મુંબઈ: આજે ગુરુવારની સવારે ભારતીય શેરબજારે રોકાણકારોને નિરાશ (Indian Share market) કર્યા, બજાર ખુલતાની સાથે જ BSE સેન્સેક્સ 1000થી વધુ પોઈન્ટ્સ ગગડ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી પણ 300 પોઈન્ટનો તુટ્યો હતો.
આ શેરોમાં ઘટાડો:
શેરબજાર ખુલતાની સાથેના સેન્સેક્સના 30 શેરોમાંથી 28 ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતાં અને માત્ર 2માં વધારો જોવા મળ્યો. નિફ્ટીના 50 શેરોમાંથી 47 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતાં અને માત્ર 3 શેર જ વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતાં.
BSE પર ઈન્ફોસિસ 2.49 ટકા, SBI 2.14 ટકા, HCL ટેક 1.93 ટકા, ટેક મહિન્દ્રા 1.85 ટકા, બજાજ ફિનસર્વ 1.67 ટકા, ટાટા સ્ટીલ 2.01 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. માત્ર HUL અને ITCના શેર જ વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. BSE પર કુલ 3306 શેર ટ્રેડ થઈ રહ્યા છે, જેમાંથી 841 શેર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતાં, જ્યારે 2354 શેર ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યા હતાં.
રોકાણકારોના નાણા ધોવાયા:
શેરબજારમાં ઘટાડાને કારણે રોકાણકારોને આજે સવારે 3 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને રૂ. 449.34 લાખ કરોડ થયું છે જે ગયા સત્રમાં રૂ. 452.60 લાખ કરોડ હતું. એટલે કે આજના ટ્રેડમાં રોકાણકારોને રૂ.3.26 લાખ કરોડનું નુકસાન થયું છે.
ઘટાડાનું કારણ:
યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે બુધવારે વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. જેના કારણે ત્યાંના શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જેની અસર ભારતીય બજારો પર પણ પડી છે. સેન્સેક્સ ફરી 80000ની નીચે સરકી ગયો અને 946 પોઈન્ટના ઘટાડા સાથે 79,237 પર ટ્રેડ કરી રહ્યો હતો અને નિફ્ટી 291 પોઈન્ટના ઘટાડા સાથે 23,907 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો.
Also Read – Stock Market : યુએસ ફેડની બેઠક પૂર્વ શેરબજારની ઘટાડા સાથે શરૂઆત, સેન્સેકસ -નિફ્ટીમાં ઘટાડો
વૈશ્વિક શેર બજારોમાં પણ અસર:
2025માં યુએસ ફેડના રેટ કટને કારણે વિશ્વભરના શેરબજારોને અસર થઇ છે. મોટા ભાગના એશિયન બજારોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. S&P 500 અને Nasdaqમાં લગભગ 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 2.58 ટકા ઘટીને બંધ રહ્યો હતો. આ સાથે, યુએસ ડોલરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. યુએસ ફેડના નિર્ણયો પછી, યુએસ ડોલર લગભગ 2 વર્ષમાં તેના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે.