મહાકુંભ માટે રાજકોટ અને મહારાષ્ટ્રમાંથી દોડાવાશે ‘ભારત ગૌરવ’ વિશેષ ટ્રેન…
રાજકોટ: મહાકુંભને લઈને રેલવેએ પણ વિશેષ તૈયારીઓ કરી છે. મુસાફરોની સુવિધા માટે અને મહાકુંભ મેળા 2025 દરમિયાન મુસાફરોની વધારે ભીડને ધ્યાનમા રાખીને પશ્ચિમ રેલવેએ ચાર ભારત ગૌરવ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. મહાકુંભ માટે દોડનાર 4 ભારત ગૌરવ ટ્રેનમાંથી 2 ટ્રેન પુણેથી, એક મુંબઈથી, એક ટ્રેન રાજકોટથી અને એક ટ્રેન નાગપુરથી દોડાવવામાં આવશે.
ટૂરની સાથે ટેન્ટ સિટીનો લાભ
પ્રયાગરાજમાં જાન્યુઆરી મહિનામાં મહાકુંભ 2025નું આયોજન થવા જઈ રહ્યું છે, જેની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા પધારશે. આ વિશાળ અને ભવ્ય કાર્યક્રમમાં આવનારા લોકોની સુવિધા માટે IRCTCએ સ્પેશિયલ ટ્રાવેલ પેકેજ અને સાથે જ અહીં ટેન્ટ સિટી બનાવવાની યોજના બનાવી છે.
આ પણ વાંચો : અયોધ્યામાં ચાલી રહેલા આ કામને લીધે આ ટ્રેનો રદઃ જાણો વિગતો
રાજકોટ-મુંબઈથી મળશે સેવા
મહાકુંભ 2025 માટે IRCTCએ રજૂ કરેલા સ્પેશિયલ ટ્રાવેલ પેકેજમાં ચાર ટ્રેન મહારાષ્ટ્રથી જ્યારે એક ટ્રેન રાજકોટથી ઉપડશે. આ વિશેષ ટ્રેનો અંતર્ગત 2 ટ્રેન પુણેથી શરૂ થશે અને મુંબઈ થઈને બનારસ જશે. ઉપરાંત એક ટ્રેન રાજકોટથી અને એક ટ્રેન નાગપુરથી ચલાવવામાં આવી રહી છે, જેથી લોકો આરામથી પ્રયાગરાજની મુસાફરી કરી શકે અને કુંભ મેળા 2025નો આનંદ માણી શકે.
ગંગા ઘાટ પાસે મળશે જ ટેન્ટ સિટીનો લાભ
IRCTCએ જણાવ્યું હતુ કે આ ટેન્ટ સિટી ઘાટની ખૂબ જ નજીક હશે, તેથી ટેન્ટમાં રહેતા લોકોએ ગંગામાં સ્નાન કરવા માટે દૂર જવું પડશે નહીં. ટેન્ટ સિટીની સાથે IRCTC એ મહાકુંભ માટે વિવિધ ટૂર પેકેજો પણ તૈયાર કર્યા છે, જેમાં રેલ મુસાફરી, હવાઈ પેકેજ અને મહાકુંભ પુણ્ય ક્ષેત્ર યાત્રાનો સમાવેશ થાય છે. આ પેકેજમાં મુસાફરોને વારાણસી, પ્રયાગરાજ, અયોધ્યા અને અન્ય મુખ્ય ધાર્મિક સ્થળો પર લઈ જશે.