વેપારીઓના ફસાયેલા રૂપિયા પણ પોલીસ પરત અપાવશે, જાણો વિગત
મોરબીઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (Gujarat CM Bhupendra Patel) નેતૃત્વમાં ગુજરાતમાં ઉદ્યોગકારોને સુરક્ષિત અને સલામત વાતાવરણ મળી રહ્યુ છે. વિશ્વમાં આગવી ઓળખ ધરાવતી મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીમાં (Morbi Ceramic Industry) ઉદ્યોગકારોને વિશ્વાસમાં લઈને થતી છેતરપિંડી અટકાવવા તથા ફસાયેલા નાણાં પરત અપાવવા સહિતની કાર્યવાહી માટે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં મોરબી જિલ્લા પોલીસ SIT (સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ) ની રચના કરવામાં આવી હતી.
આ S.I.T. દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન મોરબી સીરામીક તથા અન્ય ઉદ્યોગોના વેપારીઓના ફસાયેલા રૂ.૧૯ કરોડથી વધુ નાણા પરત કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, કરોડોનો ઉદ્યોગ અને લાખોની રોજગારી પુરી પાડવાની સાથે દેશમાં સૌથી ઝડપી વિકાસ પામનાર શહેર મોરબી છે, જે ગુજરાતનું હ્રદય છે. મોરબીના સૌ નાનામાં નાના વેપારીથી લઇને ઉદ્યોગપતિઓને તમામ પ્રકારનો સહયોગ આપી વેપાર-ઉદ્યોગને રક્ષણ આપવા સહિત જરૂરી બળ પુરૂ પાડવા રાજ્ય સરકાર હંમેશા તત્પર છે.
આપણ વાંચો: મોરબીના ધારાસભ્ય વિરુદ્ધ આક્ષેપ કરવા મુદ્દે અજય લોરિયા સામે ભાજપે કરી કાર્યવાહી, જાણો?
વેપારીઓને તાત્કાલીક પોલીસ મદદ મળે તેમજ તેમની ફરીયાદ અને રજુઆતો બાબતે ઝડપી કાર્યવાહી થાય તે માટે એક વર્ષ પહેલા રચાયેલી SITથી વેપારીઓને રક્ષણ તો મળ્યુ જ છે, સાથે સાથે SITની ટીમ કેરલ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ સહિતના વિવિધ રાજ્યોમાં આ તપાસ માટે પહોંચી ચુકી છે. જેને પરિણામે હવે ચીટર ટોળકીઓમાં ગભરાટ ઉભો થઇ ગયો છે અને ગુજરાતના વેપારીઓના ફસાયેલા રૂપીયા પરત આવવા લાગ્યા છે.
તેમણે વેપારીઓને વિશ્વાસ આપતા કહ્યુ કે, હજુ જે વેપારીઓના પૈસા ફસાયેલા છે અને અરજીઓ એસ.આઇ.ટી પાસે પેન્ડીંગ છે, તેના નિરાકરણ માટે આગામી સમયમાં એક મહિનાની મેગા ડ્રાઇવ ચલાવવામાં આવશે. એક્સ્ટ્રા ફોર્સ સાથે ટીમોને અલગ-અલગ રાજ્યોમાં તપાસ માટે મોકલી સૌ વેપારીઓના ફસાયેલા નાણાં પરત કરાવવામાં આવશે.
આપણ વાંચો: મોરબીમાં ભાજપમાં ઉકળતો ચરૂ, ધારાસભ્ય અમૃતિયા અને અજય લોરિયા આમને સામને
વેપારીઓને સલાહ આપતા કહ્યુ હતું કે, ધંધાની લાલચમાં એવા કોઇ ચીટર વેપારીઓને માલ ન આપવો જેના કારણે ભવિષ્યમાં રૂપિયા ફસાઇ જાય. પોલીસ તંત્ર વેપારીઓના સહયોગમાં જ છે પરંતુ કેટલીક તકેદારી વેપારીઓએ પણ રાખવી જોઇએ.
એસ.આઈ.ટી.ની રચના બાદ વેપારીઓ-ઉદ્યોગપતિઓના ફસાયેલા નાણા બાબતે અલગ અલગ રાજ્યના કુલ ૪૦૮ એકમો વિરુધ્ધ ૧૦૩ અરજીઓ એસ.આઇ.ટીને મળી હતી. જેને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી અને સિરામિક ઉદ્યોગ સહિતના ઉદ્યોગોના વિવિધ નાણાકીય વ્યવહારોમાં ફસાયેલા રૂ.૧૯ કરોડથી વધુ નાણા પરત કરાવ્યા હતા.