વાંકાનેરમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ ફિનાઇલ પીધું
વાકાનેરઃ વ્યાજખોરીમાં ફસાઈ જવાને કારણે અનેક લોકો આપઘાતના માર્ગ અપનાવતા હોય છે ત્યારે વાંકાનેરમાં રહેતાં અને કોલસાનો વેપાર કરતા યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
વાંકાનેર ચાવડી ચોકમાં બહુચરાજી શેરીમાં રહેતા યશ પ્રફુલચંદ્ર ભાવસાર (ઉ. વ. ૨૯) નામના યુવકે આપઘાતના પ્રયાસ કર્યા પૂર્વે લખેલી સ્યુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે હું યશ ભાવસાર આ છેલ્લા શબ્દોમાં મારા પરિવાર અને સમાજને જણાવુ છું.
હું માનસિક ત્રાસથી નીકળી રહ્યો છું, મારા ભોળપણને કારણે અને એકલો હોવાના કારણે મને એક ષડયંત્રમાં ફસાવ્યો છે. આજથી એક મહિના પહેલા પણ હું ઘર મુકીને નીકળી ગયો હતો. હું વ્યાજના ચક્રમાં ફસાયો છું. આજથી બે પોણા બે વર્ષ પહેલા મારા સગા મારફત જ મેં વ્યાજે પૈસા લીધા હતાં. મેં સતત વ્યાજ ભર્યુ હતું. આ કારણે હું ફસાઇ ગયો હતો.
આ પણ વાંચો : સિવિલ હોસ્પિટલમાં હડકાયા કૂતરાના ઇન્જેક્શનો લાંબા સમયથી સ્ટોક ખલાસ…
વધુમાં જણાવ્યું હતું કે વ્યાજખોરોએ મારી પાસે ઘણા કાગળોમાં સહીઓ કરાવી લીધી હતી. હું વ્યાજ ઓછુ કરવાનું કહું તો પચ્ચીસમાંથી વીસ ટકા કરી દેતાં હતાં. મને બ્લેકમેઈલ કરતા હવે મારી પાસે જીવન ટૂંકાવવા સિવાય કોઈ રસ્તો બાકી રહ્યો નથી. આ લોકોએ સમાજમાં મારા કુટુંબીઓને ફોન કરીને પણ મારા વિશે ખોટી વાતો ફેલાવી દીધી હતી.
છેલ્લે એટલુ જ કહીશ કે જો ન્યાયપૂર્વક તપાસ કરવામાં આવશે તો સંપૂર્ણ સત્ય બહાર આવશે. માફ કરજો, આ છેલ્લો રસ્તો છે, હવે મારી ક્ષમતા નથી. મને શાંતિ આપો લખી ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે રાજકોટ પોલીસે વાંકાનેર પોલીસને જાણ કરતા પોલીસે દોડી જઈ સ્યુસાઈડ નોટ કબજે કરી તપાસ હાથ ધરી છે.