યે અંદર કી બાત હૈ.. કોણે અજિત પવારને ‘નોટ રિચેબલ’ થવાની સલાહ આપી અને શા માટે?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કેબિનેટ વિસ્તરણમાં હાજરી આપનાર નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર ત્યારપછી અચાનક ‘નોટ રિચેબલ’ થઈ ગયા હતા. ત્યારે એવી ચર્ચા શરૂ થઈ હતી કે અજિત પવાર કેબિનેટમાં ઓછા હિસ્સાને કારણે અને નાણાં ખાતું મેળવવાની કોઈ ગેરંટી ન મળવાને કારણે અચાનક નોટ રિચેબલ થઈ ગયા છે, પરંતુ હવે તેમના અચાનક ગાયબ થવા પાછળ વરિષ્ઠ નેતા છગન ભુજબળની નારાજગી હોવાનું જાણવા મળી રહ્યું છે. કેબિનેટમાં સ્થાન ન મળવાથી ભુજબળ ખૂબ નારાજ છે અને નાગપુરમાં વિધાનસભાનું સત્ર છોડીને નાશિક પાછા જતા રહ્યા છે.
છગન ભુજબળે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પર સીધા નિશાન સાધવાનું શરૂ કર્યું હતું. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે છેવટ સુધી મારા નામનો આગ્રહ રાખ્યો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ જ મને આવી માહિતી આપી હતી એવો દાવો કરતાં ભુજબળે કહ્યું હતું કે, મને કેબિનેટમાંથી પડતા મુકાયા બાદ વિપક્ષી પાર્ટીઓ સહિત ભાજપમાંથી પણ ઘણા લોકોએ આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું હતું.
આ પણ વાંચો: કેબિનેટ વિસ્તરણઃ છગન ભૂજબળને આંચકો, ફડણવીસની ટીમમાં સ્થાન નહીં મળ્યું
ભુજબળ જેમ અજિત પવાર પર ટીકા કરી રહ્યા હતા તેની વચ્ચે જો તેઓ જાહેર સ્થળે જાય, તો મીડિયાના પ્રતિનિધિઓ દ્વારા આકરા સવાલોનો સામનો કરવો પડશે અને તેઓએ જવાબ આપવો પડશે. આ સ્થિતિને ધ્યાનમાં રાખતાં અજિત પવારને એવી સલાહ આપવામાં આવી હતી કે નોટ રિચેબલ થઈ જવું સારું રહેશે. આથી જ અજિત પવાર નાગપુરમાં હોવા છતાં બંગલામાંથી બહાર આવ્યા ન હતા. ડિઝાઇન બોક્સ નામની કંપની અજિત પવારની પાર્ટીની પીઆર વ્યૂહરચના સંભાળે છે અને તેના દ્વારા જ અજિત પવારને આવી સલાહ આપવામાં આવી હોવાનું પવારના નજીકના સૂત્રો પાસેથી જ જાણવા મળ્યું છે.
ખુદ મુખ્ય પ્રધાન ફડણવીસે મને પ્રધાનપદું આપવાનો આગ્રહ રાખ્યો હતો. તેમ છતાં, હું શોધી રહ્યો છું કે મને કોણે મારું પત્તું કટ કર્યું, એમ ભુજબળે અજિત પવારની મજાક ઉડાવતા કહ્યું હતું. ભુજબળે એવો દાવો કર્યો હતો કે ફડણવીસ તેમના જેવા બહુજન સમાજના નેતાને પ્રધાનપદ આપવાના વિરોધમાં નહોતા. તેમણે આડકતરી રીતે કહ્યું હતું કે કેબિનેટમાંથી પત્તું કપાવા માટે અજિત પવાર જવાબદાર છે.
આ પણ વાંચો: કેબિનેટ વિસ્તરણઃ ભાજપમાં બાવનકુળે, એનસીપીમાં હસન મુશ્રીફ અને શિંદેસેનામાં ગુલાબરાવ પાટીલ નંબર-ટૂ નેતા
રવિવારે કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. તે પછી, અજિત પવાર સોમવારથી વિધાન ભવનમાં આવ્યા નહોતા. તેઓ મંગળવારે પણ આવ્યા નહોતા. આખરે બે દિવસ પછી બુધવારે અજિત પવાર વિધાનસભામાં દેખાયા હતા. નાગપુરમાં રહેલા અજિત પવારે બે દિવસ સુધી પોતાનો બંગલો છોડ્યો ન હતો. ભુજબળને કેબિનેટમાં સ્થાન ન આપવાનો નિર્ણય એકલા અજિત પવારનો હતો કે પછી તેમણે તેમના નજીકના સહયોગીઓ સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો હતો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
અજિત પવાર પક્ષના માત્ર બે જ નેતાઓની વધુ સલાહ લેતા હોય છે એવી માહિતી આપતાં તેમના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમાંથી એક રાજ્યના વર્તમાન પ્રધાન છે.