કચ્છમાં ૫૫૩૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ, ૩૭ તેજસ્વીઓને ગોલ્ડ મેડલ…
ભુજઃ ભુજ શહેરના મુંદરા રોડ પર આવેલી ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીનો ૧૪મો પદવીદાન સમારોહ યોજાયો હતો.
આ પણ વાંચો : વેપારીઓના ફસાયેલા રૂપિયા પણ પોલીસ પરત અપાવશે, જાણો વિગત
આ સમારોહમાં ગુજરાત રાજ્યપાલ રાજયપાલ અને યુનિવર્સિટીના કુલપતિ ડો.મોહન પટેલની ઉપસ્થિતિમાં ૫૫૩૦ વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી એનાયત કરાઇ હતી. આ ઉપરાંત વિશેષ શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરનારા ૩૭ જેટલા છાત્રોને ગોલ્ડ મેડલ આપીને પ્રોત્સાહિત કરાયા હતા.
આ દિક્ષાંત સમારોહમાં દેવવ્રતજીએ શ્રેષ્ઠ કર્મને જીવનની પુંજી ગણાવીને ઉભરતા ભારતના વિકાસમાં સહયોગ આપવા યુવાઓને રાષ્ટ્રધર્મ, સમાજધર્મ અને પરિવારધર્મ નિભાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યપાલે ઉપસ્થિત છાત્રોને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યસ્થા ટૂંકા સમયમાં બન્યું છે અને હવે ત્રીજી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. દરેક ક્ષેત્રે વિકાસમાં અગ્રેસર ભારત આત્મનિર્ભર બની રહ્યું છે, આજે દેશની સીમાઓ વધુ સુરક્ષિત બની છે. આ સાથે તેમણે વિદ્યાર્થીઓને આજે ડિગ્રી મેળવવા સાથે પર્યાવરણ રક્ષણ, જળ વ્યવસ્થાપન, ભારતીય સંસ્કૃતિને અપનાવી વિશ્વમાં તેનો સંદેશ પાઠવવા, નશામુક્ત જીવન અપનાવવા તથા લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા સંકલ્પબધ્ધ થવા અપીલ કરી હતી.
આ પ્રસંગે અતિથિપદે વેદિક મિશન ટ્રસ્ટના સ્વામી ધર્મબંધુજીએ પ્રાસંગિક પ્રવચનમાં યુવાઓને વસતી વધારો, પાણીની તંગી, દરિયાની સપાટીમાં વધારો, ફુડ ઇનસિક્યોરીટી, કલાઇમેટ ચેન્જ તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ઉભા થનારા જીવનમાં આવનારા ભવિષ્યના પડકારો તેના પરિણામથી અવગત કરીને તેના સમાધાનમાં શું કરી શકાય તેનાથી અવગત કર્યા હતા.
કાર્યક્રમમાં ૩૭ ગોલ્ડ મેડાલીસ્ટોને રાજ્યપાલના હસ્તે ડિગ્રી સાથે મેડલ એનાયત કરાયા હતા. તેમજ પી.એચ.ડી કરેલા છાત્રોને પ્રોત્સાહિત કરાયા હતા. યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલે કચ્છ યુનિવસિર્ટીમાં થનારા આગામી આયોજનમાં મ્યુઝિયમ, ભારતીય જ્ઞાન પરંપરા કેન્દ્ર, મોલ, જીમ, કાફેટેરીયા વગેરેના નિમાર્ણ તથા પ્રગતિ હેઠળના વિકાસકામ જેવા કે સભાગૃહ, નવા પરીક્ષા ભવન વગેરે માહિતી પૂરી પાડી હતી.
આ પણ વાંચો : ભચાઉ પાસે પાસે બેકાબુ ટ્રેઈલર પેરાફીન ભરેલા ટેન્કર સાથે ટકરાયું…
૧૪માં પદવીદાન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે સામાજિક કાર્યકર આરઆર પટેલ, કલેકટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી એસકે પ્રજાપતિ, પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા, ભુજ પ્રાંત અધિકારી અનીલ જાદવ, રજિસ્ટ્રાર ડો.અનિલ ગોર, ઇસી સભ્યો, ફેકલ્ટી ડીન, કોલેજના આચાર્યશ્રીઓ, અધ્યાપકો, કર્મચારી ગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.