આપણું ગુજરાત

Tankara: ખેતરમાંથી બે માસૂમ બાળકોનાં અપહરણ બાદ પોલીસે આ રીતે ઝડપી મહિલાને….

ટંકારા: ટંકારા તાલુકાના નેકનામ ગામની સિમમાંથી ગઈકાલે સવારના સમયે ખેત મજૂરના બે દોઢ વર્ષ અને ત્રણ વર્ષના પુત્રનું અપહરણ થતા ગંભીર બનાવ મામલે વાંકાનેર ડીવાયએસપી, એલસીબી, અને ટંકારા સ્થાનિક પોલીસની ટીમોએ રાત ઉજાગરા કરી તમામ તાકાત કામે લગાડી બાળકોનું અપહરણ કરનાર મહિલાને અવાવરું જગ્યાએથી દબોચી લઈ બાળકોને મુક્ત કરાવ્યા હતા.

ખેતરમાથી થયું અપહરણ
માસૂમ બાળકોના અપહરણની આ ચોંકાવનારી ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં કાંતિભાઈ પટેલની વાડીએ ખેત મજૂરી કરતા પડધરી તાલુકાના દહીંસરડા ગામના કેસરભાઈ જેઠાભાઇ બારિયા ઉ.23એ ટંકારા પોલીસ મથકમાં ગઈકાલે સવારે સાડા દસેક વાગ્યાના અરસામાં તેમના ત્રણ વર્ષના પુત્ર હાર્દિક અને દોઢ વર્ષના પુત્ર વૈભવનું વાડીની ઓરડી પાસે રમતા હતા, ત્યારે કોઈ અજાણી વ્યક્તિ અપહરણ કરીને લઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.

તપાસ માટે ટીમો કરી તૈયાર
ફરિયાદ નોંધાયા બાદ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ ટંકારા પીઆઇ એસ.કે.ચારેલે નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેરને જાણ કરતા એલસીબી સહિતની ટીમોએ તપાસ શરૂ કરી સીસીટીવી, હ્યુમનસોર્સ અને ટેક્નિકલ ટીમોને મેદાને ઉતારી તમામ દિશામાં અલગ અલગ ટીમોને દોડાવી હતી. બીજી તરફ પોલીસની મહેનત પણ રંગ લાવી હતી અને બાતમીદારો મારફતે બાળકોનું અપહરણ કરનાર મહિલા હોવાની જાણકારી મળી હતી.

આ પણ વાંચો ; Rajkot ટંકારા જુગાર કેસમાં મોટો ખુલાસો: પોલીસે જ 61 લાખનો કર્યો તોડ

બાતમીના આધારે ઝડપી મહિલાને
દરમિયાન પોલીસ ટીમોને બાળકોનું અપહરણ કરનાર મહિલા વાંકાનેર તાલુકાના વાલાસણ તરફ ગઈ હોવાની સચોટ માહિતી મળતા પોલીસે તમામ તાકાત કામે લગાડી વાલાસણ ગામની સીમમા તપાસ શરૂ કરી હતી. ત્યારે એક અવાવરું જગ્યાએથી અપહરણ કરનાર મહિલા બન્ને માસૂમ બાળકો સાથે મળી આવી હતી.

બાળકોને માતાપિતાને સોંપાયા
મહિલા અને માસૂમ બાળકોને ટંકારા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા અને માસૂમ બાળકોને તેમના માતા પિતાને સોંપવામાં આવ્યા હતા. બીજી તરફ બાળકોનું અપહરણ કરનાર મહિલાએ પોલીસને પણ ચકરાવે ચડાવી હોવાનું અને પોતાનું ફર્યું ફર્યું નામ બોલતી હોય પોલીસે મહિલાની સાચી ઓળખ મેળવવા તપાસ જારી રાખી છે. માસૂમ બાળકોને અપહરણ કરનાર મહિલાની ચંગુલમાંથી મુક્ત કરાવી સહી સલામત શોધી કાઢી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button