નવી દિલ્હી: ગઈ કાલે મંગળવારે સંસદમાં ‘one nation, one election bill’રજુ કરવામાં આવ્યું હતું, આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી(BJP)ના જ 20 સાંસદો ગેરહાજર રહ્યા હતાં. ગેરહાજર રહેલા ભાજપના સાંસદોમાં નીતિન ગડકરી, ગિરિરાજ સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે. જેમની સામે પાર્ટી કાર્યવાહી કરી શકે છે, અહેવાલ પ્રમાણે પાર્ટીએ આ સાંસદોને નોટીસ પાઠવશે.
વ્હીપની અવગણના:
પાર્ટી દ્વારા અગાઉ ગૃહમાં ફરજીયાત હાજર રહેવા માટે જાહેર કરવામાં આવેલી ત્રણ લીટીના વ્હીપને અવગણવા બદલ સાંસદોને નોટિસ મોકલવામાં આવશે. અહેવાલ મુજબ જેઓ ગૃહમાં હાજર ન હતા તેઓએ અગાઉ ગેરહાજરી વિશે પાર્ટીને જાણ કરી હતી કે કેમ તે હજી સ્પષ્ટ નથી.
ગૃહમાં હોબાળા વચ્ચે બીલ પસાર:
સમગ્ર દેશમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાનાની જોગવાઈઓ સાથેનું બીલ કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે લોકસભામાં રજુ કર્યું હતું, ત્યાર બાદ ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો. વિપક્ષે આ પગલાને “સરમુખત્યારશાહી” અને ભારતના સંઘીય માળખા પર હુમલો ગણાવ્યો હતો. વિરોધ છતાં, બંધારણમાં 129માં સુધાર માટેનાં બીલની તરફેણમાં 269 અને વિરોધમાં 198 મતો પડ્યા હતાં, આ સાથે જ આ બીલે પ્રારંભિક તબક્કો પસાર કર્યો. જેના પર 90 મિનિટની ચર્ચા થઇ હતી.
Also read: મોદી કેબિનેટે આખરે ‘One Nation One Election’ બિલને મંજૂરી આપી
આ બિલોને હવે વધુ ચર્ચા માટે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC) પાસે મોકલવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે જ્યારે વન નેશન, વન ઈલેક્શન બિલને કેબિનેટમાં મંજૂરી માટે મુકવામાં આવ્યું ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેને વિગતવાર ચર્ચા માટે જેપીસીને મોકલવામાં આવે.
આ દિગ્ગજ સાંસદો રહ્યા ગેરહાજર:
મંગળવારે લોકસભામાં ‘વન નેશન, વન ઇલેક્શન’ બિલની રજૂઆત દરમિયાન ભાજપના ગિરિરાજ સિંહ, નીતિન ગડકરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, સીઆર પાટીલ, શાંતનુ ઠાકુર, જગદંબિકા પાલ, બીવાય રાઘવેન્દ્ર, વિજય બઘેલ, ઉદયરાજે ભોંસલે, જગન્નાથ સરકાર, જયંત કુમાર રોય, વી સોમન્ના, ચિંતામણિ મહારાજ સહીતના સાંસદો ગેરહાજર રહ્યા હતાં.