લોકોને નવજીવન બક્ષ્યુ છે. શહેરના કતારગામની વિશાલનગર સોસાયટીમાં રહેતા હિતેશભાઈને માથામાં દુખાવો, ઉલ્ટી અને ચાલવામાં તકલીફના કારણે તા.10 ડિસેમ્બરના રોજ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ક્યાં સારવાર બાદ 16 તારીખના રોજ બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.
હ્રદયનું અમદાવાદમાં દાન
ત્યારબાદ મૃટ્કના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું કે મૃત્યુ પછી પણ બ્રેઈન ડેડ વ્યક્તિ જરૂરિયાતમંદ લોકોનો જીવ બચાવી શકે છે. પરિવારની સંમતિ બાદ અંગદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. દાનમાં મળેલું હૃદય અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ગુજરાતના મહેસાણામાં રહેતા 47 વર્ષીય વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. મૃતકના ફેફસાંનું દાન દિલ્હીના 60 વર્ષના વૃદ્ધને કરવામાં આવ્યું, હરિયાણાના ગુડગાંવમાં 37 વર્ષીય વ્યક્તિનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું, સુરતની કિરણ હોસ્પિટલમાં બે જરૂરિયાતમંદ લોકોને બે કિડની અને આંખોનું દાન સુરતની લોકદૃષ્ટિ આઇ બેંકમાં કરવામાં આવ્યું હતું.
સુરત પોલીસે બનાવ્યો ગ્રીન કોરિડોર
નોંધનીય છે કે હૃદય અને ફેફસાને અમદાવાદ અને હરિયાણા પહોંચાડવા માટે સુરત પોલીસ દ્વારા હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી બે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા હતા. આ રીતે એક બ્રેઈન ડેડ વ્યક્તિએ સાત લોકોને નવું જીવન આપ્યું છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી અત્યાર સુધીમાં 1272 અંગોનું દાન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : બ્રિટનમાં પ્રેમિકાની કરી હત્યા ને હવે સુરત જેલમાં સજા કાપશે, જાણો ચોંકાવનારો કેસ?
અંગદાનોએ બચાવ્યા અનેકના જીવ
સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસાં, હાથ અને નાનું આંતરડાને દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર, અમદાવાદ, બેંગલોર, હૈદરાબાદ, કલકત્તા જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદુપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી અત્યાર સુધીમાં કુલ 1272 અંગોનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં 516 કિડની, 225 લીવર, 55 હૃદય, 52 ફેફસાં, 9 સ્વાદુપિંડ, 5 હાથ, 1 નાનું આંતરડું અને 409 ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ 1169 વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે.