નવી દિલ્હીઃ દેશની લોકસભાની ચૂંટણીઓ અને નાગરિક અને પંચાયતની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે દેશમાં વિધાનસભા, લોકસભા, પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે, જેથી દેશના કરોડો રૂપિયાની બચત થાય અને લોકોને પણ દરેક ચૂંટણી માટે અલગ અલગ મતદાન કરવા જવાની ઝંઝટમાંથી છૂટકારો મળે, પણ આ માટે બંધારણમાં ફેરફાર કરવો પડે એમ છે. જેને માટે આજે સંસદમાં બંધારણ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલ પાસ કરવા માટે ભાજપે લોકસભા અને રાજ્યસભા બંનેમાં તેના સભ્યોને ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો હતો અને તેમને આજે ગૃહમાં હાજર રહેવા જણાવ્યું હતું. કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે લોકસભામાં ‘બંધારણ (129મો સુધારો) બિલ 2024’ રજૂ કર્યું. તે જ સમયે, રાજ્યસભામાં હજુ પણ બંધારણ પર ચર્ચા ચાલી રહી છે.
ઇલેક્ટ્રોનિક વોટિંગમાં 220 સભ્યોએ બિલની તરફેણમાં અને 149 સભ્યોએ એની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. વિપક્ષે ઇવીએમ દ્વારા મતદાન પર વાંધો ઉઠાવતા સ્લિપ દ્વારા મતદાન કરાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ કુલ 269 સાંસદે ગૃહમાં બિલ રજૂ કરવાના પ્રસ્તાવના પક્ષમાં જ્યારે 198એ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. અર્જુન રામ મેઘવાલે આ બિલને જેપીસીને ચર્ચા માટે મોકલવાનો પ્રસ્તાવ રાખ્યો છે. કૉંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ આ બિલનો વિરોધકર્યો છે અને જણાવ્યું છે કે આ બિલ બંધારણ અને સંઘવાદની વિરુદ્ધ છે.
Also read: ‘વન નેશન વન ઇલેક્શન’ 2029 પહેલા લાગુ કરવું અશક્ય: લો કમિશન
નોંધનીય છે કે વન નેશન, વન ઈલેક્શન બિલ ઘણા સમયથી સત્તાધારી પક્ષ ભાજપના એજન્ડામાં છે. આ બિલ પૂર્ણ કરવાના માટે કેન્દ્ર સરકારે 2 સપ્ટેમ્બર 2023ના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ 14 માર્ચ 2024ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. સમિતિએ રિપોર્ટમાં કહ્યું છે કે એકસાથે ચૂંટણી કરાવવાથી ચૂંટણી પ્રક્રિયામાં પરિવર્તન આવી શકે છે.