હાય મોંઘવારીઃ 15 રૂપિયા કિલોના કાંદા ગ્રાહકોને મળે છે 80 રૂપિયામાં, કારણ શું?
મુંબઈ/નાશિક: ખરીફ મોસમમાં ઉત્પાદન કરાયેલા કાંદાના દરમાં ચાર દિવસમાં મોટો ઘટાડો થયો છે. નાશિકના લાસલગાંવ બજારમાં સોમવારે કાંદાના દર પ્રતિ કિલોએ ૧૦થી ૧૨ રૂપિયા ગબડ્યા હતા, જ્યારે નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં કાંદા ૩૦ રૂપિયા કિલોના ભાવે વેચાઇ રહ્યા છે તેમ છતાં રિટેલ માર્કેટમાં કાંદા ૬૦-૮૦ રૂપિયા કિલોએ મળી રહ્યા છે.
આવક ઓછી હોવાને કારણે ગયા મહિનામાં કાંદાના પ્રતિ ક્વિન્ટલે સરાસરી ૪,૭૦૦ રૂપિયા દર મળ્યા હતા, પણ સોમવારે લાસલગાંવ બજારમાં પ્રતિ ક્વિન્ટલે ૧૦૦૦ રૂપિયાથી ૩,૮૦૦ રૂપિયાના ભાવે કાંદા વેચાયા હતા.
સોલાપુર, અહિલ્યાનગર, પુણે સહિત રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક રાજ્યથી પણ કાંદા સ્થાનિક બજારમાં આવી રહ્યા છે. દર સ્થિતિકરણ (રેટ સ્ટેબિલાઇઝેશન) યોજના હેઠળ કેન્દ્ર સરકારે ખરીદી કરેલા કાંદા મહાનગરોમાં પુરા પાડવામાં આવી રહ્યા છે, તેથી દેશમાં કાંદાની માગણી ઓછી થઇ ગઇ છે.
આપણ વાંચો: निवडणूक संपली: કાંદા અને લસણના ભાવ રડાવશે કે શું?
ખરીફ પાકના કાંદામાં પાણીનું પ્રમાણ વધુ હોય છે તેથી તે બહુ સમય ટકતા નથી. ઓછામાં ઓછા દોઢથી બે મહિના કાંદા સારા રહેતા હોવાથી વેપારીઓ માટે ગોદામમાં તેનો સંગ્રહ કરવાનું મુશ્કેલ હોય છે. નિકાસ માટે પણ આ કાંદાની માગણી હોતી નથી.
બાંગ્લાદેશ, શ્રી લંકા, નેપાળ વગેરે પાડોશી દેશમાં થોડા પ્રમાણમાં આ કાંદા જતા હોય છે, પરંતુ કાંદાની નિકાસ પર વીસ ટકા મહેસુલ લાગતી હોવાથી તેની નિકાસ પણ વધુ થતી નથી.