આમચી મુંબઈ

પક્ષવિરોધી પ્રવૃત્તિ: ભાજપના વિધાનસભ્યને અપાઈ નોટિસ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં કથિત સંડોવણી બદલ તેના એક વિધાનપરિષદના સભ્યને કારણ બતાવો નોટિસ જારી કરી છે. ભાજપે એમએલસી રણજિત સિંહ મોહિતે પાટીલને કારણ બતાવો નોટિસ ફટકારી છે અને સાત દિવસમાં જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે. સોમવારે જારી કરાયેલ કારણ બતાવો નોટિસમાં મહારાષ્ટ્ર ભાજપે કહ્યું હતું કે, ‘ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે તમે પાર્ટી માટે નુકસાનકારક પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જણાયું છે. તમારી વિરુદ્ધ અનુશાસનહીનતાના ઘણા કેસ નોંધાયેલા છે.

મહારાષ્ટ્ર ભાજપના સેક્રેટરી મુકુંદ કુલકર્ણીએ મોકલેલી નોટિસમાં પાર્ટીએ એમએલસી પર ચૂંટણી દરમિયાન પ્રચારમાં ભાગ ન લેવાનો આરોપ લગાવ્યો છે. એવા પણ આરોપો છે કે રણજીતસિંહ મોહિતે પાટીલે તેમના સહયોગીઓ અને પરિવારના સભ્યોને ભાજપના ઉમેદવારો વિરુદ્ધ કામ કરવાની સૂચના આપી હતી અને પાર્ટીના કાર્યકરોને ધમકાવ્યા હતા, તેમજ પાર્ટીના કાર્યકરો પર દબાણ લાવવા માટે પોલીસ એજન્ટોનો ઉપયોગ કર્યો હતો. પાર્ટીએ તેમના પર એનસીપી (એસપી)ના ઉમેદવારોને સમર્થન આપવા અને લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવારો વિરુદ્ધ પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો છે.

Also read: થાણેમાં ઝવેરીની દુકાનમાંથી પાંચ કરોડ રૂપિયાના દાગીના ચોરાયા

નોંધનીય છે કે રણજીતસિંહ મોહિતે પાટીલના પિતરાઈ ભાઈ ધૈર્યશીલ મોહિતે પાટીલે એનસીપી (એસપી)ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, જેમાં ભાજપના ઉમેદવાર સામે તેમનો વિજય થયો હતો. વધુમાં, ભાજપે દાવો કર્યો હતો કે પાર્ટીના નેતાએ તેમને વિધાનસભા ચૂંટણીમાં પણ પાર્ટીના ઉમેદવાર વિરુદ્ધ પ્રચાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. એમએલસીએ માળશિરસ મતવિસ્તારમાંથી એનસીપી (એસપી)ના ઉમેદવાર ઉત્તમરાવ જાનકર માટે પ્રચાર કર્યો હતો જેમણે ભાજપના ઉમેદવાર રામ સાતપુતેને હરાવ્યા હતા.

ભાજપે રણજીત સિંહ મોહિતે પાટીલને સાત દિવસમાં લેખિત ખુલાસો આપવા કહ્યું છે કે શા માટે તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી ન કરવી જોઈએ. પાર્ટીએ કહ્યું છે કે જો એમએલસી જવાબ નહીં આપે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button