ઉદ્ધવ ઠાકરે નાગપુર વિધાન ભવનમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા
નાગપુર: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની નાગપુરમાં આવેલા વિધાનસભા ભવનમાં તેમની ચેમ્બરમાં મળ્યા હતા. ત્યાર બાદ તેઓ વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરને પણ મળ્યા હતા.
ભાજપના વરિષ્ઠ નેતા ફડણવીસ સાથેની મુલાકાત દરમિયાન રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની સાથે શિવસેના (યુબીટી) ના વિધાનસભ્યો આદિત્ય ઠાકરે, અનિલ પરબ અને વરુણ સરદેસાઈ પણ હાજર હતા.
રાજ્ય વિધાન પરિષદના સભ્ય ઉદ્ધવ ઠાકરે મંગળવારે રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્રમાં હાજરી આપવા માટે અહીં પહોંચ્યા હતા.
તેઓ સાંજે શિવસેના (યુબીટી) વિધાનસભા પક્ષની બેઠકમાં પણ ભાગ લેશે.
2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (તે સમયે અવિભાજિત) એ મુખ્ય પ્રધાનપદ વહેંચવાના મુદ્દા પર લાંબા ગાળાના સાથી ભાજપ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.
ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?
મહારાષ્ટ્ર સરળ રાજકારણની રાહ જોઈ રહ્યું છે. તેમની સરકાર સ્થપાઈ છે. કમનસીબે અમારી સરકાર આવી નહીં. તેમની પાસેથી મહારાષ્ટ્રનું હિત અપેક્ષિત છે. તેઓ કેવી રીતે જીત્યા તે એક રહસ્ય છે. અમે લોકો દ્વારા આ પ્રશ્ર્નો ઉઠાવીશું, એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું.
ભાજપે શું કહ્યું?
ઉદ્ધવ ઠાકરેએ શુભેચ્છા આપવા માટે ફડણવીસની મુલાકાત લીધી હશે, એમ ભાજપના નેતા પ્રસાદ લાડે કહ્યું હતું. વિપક્ષના લોકો આવી રીતે મુખ્ય પ્રધાન, પ્રધાનોને મળતા હોય છે. આ મુલાકાતના અલગ અર્થ કાઢવાની આવશ્યકતા નથી, એમ ભાજપના વિધાનસભ્ય પ્રવીણ દરેકરે કહ્યું હતું. આ પહેલાં ઉદ્ધવ ઠાકરે અને મારી પણ મુલાકાત થઈ હતી. આ આપણી રાજકીય સંસ્કૃતિ છે. અમે વિરોધીઓ છીએ, વેરી નથી. રાજકારણ વ્યતિરિકત અમારા સારા સંબંધો છે, એમ પણ દરેકરે જણાવ્યું હતું.
ચર્ચા વિસ્તરણને બદલે બાદબાકી વિશે
કૅબિનેટનું વિસ્તરણ થયું, પરંતુ આજે વિસ્તરણ કરતાં બાદબાકીની ચર્ચા વધુ રંગીન છે. પ્રધાનપદ મેળવનારાઓ કરતાં અસંતુષ્ટોના ઢોલ જોરથી વાગી રહ્યો છે. ખાતાની ફાળવણી હજી સુધી કરવામાં આવી નથી, તેની જવાબદારી કોની છે તેવો પ્રશ્ર્ન ઉઠાવીને શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ ભાજપની આકરા શબ્દોમાં ટીકા કરતાં કહ્યું હતું કે વિધાનસભાના અધિવેશનને મજાક સમાન બનાવવામાં આવી રહ્યું છે? મહાયુતિ સરકાર લોકશાહીની મજાક ઉડાવી રહી હોવાની ટીકા તેમણે કરી હતી.
વિધાનસભાના શિયાળુ સત્રના પ્રસંગે નાગપુર આવેલા ઉદ્ધવ ઠાકરેએ મીડિયાને કહ્યું હતું કે, લોકોને હવે ઈવીએમમાં વિશ્વાસ રહ્યો નથી. એક રાષ્ટ્ર એક ચૂંટણી ઠીક છે, પરંતુ તે પારદર્શક હોવી જોઈએ. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં નવી સરકાર આવી છે. આપણે અઢી વર્ષનાં ગેરબંધારણીય સરકાર જોઈ ચૂક્યા છીએ. જે બાદ આ ચૂંટણીનું પરિણામ રહસ્યમય બની ગયું છે. લોકોમાં આ સરકારની ઈમેજ ઈવીએમ સરકારની બની ગઈ છે. કૅબિનેટનું વિસ્તરણ થયું છે, પરંતુ ચર્ચા વિસ્તરણ કરતાં બાદબાકીની વધુ છે.
