શું ઈન્દિરા ગાંધીની ભૂલથી ખતમ થયેલા One Nation, One Electionને મોદી સરકાર સુધારી શકશે? જાણો
નવી દિલ્હીઃ દેશની લોકસભાની ચૂંટણીઓ અને નાગરિક અને પંચાયતની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે દેશમાં વિધાનસભા, લોકસભા, પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે, જેથી દેશના કરોડો રૂપિયાની બચત થાય અને લોકોને પણ દરેક ચૂંટણી માટે અલગ અલગ મતદાન કરવા જવાની ઝંઝટમાંથી છૂટકારો મળે, પણ આ માટે બંધારણમાં ફેરફાર કરવો પડે એમ છે. જેને માટે આજે સંસદમાં બંધારણ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું છે.
આ બિલ પાસ કરવા માટે ભાજપે લોકસભા અને રાજ્યસભા બંનેમાં તેના સભ્યોને ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો હતો અને તેમને આજે ગૃહમાં હાજર રહેવા જણાવ્યું હતું. કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે લોકસભામાં ‘બંધારણ (129મો સુધારો) બિલ 2024’ રજૂ કર્યું. તે જ સમયે, રાજ્યસભામાં હજુ પણ બંધારણ પર ચર્ચા ચાલી રહી છે.
ઇલેક્ટ્રોનિક વોટિંગમાં 220 સભ્યોએ બિલની તરફેણમાં અને 149 સભ્યોએ એની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. વિપક્ષે ઇવીએમ દ્વારા મતદાન પર વાંધો ઉઠાવતા સ્લિપ દ્વારા મતદાન કરાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ કુલ 269 સાંસદે ગૃહમાં બિલ રજૂ કરવાના પ્રસ્તાવના પક્ષમાં જ્યારે 198એ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.
એક દેશ-એક ચૂંટણી બિલ, લોકસભામાં રજૂ કરવામાં આવ્યું ત્યારે તેને રજૂ કરતી વખતે સૌથી મોટી દલીલ એ હતી કે જ્યારે 1952 થી 1967 સુધી એક દેશ-એક ચૂંટણી થઈ શકી હોય તો હવે કેમ ન થઈ શકે? હવે સવાલ એ છે કે 1967માં એવું શું થયું કે 1952થી ચાલી આવતી એક દેશ, એક ચૂંટણીની પરંપરા ખતમ થઈ ગઈ હતી. આખરે, ઈન્દિરા ગાંધીની તે કઈ ભૂલ હતી, જેના કારણે આખા દેશને માર સહન કરવો પડ્યો અને લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ અલગ-અલગ થવા લાગી. આખરે 1967ની કઇ કહાની છે જેનો અંત કરીને નરેન્દ્ર મોદી અને તેમની સરકાર નવો ઇતિહાસ રચવા માંગે છે.
આઝાદી પછી, દેશમાં પ્રથમ વખત, વર્ષ 1951-52માં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી અને ત્યારબાદ લોકસભાની સાથે દેશમાં રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઈ હતી. આ ટ્રેન્ડ 1967 સુધી ચાલુ રહ્યો. એટલે કે 1957, 1962 અને 1967માં પણ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી. જોકે, તેમાં એક અપવાદ હતો અને તે કેરળ હતો. ઈન્દિરા ગાંધીએ વર્ષ 1959માં જ કેરળની ચૂંટાયેલી સરકારનું વિસર્જન કર્યું હતું. ત્યારબાદ 1960માં કેરળમાં અલગ વિધાનસભા ચૂંટણી યોજાઈ. 1962 માં, જ્યારે દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી અને અન્ય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી, ત્યારે કેરળમાં ચૂંટણીઓ યોજાઈ ન હતી કારણ કે તે સમયે તે વિધાનસભા માત્ર બે વર્ષ માટે કાર્યરત હતી.
કેરળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું
આ પછી, 1964 માં કેરળમાં ફરીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું. 1965માં ફરીથી ચૂંટણી યોજાઈ, પરંતુ સરકાર ન બની. રાષ્ટ્રપતિ શાસન ચાલુ રહ્યું અને જ્યારે 1967માં દેશમાં ફરીથી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ત્યારે કેરળમાં પણ ચૂંટણી યોજાઈ હતી. પરંતુ ચૂંટણીના એક વર્ષમાં ઇન્દિરા ગાંધીના એક નિર્ણયથી આ ટ્રેન્ડ તૂટી ગયો, તેને આજ સુધી કોઈ સરકાર જાળવી શકી નથી. પંજાબ અને પશ્ચિમ બંગાળમાં પણ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું
1968 ની શરૂઆતમાં, ઇન્દિરા ગાંધીએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન ચૌધરી ચરણ સિંહને બરતરફ કરીને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું હતું. આ પછી વિધાનસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી. પંજાબમાં પણ આવી જ સ્થિતિ હતી, જ્યાં સરકાર વિખેરી નાખવામાં આવી હતી અને રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું અને પછી વિધાનસભા પણ ભંગ કરવામાં આવી હતી. ઈન્દિરા ગાંધીએ પશ્ચિમ બંગાળમાં પણ આવું જ કર્યું હતું. કેટલાક અન્ય રાજ્યોમાં, ઈન્દિરા ગાંધીએ ચૂંટાયેલી સરકારોને વિખેરી નાખી, જેના કારણે વિધાનસભાની ચૂંટણીઓ લોકસભાથી અલગ થઈ ગઈ. ઈન્દિરા ગાંધીએ લોકસભામાં પણ આ કાર્ય પૂર્ણ કર્યું અને લોકસભાની ચૂંટણી જે 1972માં થવી જોઈતી હતી તે એક વર્ષ અગાઉ 1971માં યોજાઈ હતી. એકંદરે, લોકસભા અને વિધાનસભાની એકસાથે ચૂંટણીનો જે ટ્રેન્ડ નેહરુના સમયથી ચાલી રહ્યો હતો, તેને ઈન્દિરાએ તોડ્યો હતો, પરંતુ ચૂંટણી પંચે 1983માં આ પરંપરાને પુનઃસ્થાપિત કરવાનો બીજો પ્રયાસ કર્યો હતો.
Also read: મોદી કેબિનેટે આખરે ‘One Nation One Election’ બિલને મંજૂરી આપી
ચૂંટણી પંચે 1983માં અહેવાલ પ્રકાશિત કર્યો હતો
1983માં ચૂંટણી પંચે પ્રકાશિત કરેલા તેના વાર્ષિક અહેવાલમાં કહ્યું હતું કે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થઈ શકે છે, પરંતુ તેમ થઈ શક્યું નહીં અને મામલો સ્થગિત કરવામાં આવ્યો હતો. આ પછી, 1999 માં, ન્યાયાધીશ બીપી જીવન રેડ્ડીના નેતૃત્વ હેઠળ ભારતના કાયદા પંચે તેનો 170મો અહેવાલ પ્રકાશિત કર્યો, જેને ચૂંટણી કાયદાના સુધારા નામ આપવામાં આવ્યું. આ રિપોર્ટમાં કાયદા પંચે એક દેશ, એક ચૂંટણીની ભલામણ કરી હતી, પરંતુ તેનો પણ અમલ થઈ શક્યો નથી.
લૉ કમિશનના રિપોર્ટમાં શું હતું
2015માં સંસદીય સ્થાયી સમિતિએ તેના અહેવાલમાં એક દેશ, એક ચૂંટણીનું સૂચન કર્યું હતું. 2017 માં, નીતિ આયોગે કહ્યું હતું કે એક દેશ, એક ચૂંટણી હોવી જોઈએ. 2018ના લૉ કમિશનના રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે એક દેશ, એક ચૂંટણી હોવી જોઈએ. જસ્ટિસ બીએસ ચૌહાણના નેતૃત્વમાં બનેલી આ સમિતિએ એક દેશ, એક ચૂંટણી પર કાયદાકીય અને બંધારણીય પ્રશ્નોની પણ તપાસ કરી હતી.
અર્જુનરામ મેઘવાલે લોકસભામાં રજૂઆત કરી હતી
આ પછી, 2019 માં, પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં કહ્યું હતું કે એક દેશ, એક ચૂંટણી હોવી જોઈએ અને હવે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિ પણ બનાવવામાં આવી હતી. તેમણે એક દેશ, એક ચૂંટણીની સમીક્ષા કરી અને તેનો અહેવાલ રજૂ કર્યો અને તે અહેવાલના આધારે કેબિનેટે એક દેશ એક ચૂંટણી બિલને મંજૂરી આપી, ત્યારબાદ કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે તેને 17 ડિસેમ્બરે લોકસભામાં રજૂ કર્યું હતું.
બિલની વિગતવાર ચર્ચા જેપીસીમાં થશે
હવે આ બિલ જેપીસી પાસે છે અને જેપીસીમાં આ બિલ પર વિગતવાર ચર્ચા થશે, પરંતુ ચર્ચા પછી પણ આ બિલ કાયદો બની જશે તેની કોઈ ખાતરી નથી. કારણ કે આ બિલ કોઈ સામાન્ય બિલ નથી પરંતુ બંધારણ સંશોધન બિલ છે, જેના માટે સરકારને લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં બે-તૃતીયાંશ બહુમતની જરૂર પડશે અને આ સંખ્યા અત્યારે ભાજપ પાસે નથી. આ વખતે પણ એક દેશ અને એક ચૂંટણીની વાતો માત્ર વાતો જ રહેશે અને આ બિલ પણ પડતર રહેશે તેવી શક્યતા છે.