ભારત-ઑસ્ટ્રેલિયા મૅચમાં આ કૅપ્ટને વેસ્ટ ઇન્ડિઝના ગૅરી સોબર્સનો રેકૉર્ડ તોડ્યો
બ્રિસ્બેનઃ અહીં ગૅબામાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેઘરાજાની મહેરબાની વચ્ચે રોમાંચક તબક્કામાં પહોંચી છે અને એમાં એક અનોખો વિક્રમ પણ રચાયો છે. ઑસ્ટ્રેલિયાનો પૅટ કમિન્સ ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર કૅપ્ટનોમાં ત્રીજા નંબર પર આવી ગયો છે. તે વેસ્ટ ઇન્ડિઝના મહાન ઑલરાઉન્ડર સર ગૅરી સોબર્સથી આગળ નીકળી ગયો છે.
કમિન્સે કૅપ્ટન તરીકે 119 વિકેટ લીધી છે. સોબર્સે સુકાની તરીકે 117 ટેસ્ટ વિકેટ લીધી હતી. હવે કમિન્સથી માત્ર બે ખેલાડી આગળ છે.
આ લિસ્ટમાં ઇમરાન ખાન 187 વિકેટ સાથે મોખરે છે.
કમિન્સે ઑસ્ટ્રેલિયા વતી 30 ટેસ્ટમાં સુકાન સંભાળ્યું છે. એમાંથી 18 ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા જીત્યું છે અને ફક્ત સાત ટેસ્ટમાં હાર્યું છે. તેણે કૅપ્ટન્સીવાળી ટેસ્ટ મૅચોમાં કુલ 119 વિકેટ લીધી છે. તેણે આઠ વાર દાવમાં પાંચ કે વધુ વિકેટની સિદ્ધિ મેળવી છે.
આ પણ વાંચો :બ્રિસ્બેનમાં વરસાદે શરૂઆત બગાડી, મેઘરાજા કદાચ બાકીના ચારેય દિવસ હેરાન કરશે
ટેસ્ટ-ક્રિકેટમાં કૅપ્ટન તરીકે કોની સૌથી વધુ વિકેટ
(1) ઇમરાન ખાન (પાકિસ્તાન): 187 વિકેટ
(2) રિચી બેનૉ (ઑસ્ટ્રેલિયા): 138 વિકેટ
(3) પૅટ કમિન્સ (ઑસ્ટ્રેલિયા): 119 વિકેટ
(4) ગૅરી સોબર્સ (વેસ્ટ ઇન્ડિઝ): 117 વિકેટ
(5) ડેનિયલ વેટોરી (ન્યૂ ઝીલૅન્ડ): 116 વિકેટ