સ્પોર્ટસ

હાશ! હારતાં બચી ગયા, હવે બૉક્સિંગ-ડે ટેસ્ટ પર સૌની નજર

ટ્રેવિસ હેડ સતત બીજા મુકાબલામાં મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો

બ્રિસ્બેનઃ બોર્ડર-ગાવસકર ટ્રોફી ટેસ્ટ-સિરીઝની ત્રીજી મૅચમાં બુધવારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે ઑસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ પરાજયથી બચી ગઈ હતી. આવું કહેવા પાછળનું કારણ એ છે કે પ્રથમ દાવમાં 260 રનમાં આઉટ થઈ જનાર ટીમ ઇન્ડિયાને જીતવા ઓછામાં ઓછી 54 ઓવરમાં 275 રન બનાવવાનો લક્ષ્યાંક મળ્યો હતો અને ટૉપ બૅટિંગ-ઑર્ડર હાલમાં ફ્લૉપ હોવાને લીધે ભારતના પરાજયની સંભાવના વધુ હતી. જોકે ભારતનો બીજા દાવનો સ્કોર વિના વિકેટે આઠ રન હતો ત્યારે વરસાદ શરૂ થઈ ગયા પછી છેવટે મૅચને ડ્રૉ જાહેર કરવામાં આવી હતી.

ભારત અને ઑસ્ટ્રેલિયા આ શ્રેણીમાં 1-1ની બરાબરીમાં છે. હવે બે ટેસ્ટ બાકી છે જેમાં સાત દિવસના બે્રક બાદ મેલબર્ન ખાતેની આગામી ટેસ્ટ (બૉક્સિંગ-ડે ટેસ્ટ) 26મી ડિસેમ્બરે શરૂ થશે અને એના પર સૌની નજર રહેશે.

બુધવારના પાંચમા દિવસની રમત આગલા દિવસના 252/9ના સ્કોર પરથી શરૂ થઈ હતી અને ભારતીય ઇનિંગ્સમાં વધુ 24 બૉલ ફેંકાયા બાદ 260 રનના સ્કોર પર દાવ સમેટાઈ ગયો હતો.

ઑસ્ટ્રેલિયાએ 185 રનની સરસાઈ લીધી હતી અને આ મૅચમાં પરિણામ લાવવા કાંગારૂઓએ ઝડપથી રન બનાવીને ભારતને પડકારરૂપ ટાર્ગેટ આપવાનો પ્રયત્ન શરૂઆત કરી દીધો હતો. જોકે ભારતીય બોલર્સે પોતાની કાબેલિયત ફરી દેખાડી દીધી હતી અને 89 રનમાં તેમની સાત વિકેટ લીધી એ તબક્કે કૅપ્ટન પૅટ કમિન્સે દાવ ડિક્લેર કર્યો હતો અને મર્યાદિત સમયમાં ભારતને જીતવા 275 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. મૅચ પૂરી થયેલી જાહેર કરાઈ ત્યારે યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ ચાર-ચાર રને અણનમ રહ્યો હતો.

ભારતે 54 જેટલી ઓવરમાં 275 રનનો લક્ષ્યાંક મેળવવા પૂરો પ્રયત્ન કર્યો હોત, પરંતુ હવામાન સવારથી જ ખરાબ હતું. ટેસ્ટના પાંચમાંથી ફક્ત એક જ દિવસે (બીજા દિવસે) પૂરી રમત થઈ શકી હતી.

આ પણ વાંચો : બ્રિસ્બેનમાં વરસાદે શરૂઆત બગાડી, મેઘરાજા કદાચ બાકીના ચારેય દિવસ હેરાન કરશે

એ પહેલાં, ઑસ્ટ્રેલિયાને બીજા દાવમાં (ડિક્લેરેશન પહેલાં) 89/7 સુધી સીમિત રખાવવામાં જસપ્રીત બુમરાહ (18 રનમાં ત્રણ), મોહમ્મદ સિરાજ (36 રનમાં બે), આકાશ દીપ (28 રનમાં બે)ના સૌથી મોટા યોગદાન હતા.

ઑસ્ટ્રેલિયાના જે નવ બૅટરે બૅટિંગ કરી એમાં કૅપ્ટન પૅટ કમિન્સના બાવીસ રન હાઇએસ્ટ હતા. વિકેટકીપર ઍલેક્સ કૅરી 20 રને અને મિચલ સ્ટાર્ક બે રને અણનમ રહ્યો હતો. સૌથી ડેન્જરસ બૅટર ટ્રેવિસ હેડ (17 રન)ની વિકેટ મોહમ્મદ સિરાજે લીધી હતી. તેણે તેને વિકેટકીપર રિષભ પંતના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. નૅથન મૅક્સ્વીની (4), ફૉર્મ ગુમાવી ચૂકેલો ઉસમાન ખ્વાજા (8), માર્નસ લાબુશેન (1), મિચલ માર્શ (2) અને સ્ટીવ સ્મિથ (4) સાવ સસ્તામાં આઉટ થઈ ગયો હતો.

પ્રથમ દાવમાં 152 રન બનાવનાર ટ્રેવિસ હેડને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. ઍડિલેઇડની ડે/નાઇટ ટેસ્ટમાં પણ તેને જ આ પુરસ્કાર મળ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button