મોદી સરકારને તોડી પાડવા કેજરીવાલનો મોટો દાવ! જાણો પત્રમાં શું લખ્યું
નવી દિલ્હી: લોકસભામાં ગૃહ પ્રધાન અમિત શાહે ડૉ.બાબા સાહેબ આંબેડકર વિષે કરેલી ટીપ્પણીઓ અંગે વિરોધનો વંટોળ ઉભો (Amit Shah’s remark on Baba Saheb Ambedkar) થયો છે, કોંગ્રેસ આજે દેશવ્યાપી પ્રદર્શન કરી રહી છે. બાકીના પક્ષો પણ જોરદાર વિરોધ દાખવી રહ્યા છે. એવામાં આમ આદમી પાર્ટી (AAP)ના વડા અને દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આ મામલે અલગ જ વલણ અપનાવ્યું છે. કેજરીવાલે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને પત્ર લખીને કેન્દ્રની NDA સરકારના સમર્થન પાછું ખેંચવા માટે વિચારણા કરવા (Kejriwal’s Letter) કહ્યું છે.
આમ કરીને કેજરીવાલ કેન્દ્ર સરકારને તોડી પાડવા ઈચ્છે છે, લોકસભામાં ભાજપ પાસે 240 બેઠકો છે. કેન્દ્રમાં સરકાર બનાવી રાખવા માટે ભાજપને નીતિશ કુમારની જેડીયુ અને નાયડુની ટીડીપીનું સમર્થન મળી રહે એ જરૂરી છે.
પત્રમાં શું લખ્યું:
નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને લખેલો પત્ર કેજરીવાલે સાર્વજનિક કર્યો છે. જેમાં તેમણે સંસદમાં અમિત શાહના નિવેદનનો ઉલ્લેખ કરતા આરોપ લગાવ્યો કે ગૃહપ્રધાન બાબા સાહેબનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું કે તેનાથી દેશભરના કરોડો લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. અમિત શાહે પોતાના નિવેદન માટે માફી માંગવાને બદલે તેને યોગ્ય ઠેરવી છે. વડાપ્રધાને પણ તેમને જાહેરમાં સમર્થન આપ્યું હતું.
કેજરીવાલે આગળ લખ્યું કે, ‘લોકોને એ વાતની ખબર પાડવા લાગી છે કે લોકો બાબા સાહેબનું સન્માન કરે છે તે બીજેપીને સમર્થન ન આપી શકે. બાબા સાહેબ માત્ર એક નેતા નથી પરંતુ રાષ્ટ્રના આત્મા સમાન છે. ભાજપના આ નિવેદન પછી લોકો અપેક્ષા રાખે છે કે તમે (નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ) આ મુદ્દે ઊંડાણપૂર્વક વિચારશો.’
અરવિંદ કેજરીવાલે એક દિવસ પહેલા બીજેપી હેડક્વાર્ટર પાસે પ્રદર્શન પણ કર્યું હતું. તેમણે રસ્તા પર ધરણા કર્યા અને કહ્યું કે તેઓ દિલ્હીમાં ઘરે ઘરે જવાના છે.
અમિત શાહ શું કહ્યું:
ઉલ્લેખનીય છે કે બંધારણ પર સંસદમાં ચર્ચા દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહ બાબા સાહેબ ભીમરાવ આંબેડકર પ્રત્યે કોંગ્રેસના વલણની ટીકા કરી રહ્યા હતા. તેમના દ્વારા કરવામાં આવેલી એક ટિપ્પણી અંગે વિપક્ષે વાંધો ઉઠાવ્યો અને ભાજપને ઘેરી. વિપક્ષે અમિત શાહ પર બંધારણના નિર્માતાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો.
અમિત શાહની સ્પષ્ટતા:
જેના જવાબમાં બુધવારે સાંજે પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહે પોતાનો ખુલાસો રજૂ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષી પાર્ટીઓ તેમના ભાષણને ખોટી રીતે રજુ કરી રહી છે. અમિત શાહે મીડિયાને તેમનું સમગ્ર નિવેદન બતાવવાની અપીલ કરી હતી. ભાજપનો આરોપ છે કે અમિત શાહની 12 સેકન્ડની વીડિયો ક્લિપને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે અને તેમનું આખું નિવેદન બતાવવામાં આવી રહ્યું નથી.