બેંગલુરુમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશઃ 24 કરોડના નશીલા પદાર્થ સાથે વિદેશી નાગરિકની ધરપકડ
બેંગલુરુઃ એક વિદેશી નાગરિકની કથિત રીતે ડ્રગ્સ રેકેટ ચલાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી અંદાજે 24 કરોડ રૂપિયાની કિંમતના 12 કિલોગ્રામ પ્રતિબંધિત એમડીએમએ ક્રિસ્ટલ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતુ. બેંગલુરુ પોલીસે દાવો કર્યો હતો કે આ રાજ્યમાં બેંગલુરુ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ દ્વારા ઝડપાયેલું સૌથી વધુ ડ્રગ્સ છે. પોલીસે જણાવ્યું હતું કે કેઆર પુરા પોલીસ સ્ટેશનની હદમાં ટીસી પાલ્યા વિસ્તારમાં રહેતી એક શંકાસ્પદ મહિલા અંગે વિશેષ જાણકારીના આધારે ધરપકડ કરવામાં આવી હતી. આ માહિતીના આધારે 13 ડિસેમ્બરના રોજ સીસીબીની ટીમે તે સ્થળે દરોડા પાડ્યા હતા અને પ્રતિબંધિત ડ્રગના વેચાણમાં સામેલ વિદેશી મહિલાની ધરપકડ કરી હતી.
બેંગલુરુ પોલીસ કમિશનર બી દયાનંદે જણાવ્યું હતું કે સીસીબી ટીમના નાર્કોટિક્સ કંટ્રોલ વિંગે એમડીએમએ ક્રિસ્ટલ ડ્રગ નેટવર્કને સફળતાપૂર્વક તોડ્યું હતું. તે એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક છે. તેમણે 12 કિલોગ્રામ શુદ્ધ સફેદ અને પીળા એમડીએમએને જપ્ત કર્યું હતું. જેની બજારમાં કિંમત આશરે 24 કરોડ રૂપિયા છે. આ બેંગલુરુ અને કર્ણાટક રાજ્યની સૌથી મોટી જપ્તીઓમાંની એક છે.
Also read: બેંગલુરુમાં રેકોર્ડતોડ વરસાદને કારણે તબાહી, સેંકડો વૃક્ષો ધરાશયી
તેમણે કહ્યું કે સીસીબીની નાર્કોટિક્સ કંટ્રોલ વિંગને માહિતી મળી હતી કે કેઆર પુરમ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળની ટીસી પાલ્યામાં રહેતી એક વિદેશી મહિલાએ આફ્રિકન નાગરિકોની જરૂરિયાતો પૂરી કરવા માટે ખાદ્યપદાર્થો અને કરિયાણા વેચતી દુકાન ખોલી છે. “આ સાથે તે ગેરકાયદેસર ડ્રગ્સ પણ વેચતી હતી. તેની ધરપકડ કર્યા પછી સીસીબીની નાર્કોટિક્સ ટીમે તેની પૂછપરછ કરી વિગતો મેળવી અને 12 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું.
પોલીસે કહ્યું કે અમે સપ્લાયરની શોધ કરી રહ્યા છીએ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેઓ મુંબઈથી પ્રતિબંધિત દવાઓ સાબુના પેકેટ, સૂકી માછલીની પેટીઓ વગેરેમાં લાવતા હતા. તેઓ સોફ્ટવેર એન્જિનિયરો, વિદેશીઓ અને અન્ય લોકોને અહીં ઊંચા ભાવે સપ્લાય કરે છે. કુલ મળીને 12 કિલો એમડીએમએ ક્રિસ્ટલ, મોબાઈલ ફોન અને 70 એરટેલ સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. પકડાયેલા વિદેશી નાગરિકને મુંબઈની એક મહિલા ડ્રગ્સ સપ્લાય કરતી હતી.
Also read: બેંગલુરુથી કોચી જઈ રહેલી ફ્લાઈટના એન્જીનમાં આગ લાગી, બેંગલુરુ એરપોર્ટ પર ફુલસ્કેલ ઈમરજન્સી જાહેર કરાઈ
આરોપી વિદેશી મહિલાએ કબૂલાત કરી છે કે તે ઉંચી કિંમતે ડ્રગ્સ વેચીને ગેરકાયદેસર રીતે પૈસા કમાતી હતી. પાંચ વર્ષ પહેલા બિઝનેસ વિઝા પર બેંગલુરુ આવી હતી અને હવે વિઝા પણ સમાપ્ત થઈ ગયો છે. પોલીસે કહ્યું હતું કે અમે મુંબઈની મહિલાની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ રેકેટમાં સંડોવાયેલી અન્ય એક વિદેશી મહિલાને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.