પાલઘરમાં એમ્બ્યુલન્સમાં જ મહિલાની પ્રસુતિ કરાવવી પડી, જાણો ચોંકાવનારો બનાવ
પાલઘર: થાણેમાં એક સગર્ભાની એમ્બ્યુલન્સમાં જ ડૉક્ટરોની મદદથી પ્રસુતિ કરાવવામાં આવી હતી અને ત્યાર બાદ તેને ગ્રામીણ વિસ્તારની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
પાલઘર જિલ્લાની વાડા રુરલ હૉસ્પિટલમાં આ પ્રકારના ક્રિટિકલ કેસને પહોંચી વળવા માટેની વિશેષ સુવિધાનો અભાવ છે. રસ્તાની ખરાબ હાલતને કારણે મહિલાને હૉસ્પિટલમાં ખસેડવા માટે પણ મુશ્કેલી નડી હતી, એમ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. યાદવ શેખરેએ જણાવ્યું હતું.
પ્રસુતિ પીડાથી પીડાઇ રહેલી મહિલા કલ્યાણી ભોયેને ૧૩મી ડિસેમ્બરે વહેલી સવારે તેના પરિવાર દ્વારા ગ્રામીણ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ભ્રૂણના હૃદયના ધબકારામાં સમસ્યા જણાઇ રહી હતી અને પ્રસુતિ થવાની તૈયારી જ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડૉક્ટરોએ મહિલાને તાત્કાલિક થાણેની સુધરાઇની હૉસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી હતી જે ૭૫ કિલોમીટર દૂર હતી.
આપણ વાંચો: આ છે વિકાસ? છોટાઉદેપુરમાં 108 ઘર સુધી ન પહોંચતા સગર્ભાને ઝોળીમાં ઉપાડીને લઇ જવી પડી
મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતી વખતે રસ્તાના ખાડાને કારણે ૧૦ કિલોમીટરના અંતરે જ તાત્કાલિક મહિલાની પ્રસુતિ કરાવવી પડી હતી. આ દરેક તકલીફ બાદ ડૉકટરો મહિલાની સુરક્ષિત પ્રસુતિ કરાવવામાં સફળ રહ્યા હતા.
મહિલાએ પણ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું. ગ્રામીણ હૉસ્પિટલમાં વિશેષ સુવિધાનો અભાવ હોવા છતાં અહીં રોજની છથી વધુ ડિલિવરી કરાવવામાં આવે છે જેમાં બેથી ત્રણ ડિલિવરી સર્જરી દ્વારા કરાવાય છે, એમ તેમણે જણાવ્યું હતું.