અરુણ જેટલીના પુત્ર ફરી દિલ્હી ક્રિકેટના ચીફ, કીર્તિ આઝાદને 800 મતથી હરાવ્યા
નવી દિલ્હીઃ ભાજપના સદ્ગત નેતા અરુણ જેટલીના પુત્ર રોહન જેટલી મંગળવારે દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ઍસોસિયેશન (ડીડીસીએ)ની પ્રમુખપદ માટેની ચૂંટણી જીતી ગયા હતા. 35 વર્ષના રોહન જેટલીએ 1,577 મત મેળવ્યા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી તથા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કીર્તિ આઝાદને 777 વોટ મળ્યા હતા. એ રીતે, રોહન જેટલીનો 800 મતના માર્જિનથી વિજય થયો હતો.
કુલ 2,413 મત અપાયા હતા અને પ્રમુખપદે આવવા 1,207 વોટ જરૂરી હતા. 2020માં રોહન જેટલી બિનહરીફ ચૂંટાયા હતા.
ડીડીસીએના ભૂતપૂર્વ પ્રમુખ સી. કે. ખન્નાની પુત્રી શિખા કુમારે 1,246 મત મેળવીને ઉપ-પ્રમુખપદ માટેની ચૂંટણીમાં રાકેશ બંસલ (536) તથા સુધીર અગરવાલ (498)ને હરાવીને વિજય મેળવ્યો હતો. અશોક શર્મા સેક્રેટરી બન્યા છે.
Also read: ભારતીય ફીલ્ડરનો અદભુત ડાઇવિંગ કૅચ… વર્લ્ડ નંબર-થ્રી કૅરિબિયન કેપ્ટનને પૅવિલિયન ભેગી કરી
રોહન જેટલીએ પીટીઆઇને જણાવ્યું કે `ક્રિકેટની વિવિધ વય-જૂથની સ્પર્ધા માટે શા માટે પચીસથી ત્રીસ ખેલાડી જેટલી મોટી સ્ક્વૉડ પ્રવાસે મોકલવામાં આવે છે? એ મુદ્દે અમે ક્રિકેટ સલાહકાર સમિતિ સાથે ચર્ચા કરીશું.’ આ સમિતિમાં ગુરશરણ સિંહ અને નિખીલ ચોપડાનો સમાવેશ છે.