Kurla Killer Bus Accident: ડ્રાઈવરના મેડિકલ ટેસ્ટના રિપોર્ટ જાણી લો
મુંબઈ: કુર્લા બેસ્ટ અકસ્માતમાં બસ ડ્રાઇવર સંજય મોરેના મેડિકલ ટેસ્ટમાં જાણવા મળ્યું હતું કે તેને કોઇ પણ પ્રકારની માનસિક બીમારી નથી તથા અકસ્માતના સમયે તેણે દારૂ પણ પીધો નહોતો, એમ પોલીસે આજે જણાવ્યું હતું.
નવમી ડિસેમ્બરે કુર્લા વિસ્તારમાં બેસ્ટ દ્વારા ભાડેથી લેવામાં આવેલી ઇલેક્ટ્રિક બસ દ્વારા આઠ જણનો ભોગ લેવાયો હતો અને આ ઘટનામાં ૪૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. સંજય મોરે સામે બેદરકારી રીતે ડ્રાઇવિંગ કરવાનો તથા સદોષ મનુષ્યવધ હેઠળ ગુનો નોંધાયો છે. હાલમાં તે પોલીસ કસ્ટડીમાં છે.
આ પણ વાંચો : કુર્લા કિલર બસ અકસ્માતઃ મૃત્યુઆંક વધીને ૮ થયો, ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત
આ કેસની સુનાવણી શરૂ થાય તે પહેલા સાયનની સુધરાઇની હૉસ્પિટલમાં તેની સાયકોલોજિકલ ટેસ્ટ કરવામાં આવી હતી જેથી તે માનસિક રીતે સ્વસ્થ છે કે નહીં તે જાણી શકાય, એમ કુર્લા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
મોરેના મેડિકલ ટેસ્ટના અહેવાલમાં તેની માનસિક સ્થિતિ સારી હોવાની તથા કોઇ પણ માનસિક બીમારી પણ નહીં હોવાનું જણાયું હતું. આ સિવાય તેના બ્લડ ટેસ્ટ રિપોર્ટમાં અકસ્માત વખતે તેણે દારૂ પણ પીધો નહીં હોવાનું જણાયું હતું. અગાઉ મોરેએ બસની બ્રેક ફેઇલ થઇ હોવાનો દાવો કર્યો હતો, પરંતુ આરટીઓના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવતા બસની તમામ યંત્રણા બરાબર કામ કરી રહી હોવાનું જણાયું હતું.