આકાશ-બુમરાહે તો ફૉલો-ઑનથી બચાવ્યા, હવે મેઘરાજા પણ બચાવી લે તો સારું
બુધવારે બેથી પચીસ મિલીમીટર વરસાદ પડવાની આગાહીઃ ભારતને 300-પ્લસનો પડકારરૂપ લક્ષ્યાંક મળી શકે
બ્રિસ્બેનઃ અહીં ગૅબા ખાતે બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં સિરીઝની ત્રીજી ટેસ્ટના મંગળવારના ચોથા દિવસે પેસ બોલર આકાશ દીપ (27 નૉટઆઉટ, 31 બૉલ, એક સિક્સર, બે ફોર) અને વર્લ્ડ નંબર-વન બોલર જસપ્રીત બુમરાહ (10 નૉટઆઉટ, 27 બૉલ, એક સિક્સર)ની જોડીએ ટીમ ઇન્ડિયાને ફૉલો-ઑનની નામોશીથી બચાવી લીધી હતી, પરંતુ હવે વરસાદના વિઘ્નોવાળી આ ટેસ્ટમાં મેઘરાજા થોડા વધુ મહેરબાન થાય અને બુધવારના અંતિમ દિવસે પણ વરસાદ વરસાવીને મૅચને ડ્રૉમાં લઈ જવા માટેનો માર્ગ મોકળો કરી આપે અને ભારત પરાજયની નાલેશીથી બચી જાય તો સારું, એવી આશા કરોડો ભારતીય ક્રિકેટપ્રેમીઓએ રાખી હશે.
મંગળવારે ચોથા દિવસે બૅડ લાઇટને કારણે રમત વહેલી પૂરી કરવામાં આવી ત્યારે ભારતનો પ્રથમ દાવનો સ્કોર નવ વિકેટે 252 રન હતો. આકાશ અને બુમરાહની જોડી વચ્ચે છેલ્લી વિકેટ માટે 39 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.
મંગળવારની ચોથા દિવસની રમતને અંતે ભારતીયો યજમાન ટીમથી હજી 193 રન પાછળ હતા. અગિયારમા નંબરના આકાશ અને દસમા ક્રમના બુમરાહની જોડી 252 રનમાં બીજા કેટલા રન જોડશે એના પર આધાર છે. મેઘરાજા નહીં નડે તો ઑસ્ટ્રેલિયા બીજા દાવમાં ઝડપથી 150થી 200 જેટલા રન બનાવીને ભારતને 300-પ્લસનો પડકારરૂપ લક્ષ્યાંક આપશે તો નવાઈ નહીં લાગે.
આ પણ વાંચો : આકાશ-બુમરાહે ફૉલો-ઑનથી બચાવ્યા: બૅડ લાઈટને લીધે રમત અટકી, ભારતના નવ વિકેટે 252
ભારતે ફૉલો-ઑનથી બચવા માટે 246 રન બનાવવાના હતા અને આકાશ-બુમરાહની જોડીએ એમાં ટીમની આબરૂ સાચવી લીધી હતી. તેમની જોડીએ ઑસ્ટ્રેલિયાને બીજા દાવમાં બૅટિંગ માટે મેદાન પર ઉતરવાની ફરજ પાડી છે. રવીન્દ્ર જાડેજાની નવમી વિકેટ 213 રનના ટીમ-સ્કોર પર પડી હતી અને ત્યાર બાદ આકાશ-બુમરાહે રમતના અંત સુધી બન્ને છેડા સાચવી રાખ્યા હતા.
આ ટેસ્ટમાં ચાર દિવસ થઈ ગયા છે અને હજી પહેલી આખી ઇનિંગ્સ પણ પૂરી નથી થઈ. બુધવારના છેલ્લા દિવસે કુલ 98 ઓવર બોલિંગ થવી જોઈશે. જોકે ચોંકાવી દે એવી હકીકત એ છે કે પહેલા ચાર દિવસમાં કુલ 360 ઓવર સામે ફક્ત 192 ઓવર બોલિંગ થઈ શકી છે.
