ઈન્ટરવલવિજ્ઞાન અને ટેકનોલોજી

સાયબર સાવધાની : ડરવાનું નહિ, સાચા મિત્રો કે કુટુંબીજનો સાથે બધું શેર કરો

-પ્રફુલ શાહ

સાયબર સ્માર્ટનેસના ટૅન કમાન્ડમેન્ટસ જાણી લીધા બાદ પણ હજી થોડુંક ધ્યાનમાં રાખવાનું છે, મગજમાં ઉતારવાનું છે અને અચુકપણે અમલમાં મૂકવાનું છે. તો વાતમાં વધુ મોણ નાખવાને બદલે સીધા મુદ્દા પર આવી જઈએ.

એક, કોઈ સ્વીગી કે ઝોમેટો કે આવી સપ્લાયર ચેન વતી ફોન કરીને સરનામું સમજવા ફોન કરે. પછી એક કે બે નંબર દબાવવા કહે તો એ જાળમાં સપડાવાનું નહિ. સીધો ફોન કરી નાખવાનો હો.

બે, ઓ.ટી.પી. અર્થાત્ વન ટાઈમ પાસવર્ડ કોઈની સાથે, રિપીટ કોઈની સાથે, ફોન પર શેઅર કરવો નહિ, નહિ ને નહિ જ.

ત્રણ, કોઈ લિન્ક મોકલે અને એ બ્લુ અક્ષરમાં હોય તો પહેલા ચકાસણી કરવી. અને બને ત્યાં સુધી કોઈ લિન્કના પ્રેમમાં પડવું નહિ, તરત જ ડિલીટ કરી નાખવાની.

ચાર, જો પોલીસ, આઈ.ટી., ઈ.ડી. કે સીબીઆઈના ઉચ્ચાધિકારીઓના નામે ઈમેલ આવે તો શું કરવું? સૌ પ્રથમ તો જરાય ગભરાવાનું નહિ. ચકાસણી કરવી અને એને માટે સંબંધિત વિભાગની સાચી – અસલી વેબસાઈટ શોધી કાઢવી અને એમનો સંપર્ક કરવો. આવી કોઈ નોટિસનો જવાબ આપવામાં બે-ચાર કલાક કે દિવસ લાગે તો આભ ન જ તૂટી પડે.

પાંચ, ક્યારેય અજાણ્યાનો વીડિયો કોલ ન ઉપાડવો. માત્ર આવા ફોન ઉપાડવાથી ઘણા એક્સટોર્શનના શિકાર બની ગયાના કિસ્સા મોજુદ છે. આમાં અનેકે લાખો રૂપિયા ખોયા ને અમુક કમનસીબે જીવ ગુમાવ્યા.

છ, આવા વીડિયો કોલ ફરીથી આવે તો એની ફરી અવગણના કરવી કાં થોડો સમય મોબાઈલ ફોન સ્વીચ ઑફ કરી દેવો.

સાત, ક્યારેક કોઈ ફોન આવે કે અમને તમારી કાર, ટીવી, વોશિંગ મશીન કે ફ્રિજ ખરીદવામાં રસ છે, તો ઝાઝી વાત કર્યા વગર ફોન બંધ કરી નાખવો. આપણે કંઈ વેચવું જ ન હોય તો લમણાંઝીક કરવી શા માટે?

આઠ, ઓર્ડર કે રાઈડ બુક કરવા માટે કોઈ પણ ઓટીપી માગે તો એ ઓર્ડર કે રાઈડ રદ કરી નાખવા.

નવ, કોઈ કુરિયર બૉય આવીને આપને ગિફટ / લોટરી લાગી છે એમ કહીને આધારકાર્ડ, પાનકાર્ડની વિગતો માગે કે કોઈ લિન્ક પર ક્લિક કરવા કહે તો એને ઉતાવળે વળાવી દેવાનો.

આ પણ વાંચો : એકસ્ટ્રા અફેર : ઓમરની વાત સાચી, ઈવીએમ પર દોષારોપણ ક્યાં સુધી?

દશ, બને ત્યાં સુધી ખાતરીપૂર્વકના અત્યંત વિશ્ર્વાસુ માણસો ન હોય ત્યાં સુધી ક્યારેય ફોન પર પોતાનું સરનામું, લોકેશન, ફોન નંબર, આધાર કાર્ડ નંબર, જન્મ તારીખ, પાનકાર્ડ નંબર જેવી વિગતો ફોન પર કે મેસેજમાં આપવી નહીં.

અગિયાર, કોઈ ફોન કરીને આપનું નામ પૂછે તો નામ આપવું નહિ. ફોન કરનારને આપણું નામ ખબર હોવું જ જોઈએ. નહીંતર સમજી જવું કે કુછ તો ગરબડ હૈ.

ફોનમાં નામ, સરનામું કે કોઈ અંગત વિગતો આપવી નહિ કે એ સામેથી આપે તો એમાં ભૂલ હોય તો સુધારા વધારા કરાવવા નહીં. ન એને સમર્થન આપવું કે રદિયો. ટુંકમાં ઓછામાં ઓછા સમયમાં ફોન કટ કરી નાખવો.

ATP (ઑલ ટાઇમ પાસવર્ડ)

ક્યારેક, ન કરે નરાયણને, આ ઠગોની જાળમાં ફસાઈ ગયા તો જરાય મુંઝાવું નહીં, ડરવું નહિ ને ખોટું પગલું ભરવાનો તો વિચાર સુધ્ધાં ન કરવો. પરિવારજન અને ખાસ મિત્રોને વિશ્ર્વાસમાં લો. જે કુકર્મ તમે કર્યાં જ નથી તો એને માટે બ્લેકમેઈલ થઈને કાળી મજૂરીની કમાણી શા માટે લૂંટાવવી? ખોટું કર્યું નથી તો આબરૂ જાય કેવી રીતે? રસ્તા અને ઉકેલ ઘણાં છે પણ ડરવું નહિ.

એ ઠગોની માતાએ એટલી સૂંઠ નહિ ખાધી હોય કે એ તમારી સામે આવવાની હિમ્મત કરે. આ હકીકત તમે સમજી લો અને કોઈ મિત્ર-સંબંધી સાયબર ફ્રોડનો શિકાર બને તો એને પણ સમજાવો, બચાવો. હવે સાયબર ફ્રોડ બહુ જાણીતો અપરાધ છે. તમારા ઘરમાં ચોરી થાય એમાં તમારી બદનામી કેવી રીતે થાય? વિચારો, સમજો અને સ્વીકારો, પ્લીઝ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button