આ પણ વાંચો : દેવેન્દ્ર ફડણવીસ આજે બપોરે પછી ભાવિ મંત્રીઓને ફોન કરશે; આવતીકાલે નાગપુરમાં મંત્રીમંડળનું વિસ્તરણ
લાડકા વિધાનસભ્ય, ઓરમાયા વિધાનસભ્ય યોજના શરૂ કરો
એવો રિવાજ છે કે નવા મંત્રીની નિમણૂક થયા બાદ કેબિનેટના વડા, મુખ્યમંત્રી તેમના સાથીદારોનો પરિચય કરાવે છે, પરંતુ મને લાગે છે કે મુખ્યપ્રધાને તે આરોપીઓની ઓળખ રાજ્યના પ્રધાન તરીકે આપવી પડી હોય તેવું પ્રથમ વખત બનશે, એવી ટીકા તેમણે કરી હતી. એક સમય હતો જ્યારે તેઓ સિદ્ધાંતો પર ચાલતા હતા. જો આવું કંઈક થાય તો અમે આ નહીં કરીએ, અમે આવું નહીં કરીએ, પરંતુ હવે તેમને આવા લોકોની બાજુમાં બેસવું પડશે. આ કયો ધર્મ છે તે તેઓ જ સારી રીતે કહી શકે છે. લાડકી બહેન યોજના શરૂ કર્યા બાદ હવે સરકારે લાડકા વિધાનસભ્ય અને ઓરમાયા વિધાનસભ્ય યોજના શરૂ કરવી જોઈએ. ચૂંટણી પૂરી થયા પછી અને ઈવીએમ સરકાર સત્તામાં આવ્યા પછી, લાડકી બહેન યોજના મહાયુતિના વચન મુજબ જમા કરાવવી જોઈએ, કોઈપણ નવા માપદંડ લાદ્યા વિના બહેનોના ખાતામાં 2100 રૂપિયા જમા કરાવવા જોઈએ, એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું.
1400 વૃક્ષોની કતલ કરશો?
આરે કારશેડમાં જે રીતે વૃક્ષોની કતલ કરવામાં આવી હતી તેવી જ રીતે ડોંગરી કારશેડ (મીરા-ભાઈંદર) માટે પણ 1400 વૃક્ષોની પણ કતલ કરવામાં આવશે? શું તમે પર્યાવરણ નિષ્ણાતોની સમિતિને મંજૂરી આપવા જઈ રહ્યા છો? કાયદો અને સુરક્ષા અંગે આ સરકાર શું કરશે? ખાતું ફાળવવામાં આવ્યું નથી તેની જવાબદારી કોની? શું વિધાનસભાનું અધિવેશન મનોરંજન માટે યોજવામાં આવે છે? જો આવું થતું હોય તો તે લોકશાહીની મજાક સમાન છે. કોઈ પ્રધાન કોઈ પ્રશ્ર્નોનો જવાબ નથી આપતા તેમ કહીને ઠાકરેએ સરકારની અત્યંત આકરા શબ્દોમાં ટીકા કરી હતી.
શું મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનપદ પણ અઢી વર્ષ માટે?
ઉદ્ધવ ઠાકરેએ સરકાર પર તોપમારો ચલાવ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે લોકશાહી કે મતદાન પ્રક્રિયાને પારદર્શક બનાવવી જોઈએ. ત્યાં સુધી વન નેશન વન ઈલેક્શન પૂર્ણ ન થવી જોઈએ. મહારાષ્ટ્રમાં જે બન્યું છે તેનાથી કોઈને વિશ્ર્વાસ નથી રહ્યો. તેથી એક રાષ્ટ્ર એક ચૂંટણીને માથે ના મારવી જોઈએ. 400ની વસ્તી ધરાવતા મારકડવાડીમાં 300 પોલીસકર્મીઓ લાવવામાં આવ્યા હોવાની પણ તેમણે ટીકા કરી છે.
મહારાષ્ટ્ર વિધાનસભાના રવિવારે પ્રધાનપદના શપથ લેનારા પ્રધાનોની મુદત અઢી વર્ષની હોવાના અહેવાલો પર ટિપ્પણી કરતાં તેમણે કહ્યું હતું કે શું રાજ્યમાં મુખ્ય પ્રધાનપદ અને નાયબ મુખ્ય પ્રધાનપદ માટે પણ અઢી વર્ષની મુદત રાખવામાં આવી છે?
નારાજ વિધાનસભ્યો મારા સંપર્કમાં..
શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ પ્રધાનપદથી વંચિત રાખવામાં આવેલા છગન ભુજબળ અંગે સહાનુભૂતિ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ભુજબળ માટે મને ખરાબ લાગી રહ્યું છે. આવી જ રીતે અન્ય અનેક જણા માટે પણ ખરાબ લાગી રહ્યું છે. આ લોકો મોટી આશા સાથે ત્યાં ગયા હતા. કેટલાક લોકોને ટુંકા પડેલા જેકેટ હવે પહેરવા મળ્યા છે, અન્ય લોકોને પણ જેકેટ પહેરવાની રાહ જોઈ રહ્યા છે તે બધા માટે મને સહાનુભૂતિ છે. ભુજબળ સહિત મહાયુતિના અનેક નેતાઓ મારા સંપર્કમાં છે એવું પણ નિવેદન તેમણે કર્યું હતું.
ભૂજબળે શું કહ્યું?
ઉદ્ધવ ઠાકરેના નિવેદન અંગે પુછવામાં આવતાં છગન ભુજબળે કહ્યું હતું કે હા હું ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં છું. અમે ઘણી વખત ફોન પર વાતો કરીએ છીએ. એવી રીતે તો હું શરદ પવારના પણ સંપર્કમાં છું અને સુપ્રિયા સુળેના પણ સંપર્કમાં છું. આપણે જે લોકો સાથે કામ કર્યું હોય તેમની સાથે સંપર્ક જાળવી રાખવો જોઈએ. ખાસ પ્રસંગોએ એક-મેકને શુભેચ્છાની આપ-લે પણ કરવાની હોય છે.