થાણેમાં ઝવેરીની દુકાનમાંથી પાંચ કરોડ રૂપિયાના દાગીના ચોરાયા
થાણે: થાણે રેલવે સ્ટેશનની નજીક આવેલી ઝવેરીની દુકાનમાંથી પાંચ કરોડ રૂપિયાની કિંમતના દાગીના ચોરાતાં ખળભળાટ મચી ગયો હતો. નૌપાડા પોલીસે આ પ્રકરણે બે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની શોધ આદરી હતી.
થાણે પશ્ર્ચિમમાં સ્ટેશન રોડ પર મરાઠા જ્વેલર્સ નામની દુકાનમાં સોમવારે મોડી રાતે ચોરીની આ ઘટના બની હતી. દુકાનનું શટર તોડીને અંદર ઘૂસેલા ચોર પાંચ કરોડ રૂપિયાના દાગીના ચોરી ફરાર થઇ ગયા હતા.
આ પણ વાંચો : થાણે-સાતારામાં ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી:292 દેશી બોમ્બ સાથે દંપતી સહિત ત્રણની ધરપકડ…
દરમિયાન મંગળવારે સવારે દુકાન ખોલવામાં આવ્યા બાદ ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી, જેને પગલે નૌપાડા પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે આવ્યા બાદ પંચનામું કરીને આ પ્રકરણે ગુનો દાખલ કર્યો હતો.
પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં શકમંદો નજરે પડ્યા હતા. આરોપીઓને પકડવા માટે પોલીસની વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી હોઇ સીસીટીવીના ફૂટેજને આધારે તેમની શોધ ચલાવાઇ રહી છે