બુધવારે ટેસ્ટના આખરી દિવસે બે મિલીમીટરથી પચીસ મિલીમીટર વરસાદ પડવાની સંભાવના બ્રિસબેનની વેધશાળાએ બતાવી છે. મંગળવારના ચોથા દિવસે જે આગાહી કરાઈ હતી એવું જ બન્યું અને આખા દિવસમાં કુલ ફક્ત 58 ઓવર થઈ શકી હતી.
ઑસ્ટ્રેલિયાના બ્યૂરો ઑફ મીટિયૉરોલૉજીના જણાવ્યા મુજબ બુધવારે (મૅચના અંતિમ દિવસે) બ્રિસ્બેનમાં ઠંડા પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.
ચારમાંથી ફક્ત એક જ દિવસે (મૅચના બીજા દિવસે) પૂરી 90 ઓવર બોલિંગ થઈ શકી હતી. એ દિવસે ટ્રેવિસ હેડ (152 રન) અને સ્ટીવ સ્મિથ (101 રન)ને કારણે ઑસ્ટ્રેલિયાએ મૅચ પર પકડ જમાવી હતી અને પ્રથમ દાવમાં એનો સ્કોર 445 રન સુધી પહોંચ્યો હતો.
જોકે ભારતીય ટીમ 252/9ના સ્કોર છતાં હજી કાંગારૂઓથી 193 રન પાછળ છે. ફાસ્ટ બોલર જૉશ હૅઝલવૂડ ઈજાગ્રસ્ત હોવાથી ઑસ્ટ્રેલિયાને મંગળવારથી જ એક બોલરની ગેરહાજરી નડી રહી છે.
ઉલ્લેખનીય છે કે ઓપનર કેએલ રાહુલે 139 બૉલમાં આઠ ફોરની મદદથી 84 રન બનાવીને અને રવીન્દ્ર જાડેજાએ 123 બૉલમાં એક સિક્સર તથા સાત ફોરની મદદથી 77 રન બનાવીને ઑસ્ટ્રેલિયન બોલર્સને જોરદાર લડત આપી હતી. નીતીશ રેડ્ડી (61 બૉલમાં 16 રન)નો પણ જાડેજાને સારો સાથે મળ્યો હતો. મંગળવારની રમતના છેલ્લા તબક્કામાં આકાશ-બુમરાહે ભારતને ફૉલો-ઑનથી બચાવીને રાહુલ, જાડેજા, રેડ્ડી ત્રણેયની મહેનત પર પાણી નહોતું ફરવા દીધું. આકાશ ફોર ફટકારીને ફૉલો-ઑન ટાળ્યું હતું, જ્યારે ત્યાર બાદ આકાશે કૅપ્ટન પૅટ કમિન્સના જ બૉલમાં છગ્ગો ફટકારીને પોતાની બૅટિંગ-
તાકાતનો પરચો કરાવી દીધો હતો.
રાહુલ-જાડેજા વચ્ચે 115 બૉલમાં 67 રનની, જાડેજા-રેડ્ડી વચ્ચે 104 બૉલમાં 53 રનની, જાડેજા-સિરાજ વચ્ચે 19 બૉલમાં સાત રનની, જાડેજા-બુમરાહ વચ્ચે 18 બૉલમાં 12 રનની ભાગીદારી થઈ હતી. આકાશ-બુમરાહ વચ્ચે 39 રનની અતૂટ ભાગીદારી 54 બૉલમાં બની છે.
ટીમ ઇન્ડિયામાં બીજા કોઈ ટોચના બૅટર (ખાસ કરીને ટૉપ-ઑર્ડરના ખેલાડીઓ) સારું ન રમ્યા એને કારણે ભારત મુશ્કેલીમાં આવી ગયું હતું.