અમિત શાહની આંબેડકર પરની ટિપ્પણી: આ અનાદર સહનશીલતાની બધી હદો વટાવી ગયો છે: ઉદ્ધવ ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ બુધવારે ડો. બાબાસાહેબ આંબેડકર પરની કથિત ટિપ્પણી બદલ ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે આના પરથી ભાજપનો અહંકાર જોવા મળી રહ્યો છે અને તેમણે એવી માગણી કરી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમિત શાહ પર કાર્યવાહી કરવી જોઈએ.
ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર મહારાષ્ટ્રના આદરણીય વ્યક્તિત્વનું અપમાન કરવાનો અને રાજ્યનું મહત્વ ઘટાડવાનો આરોપ પણ લગાવ્યો હતો.
તેમણે ભાજપ પર મહારાષ્ટ્રના વારસા અને નેતાઓના મહત્ત્વને વ્યવસ્થિત રીતે ઘટાડવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, ‘છેલ્લા અઢીથી ત્રણ વર્ષથી, અને તે પહેલાં પણ, કેટલાક ભાજપના નેતાઓ મહારાષ્ટ્રના મહાનુભાવો અને દેવતાઓનું અપમાન કરી રહ્યા છે. આ અનાદર સહનશીલતાની બધી હદ વટાવી ગયો છે.’ એમ જણાવતાં તેમણે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની મહાત્મા જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે અને છત્રપતિ શિવાજી મહારાજ પરની વિવાદાસ્પદ ટિપ્પણીઓનો ઉલ્લેખ કર્યો હતો અને આમ છતાં ભાજપ તેમની સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યો હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, ‘હું કહું છું કે જેમણે ભાજપને ટેકો આપ્યો છે, શું તેમને આ સ્વીકાર્ય છે? તેમણે ગમે તેટલું ઉદ્ધત વર્તન કર્યું હોય, મને નથી લાગતું કે તેમને ઉપરથી કહેવામાં આવ્યું હશે. વડાપ્રધાન પાસે કોઈ માગણી કરનાર હું કોણ છું? શું થયું, શું તેઓ તેમની સામે પગલાં લેવા જઈ રહ્યા છે કે ખુદ વડાપ્રધાને અમિત શાહને આવું બોલવાનું કહ્યું હતું, એની તેમણે સ્પષ્ટતા કરવી જોઈએ’
ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે, ‘શું આ અમિત શાહનો અભિપ્રાય છે કે સમગ્ર પરિવારનો અભિપ્રાય છે. મોંમાં રામ અને બગલમાં છરી, આ ભાજપનું હિન્દુત્વ છે.’
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં EVM ખરાબ, ઝારખંડમાં બરાબરઃ કૉંગ્રેસ પર અમિત શાહના પ્રહાર
ડો. આંબેડકરનું નામ લેવું ફેશનેબલ બની ગયું છે એવી અમિત શાહની કથિત ટિપ્પણી પર બોલતાં ઠાકરેએ કહ્યું, ગૃહ પ્રધાને ભારતને તેનું બંધારણ આપનાર વ્યક્તિનું અપમાન કરીને કહ્યું કે આંબેડકર વિશે વાત કરવી ‘ફેશનેબલ’ બની ગઈ છે. આ ભાજપના દંભ અને રાષ્ટ્રીય પ્રતિમાઓ પ્રત્યેના તેમના ખોટા આદરનો પર્દાફાશ થઈ ગયો છે.
અમિત શાહે શું કહ્યું હતું?
વિરોધીઓ પર પ્રહાર કરતા અમિત શાહે મંગળવારે રાજ્યસભામાં કહ્યું હતું કે, ‘આજકાલ આંબેડકર આંબેડકર આંબેડકર કહેવાની ફેશન બની ગઈ છે. જો તમે ભગવાનનું આટલું નામ લીધું હોત તો તમે સાત જન્મો માટે સ્વર્ગમાં જતા હોત.’ આ નિવેદન બદલ વિપક્ષી પાર્ટીઓ અમિત શાહ પર પ્રહારો કરી રહી છે.
જો કે, અમિત શાહે આના પછી એમ પણ કહ્યું હતું કે, ‘અમને ખુશી છે કે લોકો આંબેડકરનું નામ લે છે. તેમનું નામ 100 વાર વધુ લો, પરંતુ હું તમને કહીશ કે આંબેડકરજી પ્રત્યે તમારી લાગણી શું છે.’ આંબેડકરજીએ દેશની પ્રથમ કેબિનેટમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે ‘હું અનુસૂચિત જાતિ અને જનજાતિ સાથેના ભેદભાવ સાથે અસંમત છું. હું વિદેશ નીતિ સાથે અસંમત છું. હું કલમ 370 સાથે અસંમત છું. એટલા માટે તેઓ કેબિનેટ છોડવા માંગતા હતા. તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ પાળવામાં આવ્યું ન હતું તેથી તેમણે રાજીનામું આપ્યું હતું.’