આપણું ગુજરાત

હાડ થિજાવતી ઠંડી વચ્ચે કચ્છમાં અલગ અલગ અકસ્માતોમાં પાંચ લોકોનાં મોત

ભુજ: જિલ્લામાં હાડ થીજાવતી ઠંડી વચ્ચે કચ્છમાં અલગ અલગ બનાવમાં પાંચ લોકોના અકાળે મોત નીપજતાં પંથકમાં અરેરાટી વ્યાપી છે. લખપત તાલુકાના ઘડુલી નજીક ઉભેલા ટ્રેઇલર પાછળ મોટરસાઇકલ ઘૂસી જતાં બે યુવકના ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જયારે ભુજ તાલુકાના મોખાણા નજીક ટ્રેઇલર અને મોટરસાઇકલ વચ્ચે થયેલી ટક્કરમાં મોડસરના રમેશ રવા ગાગલ નામના ૩૦ વર્ષીય યુવકનું ગંભીર ઈજાઓના પગલે મોત થયું હતું. બીજી તરફ મુંદરા તાલુકાના વડાલા ગામે પ્રસંગમાં જવા બાબતે પતિ સાથે થયેલા વિવાદ બાદ આવેશમાં આવી ગયેલી ૨૩ વર્ષની પત્ની એવી મનીષા ભાવેશ ભાણજી પારાધીએ ગળેફાંસો ખાઈ પોતાનો જીવ દઈ દીધો હતો તેમ જ ભુજના ખારીનદી સ્મશાન માર્ગ પર મધરાતે મૂળ નવસારી બાજુના ૫૦ વર્ષીય આધેડ હરેશ જયકિશન ટંડેલ મૃત અવસ્થામાં મળી આવતાં ચકચાર પ્રસરી હતી.

પવનચક્કીના ટ્રેલર પાછળ વાહન ઘૂસી જતા મોત
પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર લખપતના ઘડુલી નજીક ગત મોડી રાતના ત્રણેક વાગ્યાના અરસામાં ઉમરસરની લિગ્નાઇટ ખાણમાં નોકરી કરનારા જુણાચાયના રહેવાસી જાડેજા હઠુભા દાનસંગજી તેમ જ દયાપરના જાદવ પ્રફુલકુમાર પ્રેમજી મોટરસાઇકલ પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તાની સાઈડમાં ઉભેલા પવનચક્કીના લાંબા ટ્રેલર પાછળના ભાગે તેમનું વાહન ઘુસી જતા બંને યુવકના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત થતાં દયાપર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Also read: કૉઈન્સ ઓફ કચ્છઃ વોટર કલરથી કંડારાયેલાં કચ્છી દોકડાના ચિત્રએ આકર્ષણ જમાવ્યું

ટ્રેક્ટરની અડફેટે યુવાનનું મોત
વધુ એક માર્ગ અકસ્માતનો બનાવ મોખાણા નજીક બનવા પામ્યો હતો જેમાં ભુજ તાલુકાના મોડસરનો રહેવાસી રમેશ ગાગલ તેના મોટરસાઇકલ પર ધાણેટી તરફ જઈ રહ્યો હતો ત્યારે કનૈયાબેથી ડગાળા-મોખાણા જતા રસ્તે સામેથી ચડી આવેલા ટ્રેઈલરના ચાલકે રમેશના ટૂ વ્હીલરને અડફેટે લેતાં સારવાર અગાઉ તેનું ગંભીર ઈજાઓના પગલે મૃત્યુ થયું હતું. મૃતકના મોટા ભાઈ રાણા ગાગલએ પદ્ધર પોલીસ મથકે ટ્રેઈલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

બહારગામ જવાની નજીવી બાબતે આપઘાત
બીજી તરફ મુંદરા તાલુકાના વડાલામાં રહેનારી મનીષા પારાધીના નણંદના સસરા મૃત્યુ પામ્યા હોવાથી તેનો સોગ ઉતારવા માંડવી જવાનું હતું. જો કે ઠંડી વધુ હોઈ પતિએ મૃતકને ઘરે રહેવા અને પોતે એકલો માંડવી જઈ આવે તેમ કહ્યું હતું, જો કે મનીષાએ સાથે ચાલવાની જીદ પકડતાં પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બાદ પતિ માંડવી ચાલ્યા ગયા હતા અને ઘરે એકલી રહેલી પત્નીએ સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મુંદરા મરીન પોલીસના આર. જે. ઠુમ્મરે અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Also read: માત્ર સુરખાબ જ નહીં, આ રૂપકડાં પક્ષીઓ પણ બન્યા છે કચ્છના મહેમાન

દરમિયાન ભુજનાં અમન નગર રેલવે પુલિયાની આગળ ખારીનદી જતા માર્ગ પર ગત મધરાતે ૫૦ વર્ષીય એવા મૂળ વાઘરેજ તા. ગણદેવી જિ. નવસારીના હરેશ જયકિશન ટંડેલ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. અલગારી જીવન ગુજારતા આધેડ કડકડતી ઠંડીમાં ઠરીને મૃત્યુ પામ્યા હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button