વ્યંગ : છૂટાછેડાનું આવું કારણ કદી સાંભળ્યું છે?
-ભરત વૈષ્ણવ
‘મિ. લોર્ડ , આવું ક્ષુલ્લક કારણ? કોર્ટના ઈતિહાસમાં આવું ક્યારેય સાંભળ્યું નથી..’ રાજુએ નકારમાં મસ્તક હલાવતા મને કહ્યું.
રાજુ રદ્દીએ મને જજ માની લીધો. વકીલ જેવો લાંબો ગાઉન ઠઠાડ્યો હતો. હાથમાં કાયદાના થોથાં હતા.રાજુ એટર્ની જેવો દેખાતો હતો. ‘રાજુ, તું શેની વાત કરે છે? ધડમાથા વગરની વાત ન કર. સમજાય તેવી વાત કર.’ મેં રાજુને કડકાઇથી કહ્યું.
‘ગિરધરભાઇ, લગ્ન તો ઉપરથી નક્કી થાય છે અને ધરતી પર તેની વિધિ પૂરી થાય છે. આ બધું તો સમજ્યા, પણ છૂટાછેડાની વિધિ પાતાળમાં નક્કી થતી હશે કે શું?’ રાજુએ પૂછયું. ‘રાજુ, લગ્ન પછી પતિ-પત્ની વચ્ચે કારણ- સકારણ-અકારણ સંઘર્ષ થાય. સીરિયા- દક્ષિણ કોરિયાની જેમ ગૃહયુદ્ધ થાય.એક છત નીચે રહેવા છતાં પાણી અને પેટ્રોલ મિકસ ન થાય. માતા-પિતા, સગાસંબધી, મિત્રો સુલેહ માટે પ્રયત્ન કરે, પણ મન -મોતી ને કાચ ફેવિકોલથી પણ ચોંટતા નથી. પછી શું થાય? વકીલો અને પોલીસ કમાય!’ મેં રાજુને ગૃહયુદ્ધનું વિશ્ર્લેષણ કરી કહ્યું.
‘ગિરધરભાઇ,તમે માનશો એક વાર મીઠું-નમક કમ ખાય તે જાહેર ન કરવાના કારણે છૂટાછેડા થઇ ગયા.’ રાજુએ પદાર્થ આધારિત ડિવોર્સની વાત કરી.
‘રાજુ,ડોમેસ્ટિક વાયોલન્સ નામે એક કાયદો છે. માની લો કે મહિલા અબળા છે. એને પતિ,સાસુ,સસરા, નણંદ, જેઠ,દિયર, દેરાણી, જેઠાણીના ત્રાસ, હેરાનગતિ સામે રક્ષણ આપવું જોઇએ. એનો ઇન્કાર પણ ન કરાય. પતિને પુરુષ હોવા છતાં અબળા સબળા બની હેરાન કરે, જીવન ધૂળધાણી કરી નાખે તેવા પત્નીપીડિત પતિ માટે કોઇ કોઇ કાયદાકીય જોગવાઈ નથી.
બિચારો પત્ની અને કાયદા-ઘંટીના પડ વચ્ચે જિંદગીભર પિસાતો રહે છે. છૂટાછેડાની અરજી કર્યા પછી આ કોર્ટ, પેલી કોર્ટ, છેલ્લી કોર્ટના ચક્કરમાં ડોસો થઇ જાય તો પણ છૂટાછેડા ન મળે.’ મેં પુરુષોની કરૂણ દાસ્તાન વર્ણવી.
ગિરધરભાઇ, છૂટાછેડા લેવા માટે એક કરતાં વધુ કારણો બહાનાં હોય છે. પતિ કાળો હોય, સરકારી નોકરી ન હોય, માવડિયા હોય, વર્કોહોલિક હોય, બોચિયો હોય વગેરે. પત્ની પણ કમ ન હોય પાન, મસાલા ખાતી હોય, પતિની કપડાંની માફક ધોલાઇ કરતી હોય, (બાઉય ધ વે, પત્ની દ્વારા પતિને ફટકારવાના મામલે ભારત ત્રીજા નંબરે છે…!) રાજુ કુંવારો હતો છતાં છૂટાછેડા વિશે ગહન જ્ઞાન ધરાવતો હતો.
