અલ્લુ અર્જુનની મુશ્કેલી વધી શકે છે! નાસભાગમાં ઈજાગ્રસ્ત બાળકના સ્વાસ્થ્ય અંગે મોટું અપડેટ
હૈદરાબાદ: ‘પુષ્પા 2’ના પ્રીમિયર દરમિયાન બનેલી નાસભાગની ઘટનાના કેસમાં અલ્લુ અર્જુન(Allu Arjun)ની મુશ્કેલી વધી (Pushpa 2 stampede incident) શકે છે. સંધ્યા થિયેટરમાં નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું અને તેનો 9 વર્ષનો દીકરો તેજા ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાળક 4થી ડિસેમ્બરથી હોસ્પિટલમાં દાખલ છે, તાજેતરના અહેવાલ મુજબ બાળકની હાલત નાજુક છે અને તેને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો છે.
અહેવાલ મુજબ બાળકની ન્યુરોલોજીકલ સ્થિતિમાં કોઈ દેખીતો સુધારો જોવા નથી મળી રહ્યો. જેના કારણે બાળક મિકેનિકલ વેન્ટિલેશન પર છે. તેને વેન્ટિલેટર પરથી દૂર કરવા માટે ટ્રેકિયોસ્ટોમીની વિચારણા કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકાર રાખી રહી છે નજર:
ગઈ કાલે મંગળવારે, હૈદરાબાદ સિટી પોલીસ કમિશનર સીવી આનંદ, તેલંગાણા સરકારના આરોગ્ય સચિવ ડૉ ક્રિસ્ટીનાએ તેજાની સ્થિતિ વિશે પૂછપરછ કરવા તેલંગાણા સરકાર વતી KIMS હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
હૈદરાબાદ સિટી પોલીસ દ્વારા X પર શેર કરવામાં આવેલી પોસ્ટ અનુસાર, ડોકટરોએ તેમને જાણ કરી છે કે બાળકને વેન્ટિલેટર સપોર્ટ સાથે સારવાર આપવામાં આવી રહી છે અને સારવાર લાંબા સમય ચાલે તેવી શક્યતા છે. ડોકટરો ટૂંક સમયમાં તેજાની તબિયત અંગે મેડિકલ બુલેટિન બહાર પાડશે.
આરોગ્ય સચિવ ડૉ. ક્રિસ્ટીનાએ જણાવ્યું હતું કે અમે તેજાના સ્વાસ્થ્યની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને તેના ઝડપી સ્વસ્થ થવાની આશા રાખીએ છીએ.
અલ્લુ અર્જુનની ધરપકડ:
નાસભાગની ઘટના બાદ પુષ્પા 2 સ્ટાર અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી, જો કે તેલંગાણા હાઈકોર્ટ દ્વારા તેને તુરંત જામીન આપવામાં આવ્યા હતાં.
અલ્લુ અર્જુને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઇજાગ્રસ્ત બાળક વિશે તેની ચિંતા વ્યક્ત કરતી પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે જાહેર કર્યું કે ચાલુ કાયદાકીય કાર્યવાહીને કારણે તેને હોસ્પિટલમાં તેની મુલાકાત ન લેવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે અલ્લુ અર્જુને પીડિત પરિવારને 25 લાખ રૂપિયાના વળતરની સાથે તમામ શક્ય મદદની જાહેરાત કરી છે.