Congo માં મોટી દુર્ઘટના, નદીમાં બોટ પલટી જતાં 25 લોકોના મોત, અનેકની શોધખોળ ચાલુ
નવી દિલ્હી : આફ્રિકન દેશ કોંગોમાં(Congo Accident)મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં મુસાફરોને લઈ જતી એક બોટ અચાનક નદીમાં પલટી ગઈ હતી. જેના કારણે બોટમાં સવાર 25 લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ગુમ થવાના અહેવાલ છે. અધિકારીઓ અને સ્થાનિકોએ માહિતી આપી હતી કે આ બોટ કોંગોની રાજધાની કિંશાસાના ઉત્તર-પૂર્વમાં આવેલા ઈનોન્ગો શહેરથી નીકળી હતી. ત્યારે આ બોટમાં 100 થી વધુ મુસાફરો સવાર હતા.
રાહત – બચાવ ટીમો અને મરજીવાઓને ઘટના સ્થળ પર
આ અકસ્માત ફિમી નદીમાં થયો હતો. બોટમાં મુસાફરોની સંખ્યા વધુ હોવાથી આ અકસ્માત સર્જાયો હોવાની આશંકા છે રાહત અને બચાવ ટીમો અને મરજીવાઓને ઘટના સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે ગુમ થયેલા લોકોની શોધ માટે મંગળવારે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા છે.
બોટ તેની ક્ષમતા કરતા વધુ મુસાફરોને વહન કરતી હતી
ઈનોન્ગો નદીના કમિશનર ડેવિડ કાલેમ્બાએ જણાવ્યું હતું કે, આ બોટ તેની ક્ષમતા કરતા વધુ મુસાફરોને વહન કરી રહી હતી. આ કારણોસર બોટ ડૂબી જવાની આશંકા છે. અત્યાર 25 મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે અન્ય ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે. આ વિસ્તારના રહેવાસી એલેક્સ મ્બુમ્બાના જણાવ્યા અનુસાર બોટમાં ઘણો સામાન હતો. એલેક્સ મ્બુમ્બાએ કહ્યું, મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. પરંતુ હાલ મૃતકોની ચોક્કસ સંખ્યા જણાવવી મુશ્કેલ છે કારણ કે બોટમાં ઘણા મુસાફરો સવાર હતા.