નેશનલ

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ પૂછ્યો પીએમ મોદીને આ સવાલ…

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઉત્તરાખંડના પિથૌરાગઢ પહોંચ્યા હતા અને અહીં તેમણે અર્ચના કુંડમાં પૂજા-અર્ચના કરી હતી. પરંતુ બીજી બાજું આ મોકાની નજાકત પારખીને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખરગેએ ગંગાજલ પર 18 ટકા જીએસટી લગાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાનો સાધ્યો હતો. ખરગેએ ટ્વીટર પર આ મામલે પોસ્ટ કરતાં લખ્યું હતું કે આ તો તમારી સરકારની લૂંટ છે અને પાખંડની પરાકાષ્ઠા છે. એટલું જ નહીં તેમણે આ ધાર્મિક ભાવના સાથે છેતરપિંડી પણ ગણાવી હતી.

મલ્લિકાર્જુન ખરગેએ આગળ એવું પણ લખ્યું હતું કે સામાન્ય ભારતીય માટે જન્મથી લઈને જીવનના અંત સુધીમાં મોક્ષદાયિની મા ગંગાનું એક આગવું મહત્ત્વ છે. તમે આજે ઉત્તરાખંડ આવ્યા છે એ સારી વાત છે પણ તમારી સરકારે તો પવિત્ર ગંગાજલ પર જ 18 ટકા જીએસટી લગાવી દીધો છે. એક પણ વખત નહીં વિચાર્યુ કે જે લોકો ગંગાજલ ખરીદે છે તેમના પર કેટલો બોજો વધી જશે.

આ સાથે સાથે જ કોંગ્રેસ પાર્ટીએ વડા પ્રધાન મોદીને એવો સવાલ પણ પૂછ્યો હતો કે આજે તમે ઉત્તરાખંડ આવ્યા છો તો હિંસાની ચપેટમાં આવી ગયેલાં મણિપુરની મુલાકાતે ક્યારે જશો. કોંગ્રેસે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ જ સંબંધિત એક એનિમેટેડ વીડિયો પણ શેર કર્યો છે, જેમાં હિંસાગ્રસ્ત મણિપુર અને બળી ગયેલી લાશોને દેખાડવામાં આવી છે. વીડિયોના કેપ્શનમાં એવું લખ્યું છે કે પીએમ મોદી મણિપુર ક્યારે આવશે?
અત્રે ઉલ્લેખનીય છે કે ગંગાજલ પર જીએસટી લગાવવાના મોદી સરકારના નિર્ણય પર છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભુપેશ બઘેલ પણ સરકારને ઘેરી ચૂક્યા છે. તેમણે ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું ભાજપ બધી બાજુથી બસ પૈસા કમાવવા માગે છે અને એની સાથે સાથે જ તેમણે એવો સવાલ પણ ઉપસ્થિત કર્યો હતો કે શું લોકોએ પૂજા-પાઠ કરવાનું બંધ કરી દેવું જોઈએ. ભાજપ ધર્મની વાત કરે છે તો પછી તેમણે ગંગાજલ પર જીએસટી કેમ લગાવ્યું?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button