આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઉતાવળે કોઈ નિર્ણય નહીં, ઓબીસી નેતાઓને મળીશ: છગન ભુજબળ…

નાશિક: મહારાષ્ટ્રના નવા પ્રધાનમંડળમાં સ્થાન ન મળતાં તેમના આગામી પગલાં અંગે અટકળો વચ્ચે, એનસીપીના નારાજ નેતા છગન ભુજબળે બુધવારે કહ્યું હતું કે, તેઓ ઉતાવળે કોઈ નિર્ણય લેશે નહીં.

આ પણ વાંચો : Kurla Killer Bus Accident: ડ્રાઈવરના મેડિકલ ટેસ્ટના રિપોર્ટ જાણી લો

તેમણે કહ્યું હતું કે, ‘સંભવિત ભાવિ પગલું’ મુંબઈમાં ઓબીસી નેતાઓ સાથે ચર્ચા કર્યા પછી લેવામાં આવશે.

નાશિકમાં સમર્થકોને સંબોધતાં ભુજબળે ‘ઓબીસી સાથે અન્યાય’ સામે રસ્તા પર ઉતરીને લડવાની જાહેરાત કરી હતી.
દેવેન્દ્ર ફડણવીસની કૅબિનેટમાંથી બાકાત રાખવામાં આવ્યા બાદ રવિવારથી નારાજ ભુજબળે ફરી એકવાર એનસીપીના વડા અજિત પવાર પર આને માટે તેમને જવાબદાર ઠેરવીને ટીકા કરી હતી.

‘હું એક કે બે દિવસમાં મુંબઈ જઈશ અને દેશ અને મહારાષ્ટ્રના ઓબીસી નેતાઓને મળીશ. તેમની સાથે ચર્ચા પછી (મારે) કદાચ આગળનું પગલું ભરવું પડશે,’ એમ તેમણે અખિલ ભારતીય મહાત્મા ફૂલે સમતા પરિષદની એક સભાને સંબોધતા કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ઉતાવળે કામ કરીને પ્રશ્ર્નોનું નિરાકરણ લાવી શકાતું નથી અને નિર્ણય વિચારપૂર્વક લેવો પડશે.

(એનસીપીના કાર્યકારી પ્રમુખ) પ્રફુલ્લ પટેલ અને (રાજ્ય એકમના પ્રમુખ) સુનિલ (તટકરે)એ મને (કેબિનેટમાં) સામેલ કરવામાં આવે તે માટે ખૂબ પ્રયાસો કર્યા હતા. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ છેલ્લી ઘડી સુધી મારા સમાવેશ માટે આગ્રહ રાખ્યો હતો, પરંતુ મને સામેલ કરવામાં આવ્યો નહીં,’ એમ ભૂતપૂર્વ ખાદ્ય પુરવઠા રાજ્યકક્ષાના પ્રધાને બુધવારે કહ્યું હતું.

આ મુદ્દો ઓબીસીના ગૌરવનો છે, કૅબિનેટમાંથી મને બાકાત રાખવાનો નથી.

‘હું ઘણી વખત મંત્રી બન્યો અને વિરોધ પક્ષમાં પણ બેઠો હતો. હું નાખુશ નથી પણ ઓબીસીનું અપમાન મને દુ:ખ પહોંચાડે છે. (ઓબીસી) સમુદાયના મુદ્દાઓને ઉકેલવા માટે કોણ ઢાલ તરીકે કામ કરશે? હું ઓબીસી હિત માટે મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોનો પ્રવાસ કરીશ,’ એમ તેમણે રેલીમાં કહ્યું હતું.

‘ચૂંટણીઓ હજુ પૂરી થઈ નથી. સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ થવાની છે. ભૂલશો નહીં કે તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં ઓબીસીના સમર્થનથી મહાયુતિની ભવ્ય સફળતાનો માર્ગ મોકળો થયો, ઉપરાંત લડકી બહિન યોજનાની ભૂમિકા પણ હતી,’ એમ તેમણે કહ્યું હતું.

ભુજબળે દાવો કર્યો કે તેમને દેશભરમાંથી ફોન આવી રહ્યા હતા જેમાં તેમને ઓબીસીને મજબૂત બનાવવા માટે વિનંતી કરવામાં આવી હતી.

‘ભલે હું પ્રધાન ન હોઉં, પણ હું મારા છેલ્લા શ્વાસ સુધી ઓબીસીના હિત માટે લડીશ અને કોઈના દબાણનો શિકાર નહીં બનું. આપણી સમસ્યાઓ માટે સાથે ઉભા રહો. વધુ આફતોનો સામનો કરવા તૈયાર રહો, હું તમારી સાથે રહીશ,’ એમ તેમણે પોતાના સમર્થકોને અપીલ કરી.

આ પણ વાંચો : અમિત શાહની આંબેડકર પર ટિપ્પણી સામે વિપક્ષનું વોકઆઉટ

ભુજબળે પુનરોચ્ચાર કર્યો કે તેઓ મરાઠાઓને અલગ શ્રેણી હેઠળ અનામત આપવાના વિરોધમાં નથી પરંતુ ઓબીસી ક્વોટામાં તેમના સમાવેશનો વિરોધ કરે છે. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button