ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, શિયાળુ પાકના વાવેતર માટે સરકાર આપશે સિંચાઈ માટે પાણી…
ગાંધીનગરઃ ગુજરાતમાં શિયાળુ પાકની ખેતી કરતા ખેડૂતો માટે મોટા સમાચાર છે. ગુજરાતના ખેડૂતો નિશ્ચિંત થઈને શિયાળુ પાકોનું વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવાનો ફેંસલો લેવામાં આવ્યો હતો. હાલ ગુજરાતના તમામ જળાશયોમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
આ પણ વાંચો : ગુજરાત સરકારે 2025 ના વર્ષને જાહેર કર્યું “જનજાતિય ગૌરવ વર્ષ”
આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠક બાદ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાલુ વર્ષ ૨૦૨૪ દરમિયાન થયેલા સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સહિત રાજ્યના મુખ્ય ૨૦૭ જળાશયોમાં પાણીની મબલખ આવક થઇ છે. હાલ ગુજરાતના ૨૦૭ જળાશયની કુલ સંગ્રહ ક્ષમતા સામે ૮૮ ટકા જેટલો એટલે કે, ૭.૮૫ લાખ MCFTથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે ગત વર્ષની સરખામણીએ ૪ ટકા વધુ છે.
સરદાર સરોવરમાં ૯૦ ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ
ઉત્તર ગુજરાતના જળાશયોમાં ૬૫ ટકા, મધ્ય ગુજરાતના જળાશયોમાં ૯૨ ટકા, દક્ષિણ ગુજરાતના જળાશયોમાં ૯૧ ટકા, સૌરાષ્ટ્રના જળાશયોમાં ૮૬ ટકા અને કચ્છના જળાશયોમાં ૬૨ ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં પણ ૯૦ ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના જળાશયોની પરિસ્થિતિને ધ્યાને લેતા સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોવાથી ખેડૂતોને શિયાળુ પાકના વાવેતરમાં સુગમતા રહેશે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.