દક્ષિણ મુંબઈના ત્રણ મોકાના પ્લોટ માટે પાલિકા ફરી ટેન્ડર બહાર પાડશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં મોકાની જગ્યા ગણાતા સ્થળે ત્રણ જમીનના પ્લોટની હરાજી કરવાનો મુંબઈ મહાનગરપાલિકાની યોજના નિષ્ફળ ગઈ છે. પ્લોટની ખરીદી માટે એક પણ બિડર આગળ આવ્યો નહોતો. તેથી પાલિકાએ ફરીથી ટેન્ડર બહાર પાડવાની યોજના બનાવી છે. ત્રણથી વધુ નામાંકિત કંપનીઓએ આ પ્લોટ ખરીદવામાં રસ દેખાડયો હતો અને તેઓએ પાલિકા સાથે બેઠક પણ કરી હતી. પરંતુ બાદમાં તેઓએ જમીન ખરીદવામાં માટે બિડ ભરી જ નહોતી.
બિડ પહેલા ૧૨ નવેમ્બરના ૧૨ બિડર સાથે આ પ્લોટને મુદ્દે બેઠક યોજાઈ હતી, જેમાં અમુક બિડરોએ આ પ્લોટ કોસ્ટલ રેગ્યુલેટરી ઝોન (સીઆરઝેડ-બે)ની શ્રેણીમાં આવતા હોવા બાબતે સવાલ ઉપસ્થિત કર્યા હતા. પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ એ સમયે બેઠક દરમિયાન તેમણે કરેલા સવાલોના જવાબ તેમને આપી દેવામા આવ્યા હતા. છતાં ૧૬ ડિસેમ્બર સુધી એક પણ કંપની આગળ આવી નહોતી. આ પ્લોટ રિઝર્વ શ્રેણીમાં આવતો હોવાથી મોટાભાગની કંપનીઓ પીછેહટ કરી હોવાનું અમારું અનુમાન છે.
તેથી આ સમસ્યાનો ઉકેલ લાવવાનો અમે પ્રયાસ કરી રહ્યા છે. આ સમસ્યા હોવા છતાં પાલિકાએ જોકે આ પ્લોટ માટે રી-ટેન્ડરિંગ કરવાનો નિર્ણય લીધો હોવાનું પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ કહ્યું હતું. જે પ્લોટની લિલામી કરવામાં આવવાની છે, તેમાં ક્રોફર્ડ માર્કેટમાં છત્રપતિ શિવાજી માર્કેટ નજીકની સાઈટ છે. અહીં બીએમસી ઓફિસર અને હોલસેલ માર્કેટ હતી, જેને ૨૦૧૫માં તોડી પાડવામાં આવી હતી. બીજો પ્લોટ વરલીમાં ડામરનો પ્લોટ છે. ત્રીજો પ્લોટ મલબાર હિલમાં બેસ્ટ રિસિવિંગ સ્ટેશનનો ૨,૪૩૨ સ્કવેર મીટરનો છે.