લાતુરમાં ચોરાયેલા નવ લાખના દાગીના મધ્ય પ્રદેશથી જપ્ત કરાયા
લાતુર: લાતુરમાં ગયા મહિને સગાઇ દરમિયાન ચોરાયેલા નવ લાખ રૂપિયાના દાગીના પોલીસે મધ્ય પ્રદેશથી જપ્ત કર્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર 29 નવેમ્બરે હોટેલમાં ચોરીની આ ઘટના બની હતી. હોટેલમાં સગાઇ સમારોહ દરમિયાન દાગીના ભરેલી બેગ ચોરાઇ હતી. આ પ્રકરણે ફરિયાદ નોંધાવાયા બાદ પોલીસે આરોપીઓને પકડવા વિશેષ ટીમ તૈયાર કરી હતી.
8 ડિસેમ્બરે પોલીસને માહિતી મળી હતી કે ગુનામાં સંડોવાયેલા આરોપીઓ મધ્ય પ્રદેશના રાજગડ જિલ્લાના બોડા ગામના રહેવાસી છે. આથી પોલીસ ટીમને મધ્ય પ્રદેશ રવાના કરવામાં આવી હતી અને ત્યાં આઠ દિવસની તપાસ બાદ પોલીસે આરોપીઓને ઓળખી કાઢ્યા હતા. આરોપીઓની ઓળખ સોનુ ઉર્ફે ગોકુલપ્રસાદ સિસોદિયા (20), મેહતાબ નથુસિંહ સિસોદિયા (25) અને કાલુ બનવારી સિસોદિયા (20) તરીકે થઇ હતી.
આ પણ વાંચો : Election: યવતમાળ પછી લાતુરમાં ઉદ્ધવ ઠાકરેની બેગ તપાસી, કેન્દ્રને કર્યાં સવાલ?
આરોપીઓએ દાગીના ચોર્યા બાદ તેને પોતાના સંબંધીને ત્યાં છુપાવી દીધા હતા. પોલીસે ત્યાંથી દાગીના હસ્તગત કર્યા હતા અને હવે આરોપીઓની શોધ ચલાવાઇ રહી છે. (પીટીઆઇ)