દુબઈ ફરવા જતી મહિલાની બહેનપણીએ આપી ટિપ: શસ્ત્રોની ધાકે લૂંટ ચલાવનારા પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દુબઈ ફરવા અને શૉપિંગ માટે જઈ રહેલી મહિલાની બહેનપણીએ જ આપેલી ટિપ પરથી લૂંટારાઓએ થાણેમાં શસ્ત્રોની ધાકે લૂંટ ચલાવી હતી. પોલીસ અને કસ્ટમ્સના અધિકારીના સ્વાંગમાં કૅબને રોકી સઉદી રિયાલ અને એક લાખની રોકડ લૂંટનારા આરોપીઓ સાથે પોલીસે ફરિયાદીની બહેનપણીની પણ ધરપકડ કરી હતી. થાણે પોલીસની ખંડણી વિરોધી શાખાએ પકડી પાડેલા આરોપીઓની ઓળખ નીતા વિષ્ણુ મનુજા ઉર્ફે ભક્તિ (40), મોહિત હેમંત હિંદુજા (19), વરુણ નરેશ હોટવાની (20), રોહન સતીશ રેડકર ઉર્ફે બાબુ (19), સ્વપ્નિલ દિલીપ સસાણે ઉર્ફે બાબુરાવ (22), અન્વર સુબાની શેખ તરીકે થઈ હતી. કોર્ટે આરોપીને 19 ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. આ કેસમાં એક સગીરને પણ તાબામાં લેવાયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
ઉલ્હાસનગરમાં રહેતી સુનીતા પિલ્લઈ (45) ફરવા અને શૉપિંગ માટે દુબઈ જવાની હતી. મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પહોંચવા માટે તે પાંચમી ડિસેમ્બરની રાતે ઘરેથી કૅબમાં નીકળી હતી. આરોપીઓએ કારમાં પીછો કરી સુનીતાની કૅબને થાણેમાં રાબોડી નજીક કેડબરી જંક્શનના બ્રિજ પાસે રોકી હતી. પોતાની ઓળખ પોલીસ તરીકેની આપીને પોલીસની બીજી ટીમ અને કસ્ટમ્સના અધિકારી પાછળ વાહનમાં આવી રહ્યા હોવાનું કહ્યું હતું.
Also read: Viral Video: AC લોકલમાં નગ્ન અવસ્થામાં ગઠિયો ચઢી આવ્યો, સુરક્ષા મુદ્દે સવાલ
કૅબના ડ્રાઈવર અને ફરિયાદીને શસ્ત્રોની ધાક બતાવી આરોપી 50 હજાર સઉદી રિયાલ અને એક લાખ રૂપિયા લૂંટી ફરાર થઈ ગયા હતા. આ પ્રકરણે રાબોડી પોલીસે ગુનો નોંધ્યો હતો, જેની સમાંતર તપાસ ખંડણી વિરોધી શાખાએ હાથ ધરી હતી.
ખંડણી વિરોધી શાખાના ઈન્સ્પેક્ટર નરેન્દ્ર પવાર અને એપીઆઈ સુનીલ તારમળેની ટીમે મળેલી માહિતીને આધારે અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી આરોપીઓને પકડી પાડ્યા હતા. આરોપીઓને ફરિયાદી સુનીતાની કલ્યાણમાં રહેતી બહેનપણી નીતા ઉર્ફે ભક્તિએ જ માહિતી પૂરી પાડી હોવાનું તપાસમાં સામે આવતાં પોલીસે ભક્તિની પણ ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી લૂંટેલી રોકડ સહિત દેશી બનાવટની પિસ્તોલ અને કારતૂસ જપ્ત કરવામાં આવી હતી. ગુનામાં વપરાયેલી કાર, બે બાઈક પણ હસ્તગત કરાઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.