Also read: આહારથી આરોગ્ય સુધી : શરીરની સાત ધાતુ: આ ધાતુ બને છે તમારા ખોરાકથી
‘રાજુ, ક્યારેક તો ક્ષુલ્લક કારણસર છૂટાછેડા થતા હોય છે. લગ્ન કરવા માટે ચટ મંગની પટ બ્યાહ એવું હોય છે. જો કે, છૂટાછેડા માટે આવું હોતું નથી. એક ભાઇને ત્રીસ દિવસના પ્રલંબ લગ્ન બાદ છૂટાછેડા લેવા માટે ત્રેવીસ વરસનો ‘અલ્પ’ સમય લાગ્યો હતો.’ મે રાજુને છૂટાછેડા આસાન નથી તે સમજાવ્યું. ‘ગિરધરભાઇ. તમે પરીક્ષામાં ચોરી કરવાના કારણે છૂટાછેડા થયા હોવાનું કદી સાંભળ્યું છે?’ રાજુએ અઘરો સવાલ પૂછ્યો.
‘રાજુ, છૂટાછેડા માટે છોકરી કાળી પડે, જાડી પડે, નીચી પડે, અભણ પડે, ગરીબ પડે,આડા સંબંધો હોય, દહેજ ઓછું પડે, વગેરે કારણ હોય, પણ પરીક્ષામાં ચોરી કરવાથી કોઇનો સંસાર બગડે એવું સાંભળ્યું નથી.’
ગિરધરભાઇ, પરીક્ષામાં ચોરી એ ચોરી થોડી કહેવાય? અમુક ગામમાં તો લાઉડ સ્પીકર પર સવાલનો જવાબ લખાવવાનું સદાવ્રત ચલાવે છે. આ કંઇ ગુનો થોડો છે? આપણા ગુજરાતમાં તો અમુક પરીક્ષા સેન્ટરો તો પરીક્ષા ચોરીની સાત્ત્વિક પ્રવૃત્તિના આધુનિક પરીક્ષા ચોરીના તીર્થધામ છે.
પરીક્ષામાં તમને શું આવડે છે તેના કરતાં શું નથી આવડતું તેની પરીક્ષા લો તો છોકરા ચોરી ન કરે તો શું કરે? યુપી, બિહારમાં એક ઓરડામાં યુનિવર્સિટી ચાલે છે તે શીનાજોરી નથી?! રાજુએ શિક્ષણક્ષેત્રનું પેપર લીક કર્યું.
‘રાજુ ,પેલા ડોકટરે તો એની પત્નીએ પરીક્ષા ચોરી કરી તેની શરમ થોડી અનુભવવાની હોય? એણે જવેલર્સની દુકાનમાંથી પંદર તોલા સોનું તફડાવ્યું હોય તો શરમ અનુભવે તે બરાબર કહેવાય, ઘણા ઉદ્યોગપતિ બેંકોમાંથી કરોડોની લોન લઇ લોન ભરે નહીં , છતાં કોલર ઊંચા કરી દેશમાં ફરે કે વિદેશ ભાગી જાય છે.
પરીક્ષામાં ચોરી કરે તેના કરતાં તો આ ખરાબ જ કહેવાયને ? પેલાં ડોકટર પોતાની પત્ની ગ્રેજયુએટ થાય તેવું ઈચ્છે તો પરીક્ષાયજ્ઞમાં ચોરીનું ઘી હોમવામાં શેનો વાંધો લેવો જોઇએ? લગ્ન કરતા સમયે પત્નીને મદદ કરવાની સપ્તપદીની પ્રતિજ્ઞા લીધી તો પરીક્ષામાં ચોરી કરાવવાના મામલે હાથ કેવી રીતે ઊંચા કરી શકાય?’
‘ગિરધરભાઇ ,પેલા ડોકટર મહાશય ભલેને મેડિકલ રિપ્રેઝેન્ટીવ પાસેથી સેમ્પલમાં મફતમાં મળેલી દવા પૈસા લઇને વેચી નાખે, ફાર્માસ્યુટિકલ કંપનીએ આપેલ ગિફટ વાઉચરથી સિંગાપુર, થાઇલેંન્ડ ફરી આવે, સેમિનારમાં જઇ આવે , ફ્રી સીટમાં ભણીને દર્દીને ચીરી નાખે…’ રાજુએ ડોકટરની માન્યતાનું પોસ્ટમોર્ટમ કરીએ નાખ્યું.
‘રાજુ, ડોકટર તો સમજ્યા પણ પરીક્ષામાં કરેલી ચોરીને પ્રતિષ્ઠા પર કુઠુરાઘાત ગણી છૂટાછેડા મંજૂર કરનાર જજસાહેબની પેન-કલમ કેમ તૂટી ન ગઇ?’મેં કહ્યું . ‘બની શકે કે જજની પત્ની કોલેજની પરીક્ષા આપતી નહીં હોય કે પરીક્ષામાં ચોરી ચપાટી નહીં કરી હોય’ પેલા ડોકટરની પત્નીને થયેલ અન્યાય સહન નહીં થવાથી રાજુ ચોધાર આંસુએ રડી પડ્યો