સરહદ વિવાદ મુદ્દે ભારત-ચીન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક, આ મુદ્દાઓ પર બની સહમતી!
નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે સરહદના વિવાદ પર લાંબા સમયથી તણાવની સ્થિતી છે પણ હવે તે ઓછો થતો હોય તેમ જોવા મળી રહ્યો છે. ચીન-ભારત સીમા વિવાદ પર વિશેષ પ્રતિનિધિઓની 23મી બેઠક બુધવારે બેઇજિંગમાં યોજાઈ હતી. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે બુધવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર શાંતિ જાળવવા અને દ્વિપક્ષીય સંબંધો પુનઃસ્થાપિત કરવા પર વાતચીત થઈ હતી.
LAC પર શાંતિ જાળવવા પર ભાર
અજીત ડોભાલ અને વાંગ યી વચ્ચે વિશેષ પ્રતિનિધિ સ્તરની 23મા રાઉન્ડની વાટાઘાટો દરમિયાન, બંને નેતાઓએ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર શાંતિ અને સૌહાર્દ જાળવવા પર ભાર મૂક્યો હતો અને પૂર્વી લદ્દાખમાં લશ્કરી ગતિરોધને કારણે ચાર વર્ષથી વધુ સમયથી તણાવભર્યા દ્વિપક્ષીય સંબંધોના પુનઃસ્થાપન સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
દ્વિપક્ષીય સંબંધો પુનઃસ્થાપિત કરવા પર ભાર
આ વર્ષે 21 ઓક્ટોબરે ભારત અને ચીન વચ્ચે LAC પર પેટ્રોલિંગની વ્યવસ્થા પર એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર હેઠળ, બંને દેશોની સેનાઓ એલએસી પર તેમની વર્તમાન સ્થિતિઓથી પીછેહઠ કરશે. વિશ્લેષકોનું માનવું છે કે પૂર્વી લદ્દાખમાં એલએસીમાંથી સૈનિકો હટાવવાની 21 ઓક્ટોબરની સમજૂતી બાદ હવે બંને દેશો દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે ઘણા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ પણ વાંચો : પાટનગરમાં PM Modiને શરદ પવાર મળ્યા, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા?
સીમા મુદ્દાના ઉકેલ માટે પ્રતિબધ્ધતા
ભારત અને ચીને 2005માં બંને દેશોના વિશેષ પ્રતિનિધિઓ દ્વારા 2005માં સીમા મુદ્દાના ઉકેલ પર સંમત થયેલા રાજકીય માર્ગદર્શિકા અનુસાર સીમા મુદ્દાના નિષ્પક્ષ, ઉચિત અને પરસ્પર સ્વીકાર્ય એવા પેકેજ ઉકેલ મેળવવા માટે પોતાની શોધ ચાલુ રાખવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. બંને દેશો આ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા માટે સકારાત્મક પગલાં લેશે.
તીર્થયાત્રા માટે પણ સંમત
ભારત અને ચીન સહમત થયા કે બંને પક્ષો સીમા પારના આદાનપ્રદાન અને સહયોગને મજબૂત કરવાના પ્રયત્નોને યથાવત રાખશે. આ સાથે, બંને દેશો ભારતીય તીર્થયાત્રીઓની તિબેટ, ચીનની યાત્રાને પ્રોત્સાહન આપવા, ક્રોસ બોર્ડર નદી સહકાર અને નાથુલા સરહદ વેપાર ફરી શરૂ કરવા સંમત થયા હતા.
ચીન-ભારત વર્કિંગ મિકેનિઝમ
ભારત અને ચીન વિશેષ પ્રતિનિધિઓની વ્યવસ્થાનું નિર્માણ કરવા અને તેને મજબૂતી આપવા પર સંમત થયા છે. આ સાથે, રાજદ્વારી અને સૈન્ય વાટાઘાટોમાં સંકલન અને સહયોગ વધારવા અને સરહદી બાબતો પર પરામર્શ અને સંકલન માટે ચીન-ભારત વર્કિંગ મિકેનિઝમ (WMCC)ને લાગુ કરવાની જરૂરિયાત પર સહમતિ બની છે.