ટાયસનને હરાવનાર જેક પૉલના મોટા ભાઈ લૉગન પૉલની ભારતમાં બૉક્સર મૅકગ્રેગર સાથે થશે ટક્કર
મુંબઈઃ અલ્ટિમેટ ફાઇટિંગ ચૅમ્પિયનશિપ (યુએફસી) સ્ટાર બૉક્સર અને આયરલૅન્ડના 36 વર્ષની ઉંમરના મિક્સ્ડ માર્શલ આર્ટિસ્ટ કૉનર મૅકગ્રેગરે મંગળવારે જાહેર કર્યું હતું કે તે બૉક્સિંગની રિંગમાં કમબૅક કરી રહ્યો છે. પ્રાથમિક અહેવાલ મુજબ મૅકગ્રેગર થોડા અઠવાડિયામાં અમેરિકાના 29 વર્ષના મુક્કાબાજ લૉગન પૉલ સામે રિંગમાં ઊતરશે.
મૅકગ્રેગરની આ સંભવિત મુક્કાબાજી વિશે એશિયાના સૌથી શ્રીમંત મુકેશ અંબાણી પરિવાર સાથે મંત્રણા ચાલી રહી હોવાનું મનાય છે. જો વાટાઘાટ સફળ થશે તો મોટા ભાગે મૅકગ્રેગર-લૉગન પૉલ વચ્ચેની પ્રદર્શનીય મુક્કાબાજી ભારતમાં યોજાશે.
લૉગન પૉલ 29 વર્ષનો છે અને તેના નાના ભાઈ 27 વર્ષીય જેક પૉલે ગયા મહિને બૉક્સિંગ-લેજન્ડ માઇક ટાયસનને બહુચર્ચિત મુકાબલામાં હરાવી દીધો હતો.
આપણ વાંચો: ટાયસન-જેક પૉલની મુક્કાબાજી પહેલાં ભારતના આ બૉક્સરની છે ઇવેન્ટ, જાણો ક્યારે અને કોની સામે
એક અહેવાલ મુજબ મુકેશ અંબાણી પરિવાર મૅકગ્રેગરના બૉક્સિંગની રિંગમાંના કમબૅકની ભારતમાં (એક્ઝિબિશન મુકાબલા મારફત) વ્યવસ્થા કરશે.
મૅકગ્રેગરે આ આગામી મુકાબલાની વિગત જાહેર કરવાની સાથે સોશિયલ મીડિયામાં એવું પણ કહ્યું હતું કે `ટૉપુરિયો સાથે રિંગમાં મારી ટક્કર થવાની છે એ વાત ખોટી છે. હું તો લૉગન પૉલ સાથેના મુકાબલા સંબંધમાં અંબાણી પરિવાર સાથે મંત્રણા કરી રહ્યો છું. હું તો તેમની સાથે સહમત થઈ ગયો છું.’
2017માં મૅકગ્રેગરની ફ્લોઇડ મેવેધર સાથે ટક્કર થઈ હતી જેમાં મૅકગ્રેગર હારી ગયો હતો. લૉગન પૉલ ડબ્લ્યૂડબ્લ્યૂઈમાં પણ લડી ચૂક્યો છે અને ભારતમાં ડબ્લ્યૂડબ્લ્યૂઈના ચાહકોમાં ખૂબ લોકપ્રિય છે.