બિકાનેરઃ રાજસ્થાનના બિકાનેર મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં તોપાભ્યાસ વખતે મોટી દુર્ઘટના ઘટી છે. તોપાભ્યાસ વખતે બોમ્બ ફૂટવાની ઘટના ઘટી હતી, જેમાં બે જવાન શહીદ થયા છે, જ્યારે એક જણને ગંભીર ઈજા પહોંચી છે.
મળતી માહિતી અનુસાર આ બનાવ મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જના નોર્થ કેમ્પના ચાર્લી સેન્ટરમાં બન્યો હતો. આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત જવાનોને સારવાર અર્થે નજીકના સુરતગઢ મિલિટરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સેફ્ટી પ્રોટોકોલ પર ગંભીર સવાલ?
આ બનાવ પછી આર્મીના ઉચ્ચ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સમગ્ર વિસ્તારને સીલ કરવામાં આવ્યો હતો અને પોલીસ પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, આ બનાવને કારણે સુરક્ષા પ્રોટોકોલ અને અન્ય ઉપકરણો પર સવાલો કરવામાં આવ્યા છે.
મહાજન ફીલ્ડ ફાયરિંગ રેન્જનું મહત્ત્વ
હાલમાં અસરગ્રસ્ત બે સૈનિકની માહિતી આર્મી પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવી નથી. આર્મી અને પોલીસ પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે મહાજન ફીલ્ડ ફાયરિંગ રેન્જ આર્મીના અભ્યાસ કરવા માટે મહત્ત્વનો વિસ્તાર છે, જ્યાં નિયમિત રીતે તોપ અને અન્ય હથિયારોનું પણ પરીક્ષણ કરવામાં આવે છે.
આ પણ વાંચો : રાજસ્થાનના CMના કાફલાને નડ્યો અકસ્માત; 5 પોલીસકર્મી ઘાયલ
મહાજન ફીલ્ડ ફાયરિંગમાં બીજો બનાવ
આજના બનાવ સાથે મહાજન ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં આ બીજો બનાવ બન્યો છે. આ અગાઉના બનાવમાં પણ એક જવાન શહીદ થયો હતો. જોકે, આ વખતના પરીક્ષણ વખતે બોમ્બ તાત્કાલિક લશ્કરના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.